નેશનલસ્પેશિયલ ફિચર્સ

Keep Moving: રતન ટાટાના ઉત્તરાધિકારી કઈ રીતે બન્યા નોએલ ટાટા, જાણો ઈન્સાઈડ સ્ટોરી

મુંબઈઃ દેશના રત્નસમાન રતન ટાટાના નિધન પછી સૌથી મોટો સવાલ એ હતો કે ટાટા ટ્રસ્ટના વડા 1991થી રતન ટાટાના ઉત્તરાધિકારી કોણ બનશે. 24 કલાકમાં રતન ટાટાના ઉત્તરાધિકારીની પસંદગી કરવામાં આવી છે, જેના માટે રતન ટાટાના મૂળ મંત્ર કીપ મૂવિંગ કારણભૂત છે. આજે ટાટા ટ્રસ્ટની બેઠક બોમ્બે હાઉસથી અલગ મુંબઈના કફ પરેડ સ્થિત વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં યોજવામાં આવી હતી. બેઠકમાં તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. રતન ટાટાના નિધન બાદ આ જવાબદારી નોએલ ટાટાને સોંપવામાં આવી છે. ૧૯૯૧માં જ્યારે રતન ટાટાને ટાટા ગ્રુપની જવાબદારી સોંપવામાં આવી ત્યારથી તેઓ ટાટા ટ્રસ્ટના ચેરમેન પદ પર હતા. પરંતુ હવે ટાટા ટ્રસ્ટોએ સર્વસંમતિથી નોએલ ટાટાને આ જવાબદારી સોંપી છે. નોએલ ટાટા રતન ટાટાના સાવકા ભાઈ છે જે છેલ્લા ૪૦ વર્ષથી ટાટા ગ્રુપ સાથે જોડાયેલા છે.

નોએલ ટાટાએ ટાટા ટ્રસ્ટની કામગીરીમાં ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી છે. હાલમાં, તેઓ ટાટા ટ્રસ્ટ હેઠળ આવતા સર રતન ટાટા ટ્રસ્ટ અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી છે. આ ટ્રસ્ટ માત્ર ટાટા ગ્રૂપની પરોપકારી પ્રવૃત્તિઓનું જ સંચાલન કરતું નથી, પરંતુ ટાટા ટ્રસ્ટ પાસે ટાટા સન્સમાં ૬૬ ટકા હિસ્સો પણ છે, જે ટાટા ગ્રૂપની મુખ્ય કંપની છે.

નોએલ ટાટા ટાટા ગ્રુપની ઘણી કંપનીઓના બોર્ડમાં છે. તેઓ ટાટા ગ્રુપની રિટેલ કંપની ટ્રેન્ટ, ટાટા ઈન્ટરનેશનલ લિમિટેડ, ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના ચેરમેન અને ટાટા સ્ટીલ અને ટાઈટનના વાઇસ ચેરમેન પણ છે. ટ્રેન્ટના કાર્યકાળ દરમિયાન મળેલી સફળતાની ચર્ચા દરેક જગ્યાએ થાય છે. ટ્રેન્ટનું માર્કેટ કેપ ૨.૯૩ લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

નોએલ ટાટા ઓગસ્ટ ૨૦૧૦થી નવેમ્બર ૨૦૨૧ સુધી ટાટા ઇન્ટરનેશનલ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર હતા અને તેમના કાર્યકાળ દરમિયાન કંપનીનું ટર્નઓવર $ ૫૦૦ મિલિયનથી વધીને $ ૩ અબજ થયું હતું. નોએલ ટાટા નવલ એચ ટાટા અને સિમોન ટાટાના પુત્ર છે અને તેમની પત્ની આલુ મિસ્ત્રી શાપૂરજી પાલનજી ગ્રુપના મિસ્ત્રી પરિવારમાંથી આવે છે. શાપૂરજી પલોનજી ગ્રુપ ટાટા સન્સમાં ૧૮.૩ટકા હિસ્સો ધરાવે છે.

નોએલ ટાટાના પુત્ર નેવિલ ટાટા પણ ૨૦૧૬થી ટ્રેન્ટ સાથે સંકળાયેલા છે અને સ્ટાર બજારના વડા છે. નોએલ ટાટાની દીકરીઓ પણ ટાટા ગ્રુપની કંપનીઓ સાથે સંકળાયેલી છે. લિઆ ટાટાને તાજેતરમાં ઇન્ડિયન હોટેલ્સની ગેટવે બ્રાન્ડની જવાબદારી સોંપવામાં આવી છે. બીજી પુત્રી માયા ટાટા કે જેઓ નવા જમાનાની ટેક્નોલોજીમાં રસ ધરાવે છે અને ટાટા ડિજિટલ સાથે સંકળાયેલ છે.

શા માટે બન્યા નોએલ ટાટા ઉત્તરાધિકારી?
1) નોએલ ટાટા હાલમાં ટાટા ઇન્ટરનેશનલના ચેરમેન છે. છેલ્લા ચાર દાયકામાં તેમણે ટાટા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી વૈશ્વિક કંપનીઓને સામેલ કરવામાં મોટી અને મહત્વની ભૂમિકા ભજવી છે.
2) નોએલ ટાટા ટ્રેન્ટ, વોલ્ટાસ અને ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના ચેરમેન પણ છે. તેઓ ટાટા સ્ટીલ અને ટાઇટન કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ પણ છે.
3) નોએલ ટાટા સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે.
4) નોએલ ટાટાના નેતૃત્વમાં ટાટા ઇન્ટરનેશનલે ઓગસ્ટ 2010થી નવેમ્બર 2021 સુધી નોંધપાત્ર વિસ્તરણ કર્યું છે. કંપનીની વેલ્યુ 500 મિલિયન ડોલરથી વધીને 3 અબજ ડોલર થઈ છે.
5) નોએલ ટાટાની આગેવાનીમાં ટ્રેન્ટનો નોંધપાત્ર વિસ્તાર થયો છે. 1998માં ટ્રેન્ટનો એક જ સ્ટોર હતો. આજની તારીખમાં કંપની પાસે હવે વિવિધ સ્થળોએ લગભગ 700 સ્ટોર છે.
ટાટા નામ ધરાવતો આ ઉદ્યોગ નોએલ ટાટાના નેતૃત્વ હેઠળ વિકસ્યો છે. ભવિષ્યમાં ટાટા ટ્રસ્ટ દ્વારા વધુ મહત્વના કામ કરવામાં આવશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button