મોંઘવારી@2023_ આ વસ્તુના ભાવ સાતમા આસમાને ગયા..
ભારતીયોના ભાણામાં પીરસાતી વાનગીઓ જે ચીજવસ્તુઓમાંથી બને છે, તેની કિંમતોમાં થોડાઅંશે પણ થયેલો બદલાવ સામાન્ય માણસના ખિસ્સા ખાલી કરી શકે છે. વર્ષ 2023માં અનાજ, શાકભાજી સહિત અનેક વસ્તુઓના ભાવ સાતમા આસમાને પહોંચી ગયા હતા. ટમેટા, ડુંગળી, આદુ, ગાજર, મરચા, વિવિધ દાળ, ફળોની કિંમતોએ તમામ રેકોર્ડ તોડી સામાન્ય વર્ગના માણસને રાતા પાણીએ રડાવ્યા હતા.
જે ટમેટાના ભાવ સામાન્ય દિવસોમાં માંડ 20-30 રૂપિયા પ્રતિ કિલો રહેતા હતા, તે ટમેટાની 20 રૂપિયાની કિંમતમાં વધુ એક શૂન્ય-0 ઉમેરાયો અને 20માંથી સીધી 200 રૂપિયાની છલાંગ લગાવી દીધી. આ વર્ષે ભાવની દ્રષ્ટિએ ટમેટાની કિંમતોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ઓગસ્ટના છેલ્લા મહિનામાં તેનું વેચાણ 250-260 રૂપિયા પ્રતિ કિલોના ભાવે થવા લાગ્યું હતું. અમુક મીડિયા અહેવાલો મુજબ ઘણા શહેરોમાં તેનો ભાવ રૂ. 300 પ્રતિ કિલોને પાર કરી ગયો.
આખરે કેમ ટમેટા જેવી વસ્તુની કિંમતો આટલી કાબૂ બહાર થઈ ગઈ તે અંગે લોકોએ વિવિધ મંતવ્યો જણાવ્યા હતા. તે સમયે હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે શાકભાજીના પરિવહનમાં ઘણી મુશ્કેલી પડી હતી. પર્વતીય રાજ્યમાં અવિરત વરસાદ પડ્યો હતો, જેના કારણે પાકને નુકસાન થયું હતું. તો બીજી તરફ નાસિક સહિતના સ્થળોએ ખેડૂતોને ટમેટાના ભાવ ઓછા મળતા તેમણે પોતે પાક નષ્ટ કરી દીધો હોવાના પણ અહેવાલો વહેતા થયા હતા.
આ સિવાય તમામ કઠોળના ભાવમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. સરકારી માહિતી અનુસાર, આ વર્ષે દિલ્હીમાં અડદ દાળની કિંમત 118 રૂપિયા પ્રતિ કિલો હતી. એટલું જ નહીં 12 જુલાઈએ દિલ્હીમાં અડદ દાળની કિંમત 100 રૂપિયા પ્રતિ કિલો હતી. અડદ દાળના ભાવ હજુ પણ આસમાને છે. આજે પણ છૂટક કિંમત 170 થી 300 રૂપિયા પ્રતિ કિલોની રેન્જમાં છે. અન્ય કઠોળના ભાવ પણ ખૂબ ઊંચા છે.
વર્ષ 2023માં આદુએ પણ મોટો આંચકો આપ્યો હતો. આ વર્ષે જુલાઇની આસપાસ છૂટક આદુની કિંમત 400 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ પહોંચી ગઈ. તો બીજી તરફ લસણની ઓનલાઈન કિંમત પણ 320 રૂપિયાથી લઈને 500 રૂપિયા પ્રતિ કિલો સુધીની થઇ ગઇ હતી. આ વર્ષે જુલાઈમાં આદુનો ભાવ 300થી 400 રૂપિયાની શ્રેણીમાં પહોંચી ગયો હતો. ભાવ વધારા બાદ કર્ણાટકમાં ખેતરોમાંથી આદુની ચોરીની ઘટનાઓ પણ સામે આવી હતી.
આ વર્ષે જુલાઈમાં ફુગાવાના દરમાં પણ તીવ્ર વધારો જોવા મળ્યો હતો અને જુલાઈ 2023માં શાકભાજીના ભાવમાં વાર્ષિક ધોરણે 37.34 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ સિવાય અન્ય ખાણીપીણીની ચીજવસ્તુઓના ભાવવધારાનો દર જૂન 2023માં 4.63 ટકાથી વધીને જુલાઈ 2023માં 10.57 ટકા થઈ ગયો હતો. જૂન 2023માં અનાજનો ફુગાવાનો દર 12.71 ટકાથી વધીને 13.04 ટકા થયો હતો.