નીતા અંબાણી પાસે કયો ફોન છે અને તેની કિંમત કેટલી છે જાણો છો?

હેડિંગમાં પૂછાયેલો સવાલ સાંભળીને જ એવું થયું ને કે ભાઈ અંબાણીઝની વાત હોય તો ચોક્કસ જ નીતા અંબાણી પાસે મોંઘોદાટ ફોન હશે એમાં કોઈ શંકા જ નથી. ભારતીય ઉદ્યોગપતિઓની વાત થતી હોય ત્યારે અંબાણી ફેમિલીનો ઉલ્લેખ ન થાય તો જ નવાઈ તો સામે પક્ષે માત્ર ભારત જ નહીં પણ એશિયાના ધનવાન ઉદ્યોગપતિઓની યાદીમાં પોતાનું સ્થાન જાળવી રાખનાર અંબાણીઝ પણ કંઈ ઓછા ઉતરે એવા નથી. પણ શું તમે જાણો છો કે અંબાણી પરિવારના વહુ એટલે કે નીતા અંબાણી કયો ફોન વાપરે છે અને તેની કિંમત કેટલી છે? નહીં ને? ડોન્ટ વરી અમે તમને એ વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ.
એશિયાના ધનવાન પરિવારોમાં પોતાની જગ્યા બનાવનાર અંબાણી પરિવાર તેમની લાઈફસ્ટાઈલને કારણે અવાનવાર લાઈમલાઈટમાં આવતો જ હોય છે. હવે આપણે અહીં વાત કરીએ કે આખરે વૈભવી જીવન જીવતા આ પરિવારના સભ્ય નીતા અંબાણી અને એમના ફોન વિશે.
હાલમાં જ એવો દાવો કરવામાં આવ્યો હતો કે નીતા અંબાણી દુનિયાનો સૌથી મોંઘામાં મોંઘો સ્માર્ટફોન વાપરે છે અને લોકોએ પણ આ વાત પર વિશ્વાસ કરી લીધો, કારણ કે ભાઈ આ તો અંબાણીઝ છે એટલે એમની વાત ન્યારી જ હોય. એટલું જ નહીં અનેક જગ્યાએ ચલાવવામાં આવેલા આ સમાચારમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે નીતા અંબાણી પાસે ગોલ્ડ પ્લેટેડ આઈફોન છે અને તેમની પાછળની બાજુએ કિંમતી હીરો લગાવવામાં આવ્યો છે.
દુનિયાના મોંઘા ઘરોમાંથી એક એવા એન્ટાલિયામાં રહેતાં અંબાણી પરિવારના સદસ્ય પાસે આવો મોંઘો ફોન હોય એ વાત પર લોકોએ ખૂબ જ સરળતાથી વિશ્વાસ કરી લીધો. આ ફોનની કિંમત 400 કરોડ રૂપિયા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. જ્યારે આ સમાચાર વિશે ખરાઈ કરવામાં આવી હતી ત્યારે એવું જાણવા મળ્યું હતું કે આ સમાચાર અને આ દાવામાં બિલકુલ સચ્ચાઈ નથી.
અંદરના સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર નીતા અંબાણી પાસે પિંક ફેલ્કોન ફોન નથી અને તેઓ ચોક્કસ કયો ફોન ઉપયોગમાં લે છે એની કોઈ ઓફિશિયલ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ આ એક વાત તો હકીકત છે તેમની પાસે રહેલો ફોન દુનિયાનો સૌથી મોંઘો અને 400 કરોડ રૂપિયાનો નથી જ. એટલે નીતા અંબાણી 400 કરોડનો ફોન વાપરે છે એ તો અફવા જ છે.