ત્રીજુ નોરતુ: શાંત અને શક્તિનું પ્રતિક મા ચંદ્રઘંટાને આ ભોગ ધરાવી કરો પ્રસન્ન

શારદીય નવરાત્રિનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. નવરાત્રિમાં નવ દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા આરાધના કરવામાં આવે છે. આજે નવરાત્રિનો ત્રીજો દિવસ છે, 24 સપ્ટેમ્બરનો દિવસ માના ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.
મા ચંદ્રઘંટાનું શાંત અને ઉગ્ર સ્વરૂપ ભક્તોને ભયમુક્ત કરીને શાંતિ અને સમૃદ્ધિનું વરદાન આપે છે. આ દિવસે ખાસ પૂજા અને ભોગ દ્વારા માતાને પ્રસન્ન કરવાથી જીવનમાં સકારાત્મક બદલાવ આવે છે.
મા ચંદ્રઘંટાની ભોગ
નવરાત્રિના ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાને દૂધથી બનેલી મીઠાઈઓ અને ખીરનો ભોગ અર્પણ કરવો શુભ માનવામાં આવે છે. ખીરમાં કેસર અને સૂકા મેવા ઉમેરવા જે માતાને ખૂબ પ્રિય છે. આ ઉપરાંત, પેંડા, બરફી કે કલાકંદ જેવી દૂધની મીઠાઈઓ પણ ચઢાવી શકાય છે. આ ભોગને પૂજા બાદ નાની કન્યાઓ અને બ્રાહ્મણોમાં વહેંચવાથી પુણ્ય મળે છે.
મા ચંદ્રઘંટાનું દિવ્ય સ્વરૂપ
મા ચંદ્રઘંટાના મસ્તક પર ઘંટડીના આકારનો અર્ધચંદ્ર શોભે છે, જેના નામ પરથી તેમનું નામ પડ્યું છે. તેઓ સિંહ પર સવાર હોય છે અને તેમના દસ હાથોમાં વિવિધ શસ્ત્રો શોભે છે, જે દુષ્ટ શક્તિઓનો નાશ અને ભક્તોની રક્ષા કરે છે. આ દિવ્ય અને શક્તિશાળી સ્વરૂપ ભક્તોમાં શાંતિ અને શક્તિનો સંચાર કરે છે.
પૂજા વિધિ
મા ચંદ્રઘંટાની પૂજા માટે સૌપ્રથમ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી, ઘટ સ્થાપના પાસે માતાની મૂર્તિ કે ચિત્રની સ્થાપના કરો. માતાને કુમકુમ, અક્ષત, ફૂલ અને હાર અર્પણ કરો. ત્યારબાદ ખીર અથવા દૂધની મીઠાઈનો ભોગ ચઢાવો અને “ૐ દેવી ચંદ્રઘંટાયૈ નમઃ” મંત્રનો જાપ કરો. અંતે માતાની આરતી કરીને તમારી મનોકામનાઓ પૂર્ણ થવાની પ્રાર્થના કરો.
પૂજાનું આધ્યાત્મિક મહત્વ
મા ચંદ્રઘંટા શક્તિ અને સાહસનું પ્રતીક છે. તેમની આરાધનાથી ભક્તોના જીવનમાં નકારાત્મક શક્તિઓથી લડવાની હિંમત મળે છે અને આત્મવિશ્વાસ વધે છે. શુદ્ધ મનથી કરેલી આ પૂજા જીવનની તમામ અડચણો દૂર કરે છે, અને દરેક કાર્યમાં સફળતા મળવાનો આશીર્વાદ મળશે.
નોંધ: આ માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે અને તેની પુષ્ટિ મુંબઈ સમાચાર નથી કરતુ.
આ પણ વાંચો…નવરાત્રીમાં ઉપવાસ કરવાનું આરોગ્ય માટે છે ફાયદાકારક, કઈ રીતે?