ક્યારે છે ઈન્દિરા એકાદશી? જાણો વ્રત, પૂજા અને મુહૂર્ત વિષે વિગતવાર…

ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષ એકાદશી તિથિએ ઇન્દિરા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે, જે ભગવાન વિષ્ણુની પૂજા અને પિતૃઓના શ્રાદ્ધ માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. આ વ્રતથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને વ્રત કરનારને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે.
આ વર્ષે ઇન્દિરા એકાદશી 17 સપ્ટેમ્બરે ઉજવાશે, આ દિવસે બે શુભ યોગ અને ખાસ નક્ષત્રોનો સંયોગ મળવાનો હોવાથી આ દિવસ ખુબ શુભ માનવમાં આવી રહ્યો છે. આ દિવસે શ્રદ્ધાળુઓ પૂજા, તર્પણ અને પિંડદાન કરે છે.
ઇન્દિરા એકાદશીની તારીખ અને મુહૂર્ત
હિન્દુ પંચાગ મુજબ, આ વર્ષે ઇન્દિરા એકાદશીની તિથિ 17 સપ્ટેમ્બરે મધ્યરાત્રિ 12:21 વાગ્યાથી શરૂ થશે અને તે જ દિવસે રાત્રે 11:39 વાગ્યે સમાપ્ત થશે. ઉદયાતિથિ પ્રમાણે, આ વ્રત 17 સપ્ટેમ્બર, બુધવારે રાખવામાં આવશે. આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 4:33થી 5:20ને પૂજા માટે શુભ માનવામાં આવે છે.
જ્યારે લાભ-ઉન્નતિ મુહૂર્ત સવારે 6:07થી 7:39, અમૃત-સર્વોત્તમ મુહૂર્ત 7:39થી 9:11 અને શુભ-ઉત્તમ મુહૂર્ત 10:43થી બપોરે 12:15 સુધી રહેશે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ દિવસે રાહુકાળ શરૂ થાય તે પહેલા પૂજા પૂર્ણ કરવી જોઈએ.

શુભ યોગ અને નક્ષત્ર
આ વર્ષે ઇન્દિરા એકાદશીના દિવસે પરિઘ યોગ અને શિવ યોગના બે શુભ યોગ બની રહ્યા છે. પરિઘ યોગ સવારથી રાત્રે 10:55 સુધી રહેશે, જે બાદ શિવ યોગ શરૂ થશે.
આ ઉપરાંત, પુનર્વસુ નક્ષત્ર સવારે 6:26 સુધી અને ત્યારબાદ પુષ્ય નક્ષત્ર રહેશે. આ શુભ સંયોગો વ્રત અને પૂજાને વધુ ફળદાયી બનાવે છે. શ્રદ્ધાળુઓ આ દિવસે સ્નાન, દાન અને પિતૃઓ માટે તર્પણ જેવી વિધિઓ કરે છે.
વ્રતના પારણા અને નિયમો
ઇન્દિરા એકાદશીનું વ્રત રાખનારાઓએ 18 સપ્ટેમ્બરે સવારે 6:07થી 8:34 વચ્ચે પારણ કરવું જોઈએ. આ દિવસે દ્વાદશી તિથિનો સમાપન રાત્રે 11:24 વાગ્યે થશે. વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા, શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે.
આ વ્રતની વિધિ નારદજીએ રાજા ઇન્દ્રસેનને જણાવી હતી, જેનાથી તેમના પિતૃઓને મોક્ષ મળ્યો હતો. આ વ્રતનું પાલન નિયમ પ્રમાણે કરવું જોઈએ.
ઇન્દિરા એકાદશીના લાભ
એવુ માનવામાં આવે છે કે, ઇન્દિરા એકાદશીનું વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને વ્યક્તિના પાપોનો નાશ થાય છે. આ વ્રતથી પિતૃઓને યમલોકની યાતનાઓમાંથી મુક્તિ મળે છે અને તેમને વિષ્ણુલોકમાં સ્થાન પ્રાપ્ત થાય છે.
વ્રત કરનાર વ્યક્તિને મૃત્યુ બાદ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત, આ વ્રત પિતૃઓને અધોગતિથી બચાવી મોક્ષનો માર્ગ ખોલે છે, જે આ વ્રતનું મુખ્ય મહત્વ છે.
આ પણ વાંચો…પિતૃઓની પુણ્યતિથિ યાદ નથી, ચિંતા નહીં આ રીતે શ્રાદ્ધ કરી મેળવો આશીર્વાદ!