નેપાળ ભારતમાં સામેલ થવા માગતું હતું, પણ નહેરુએ ના પાડીઃ શું આ વાત સાચી છે?

આપણા પાડોશી દેશ નેપાળમાં હાલ ભારેલા અગ્નિ જેવો માહોલ છે. સરકાર સામે વિવિધ બાબતોથી નારાજ લોકો અને ખાસ કરીને યુવાનોએ આખો દેશ બાનમાં લીધો છે અને રાજકીય માહોલ ડહોળાઈ ગયો છે. ખૂબ શાંત, સુંદર આ હિન્દુ રાષ્ટ્રની સ્થિતિ દિવસે દિવસે વણસી રહી છે, જે ભારત સહિત વિશ્વના દેશો માટે ચિંતાનો વિષય છે. આવા સમયે ઘણા લોકો ઈતિહાસના પાના ફેરવી રહ્યા છે અને જે તે સમયે શું થયું હતું તે વિશે દાવાઓ થઈ રહ્યા છે. જેમાંથી એક દાવો એવો છે કે નેપાળ એક સમયે ભારતમાં ભળી જવા માગતું હતું, પરંતુ તે સમયના વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ ના પાડી હતી. આ દાવો બીજા કોઈએ નહીં, પણ ખુદ કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગીય પ્રણવ મુખરજીએ તેમના પુસ્તકમાં કર્યો છે.
પ્રણવ મુખરજીએ તેમના પુસ્તક ધ પ્રેસિડેન્ટ ઈયર્સમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. તેમના કહેવા અનુસાર નેપાળના તત્કાલીન રાજા ત્રિભુવન બીર બ્રિક્રમ શાહ નેપાળને ભારતમાં મર્જ કરવા માગતા હતા. ચીનની વધતી આક્રમકતાથી રાાજ પરેશાન હતા અને ઉકેલ તરીકે તેમણે ભારતમાં ભળી જવાનો પ્રસ્તાવ નહેરુ સમક્ષ મૂક્યો હતો. નેહરુએ એમ કહી ઈનકાર કર્યો હતો કે તેઓ ઈચ્છે છે કે નેપાળ એક સ્વતંત્ર રાષ્ટ્ર છે અને તે સ્વતંત્ર જ રહે તે જરૂરી છે.

જો ઈન્દિરા ગાંધી હોત તો…
પ્રણવ મુખરજી કૉંગ્રેસના ખૂબ જ ખાસ માનવામાં આવતા નેતા છે અને ઘણો લાંબો સમય તેઓ રાજકારણમાં સક્રિય રહ્યા આથી તેમણે આ મામલે પોતાનો મત પણ વ્યક્ત કર્યો છે. જો ઈન્દિરા ગાંધી પિતા નહેરુની જગ્યાએ હોત અને આવો કોઈ પ્રસ્તાવ આવ્યો હોત, તો તેમણે ચોક્કસ સિક્કિમની જેમ આ અવસરનો લાભ લીધો હોત, તેમ પણ તેમણે આ પુસ્તકના 11માં અધ્યાયમાં લખ્યું છે.
જોકે મુખરજીનું આ પુસ્તક પહેલેથી વિવાદોમાં છે. ઘણા ઈતિહાસકારોએ આ વાતને નકારી છે અને આવા દાવા માત્ર નહેરુની છબિને ખરડવાનો પ્રયત્ન કહ્યો છે.
આ પણ વાંચો…ભારતે નેપાળ ટ્રેન સેવા અનિશ્ચિતકાળ માટે બંધ કરવામાં આવી, મુસાફરો પરેશાન