નવરાત્રિનાં છઠ્ઠે નોરતે દેવી કાત્યાયનીની પૂજાનું મહાત્મય; માતા ચાર ફળનાં છે દાતા!

આજે પવિત્ર ચૈત્ર નવરાત્રિનું છઠ્ઠુ નોરતું છે અને આજના દિવસે દેવી દુર્ગાનાં કાત્યાયની સ્વરૂપની પૂજાનું માહાત્મ્ય રહેલું છે. માતા કાત્યાયનીનો જન્મ ઋષિ કાત્યાયનના ઘરે થયો હોવાથી તેમનું નામ કાત્યાયની પડ્યું. દેવી કાત્યાયની આરાધના વ્યક્તિને વાસના, મોક્ષ, ધર્મ અને અર્થ એ ચાર ફળની આપૂર્તિ કરનાર છે. ચાલો જાણીએ નવરાત્રિના છઠ્ઠા દિવસની પૂજા પદ્ધતિ, મા કાત્યાયનીનો પ્રસાદ, મંત્ર વગેરે.
દેવી બ્રહ્માના માનસ પુત્રી
શાસ્ત્રોમાં માતા કાત્યાયનીને ભગવાાન બ્રહ્માના માનસ પુત્રી તરીકે ઓળખવામાં આવ્યા છે અને નવરાત્રીના છઠ્ઠા દિવસે તેમનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ઋષી કાત્યાયનની તપસ્યાથી પ્રસન્ન થઈને દેવીએ તેમના ઘરે પુત્રી તરીકે અવતરવાનું વરદાન આપ્યું હતું. માનું આ સ્વરુપ અમોઘ ફળદાયક ગણાય છે. એટલે કે આ સ્વરુપની પૂજા-અર્ચનાથી એવું ફળ મળે છે જેનો ક્યારેય નાશ નથી થતો.
બ્રજભૂમિમાં પૂજાનું વિશેષ મહત્વ
બ્રજભૂમિમાં કાત્યાયની દેવીની પૂજા વિશેષ રીતે થાય છે. વ્રજની કન્યાઓ શ્રીકૃષ્ણના પ્રેમ માટે તેની પૂજા કરતી હતી. શ્રીકૃષ્ણએ પણ દેવી કાત્યાયની પૂજા કરી હતી. બિહાર, ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં તેમને છઠ મૈયાના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે નવરાત્રી દરમિયાન દેવી કાત્યાયનીની પૂજા કરવાથી, માતા દેવી તેમના ભક્તોને હિંમત અને શક્તિ આપે છે. એવું પણ માનવામાં આવે છે કે જો કુંવારા છોકરાઓ અને છોકરીઓ સંપૂર્ણ વિધિ સાથે મા કાત્યાયનીની પૂજા કરે છે, તો તેમને યોગ્ય જીવનસાથી મળે છે.
આ પણ વાંચો : ત્રીજા નોરતે કરો દેવી ચંદ્રઘંટાની આરાધના; તમામ મનોરથ થશે સિદ્ધ…
શ્રીકૃષ્ણએ પણ કરી હતી આરાધના
દેવી કાત્યાયનીને મધ સાથે પાન ખૂબ પ્રિય છે અને તેમને પ્રસાદ તરીકે ફળો, મીઠાઈઓ અને મધ સાથે પાનનો પ્રસાદ અર્પણ કરવો જોઈએ. ગીતામાં એ પણ ઉલ્લેખ છે કે રાધારાણી અને ગોપીઓએ ભગવાન કૃષ્ણને પતિ તરીકે મેળવવા માટે કાત્યાયની પીઠમાં પૂજા કરી હતી. માતાએ તેને વરદાન આપ્યું, પરંતુ, ભગવાન કૃષ્ણ એક હતા અને ગોપીઓ ઘણી હતી, આથી તે શક્ય ન હતું. દેવીના આ વરદાનને પૂર્ણ કરવા માટે ભગવાન કૃષ્ણએ બધી ગોપીઓ માટે મહારાસ કર્યો હતો.
પૂજા વિધિ
આજે દેવી કાત્યાયનીની પૂજાનો દિવસ છે. તે માટે ભક્તો સૂર્યોદય પહેલા સ્નાન કરીને, પીળા કે લાલ રંગના કપડાં પહેરીને કળશની પૂજા કરીને દેવીની પૂજા કરે છે. માતા કાત્યાયનીને વસ્ત્રો અર્પણ કર્યા બાદ ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે. માતાને રોલી તિલક, અક્ષત, ધૂપ અને પીળા ફૂલો અર્પણ કરવામાં આવે છે. ત્યારબાદ, પાન પર મધ અને બતાશામાં લવિંગ મૂકીને માતા દેવીને અર્પણ કરવામાં આવે છે. અંતમાં કપૂર પ્રગટાવીને મા કાત્યાયનીની આરતી કરવામાં આવે છે.