મેટ્રો, બસ અને લોકલ ટ્રેનની ટિકિટ માટે હવે ટિકિટ વિંડોની ઝંઝટ નહીં, “મુંબઈ વન એપ” પરથી બુક કરી શકશો!

મુંબઈ: મુંબઈગરાને ગઈકાલે એકસાથે નવું એરપોર્ટ, મેટ્રો 3 (એક્વા લાઈનનો છેલ્લો તબબકો) અને મુંબઈ વન એપની ભેટ મળી હતી. મુંબઈ વન એપ આજથી પ્રવાસીઓ માટે ઉપલબ્ધ થઈ છે. આ મોબાઇલ એપ દ્વારા મુસાફરો મેટ્રો, મોનોરેલ, બસો અને લોકલ ટ્રેન જેવી સુવિધાઓ માટે એક જ QR-આધારિત ડિજિટલ ટિકિટ બુક કરી શકે છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) દ્વારા વિકસાવવામાં આવેલી આ એપ આજે સવારે 5 વાગ્યાથી ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. સવારે 8:30 વાગ્યા સુધીમાં, 500 થી વધુ લોકોએ આ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. અત્યાર સુધી, દરેક જાહેર પરિવહન ઓપરેટર પાસે પોતાનું ડિજિટલ ટિકિટિંગ પ્લેટફોર્મ હતું, પરંતુ ‘મુંબઈ વન’ સાથે, હવે અલગ અલગ કાગળની ટિકિટો અથવા અલગ બુકિંગની જરૂર રહેશે નહીં. જોકે, મુસાફરો આ એપ્લિકેશન દ્વારા ઉપનગરીય ટ્રેનો માટે ‘સીઝન’ અથવા રિટર્ન ટિકિટ બુક કરી શકશે નહીં.
સમગ્ર મુંબઈ મેટ્રોપોલિટન રિજન માટે વિકસાવવામાં આવેલ, આ ડિજિટલ ટિકિટિંગ પ્લેટફોર્મની મદદથી લોકો તેમની મુસાફરીનું આયોજન કરી શકે છે અને 11 જાહેર પરિવહન ઓપરેટરોની ટિકિટ બુક કરી શકે છે.
તમને જણાવી દઈએ કે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને મુંબઈ મેટ્રો 3 ના અંતિમ તબક્કાના ઉદ્ઘાટન દરમિયાન એપ લોન્ચ કરતી વખતે વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે દરેક પરિવહન માધ્યમને બીજા સાથે જોડવામાં આવી રહ્યું છે. મુસાફરીને સરળ બનાવવાના પ્રયાસો કરવામાં આવી જેથી એક માધ્યમ માંથી બીજા માધ્યમમાં મુસાફરી કરતી વખતે કોઈ મુશ્કેલી ન પડે. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે દેશ ‘વન નેશન, વન મોબિલિટી’ના વિઝન તરફ આગળ વધી રહ્યો છે. “મુંબઈ વન” એપએ દિશામાં એક પગલું છે. હવે, મુંબઈકરોને ટિકિટ માટે લાંબી કતારોથી છુટકારો મળશે.
આ એપ 11 જાહેર પરિવહન સંચાલકોને જોડે છે
આ એપ 11 જાહેર પરિવહન સંચાલકોની સેવાઓને જોડે છે, જેમાં ઉપનગરીય રેલવે, મેટ્રો લાઈન 1, 2A, 3 અને 7, નવી મુંબઈ મેટ્રો, મોનોરેલ અને બેસ્ટ, ટીએમટી (થાણે), NMMT (નવી મુંબઈ), KDMT (કલ્યાણ ડોમ્બિવલી) અને MBMT (મીરા-ભાઈંદર)નો સમાવેશ થાય છે.
આ એપ કેશલેસ અને કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શનને સપોર્ટ કરવામાં પણ મદદ કરશે
‘મુંબઈ વન’ વપરાશકર્તાઓ પર કોઈ વધારાનો ચાર્જ વસૂલશે નહીં, આ સિસ્ટમ દરરોજ 50 લાખ ટ્રાન્ઝેક્શન સંભાળી શકે છે અને એક વર્ષમાં વપરાશકર્તાઓનો આંકડો 10 લાખથી વધીને 50 લાખ થવાની ધારણા છે.
આપણ વાંચો : મોબાઈલ નંબર હંમેશા 10 આંકડાનો જ કેમ હોય છે? જાણો આ નિર્ણય પાછળનું ગણિત અને વસ્તીનું કનેક્શન!