શું ભારતીય નોટો પરથી હટશે ગાંધીજીની તસવીર? RBIના નિયમો શું કહે છે આ મુદ્દા પર…

ભારતીય ચલણી નોટો પરથી મહાત્મા ગાંધીની તસવીર હટાવવાને લઈને છેલ્લા કેટલાક સમયથી રાજકીય વર્તુળોમાં ચર્ચા અને અફવાઓનું બજાર એકદમ ગરમ છે. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI)ના રાજ્યસભા સાંસદ જોન બ્રિટાસના તાજેતરના દાવાએ આ વિવાદને ફરીથી જીવંત કર્યો છે. ત્યારે ચાલો જાણીએ કે ભારતીય ચલણી નોટ પરથી પૂજ્ય મહાત્મા ગાંધીજીના ફોટોને હટાવવાનું કેટલું કપરું છે અને શું છે એની પ્રોસેસ…
તાજેતરમાં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના રાજ્ય સભાના સાંસદ જોન બ્રિટાસે દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકાર ભારતીય નોટો પરથી મહાત્મા ગાંધીની તસવીર હટાવીને દેશની વિરાસત સાથે જોડાયેલા અન્ય પ્રતિકનો સમાવેશ કરવાની દિશામાં કામ કરી રહી છે. જોકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા વારંવાર આવા કોઈ પણ પ્રસ્તાવ પર અમલબજાવણી કરવા અંગે વિચારણા થઈ રહી છે એ બાબતનો ઇનકાર કર્યો છે, પરંતુ રાજકીય સ્તરે આ અંગેની ચર્ચાઓ અટકવાનું નામ નથી લઈ રહી.

નોટો પર અન્ય મહાપુરુષોની તસવીરોની જૂની માંગ
ભારતીય નોટો પર ગાંધીજી સિવાય અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓની તસવીરો છાપવાની માંગ બિલકુલ નવી નથી. ભૂતકાળમાં અનેક વખત પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો ફોટો હટાવીને અલગ અલગ મહાપુરુષોના ફોટો છાપવાની માગણી કરવામાં આવી છે.
લક્ષ્મી-ગણેશ:
થોડાક વર્ષો પહેલાં આપના નેતા અરવિંદ કેજરીવાલ દ્વારા આર્થિક સમૃદ્ધિના પ્રતિક સમાન દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની તસવીર ભારતીય ચલણી નોટ પર છાપવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી.
નેતાજી સુભાષ ચંદ્ર બોઝ:
અખિલ ભારતીય હિંદુ મહાસભાએ નેતાજી નેતાજી સુભાષ ચંદ્ર બોઝના યોગદાનને સન્માન આપવા માટે તેમની તસવીર મૂકવાની માંગ કરી છે.
અન્ય મહાપુરુષો:
ડો. આંબેડકર, એપીજે અબ્દુલ કલામ અને સરદાર પટેલ જેવી હસ્તીઓના નામ પણ ભારતીય ચલણી નોટ પર છાપવાની માગણી સમયાંતરે વિવિધ વ્યક્તિઓ અને રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી છે.
ચલણી નોટ પરથી ગાંધીજીનો ફોટો હટાવવો મુશ્કેલ છે?
આરબીઆઈ અને ભારત સરકારની એક વિશેષ સમિતિએ અગાઉ આ મુદ્દે ઊંડો વિચાર કર્યો હતો. વર્ષ 2014માં તત્કાલીન નાણાં પ્રધાન અરૂણ જેટલીએ સંસદમાં જણાવ્યું હતું કે આરબીઆઈની સમિતિના મતે મહાત્મા ગાંધી ભારતની નૈતિકતા અને મૂલ્યોનું શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કરે છે.

પૂજ્ય ગાંધીજીની પોપ્યુલારિટી દેશના દરેક વર્ગના લોકોમાં જોવા મળે છે. જો મહાત્મા ગાંધીજીનો ફોટો હટાવીને બીજા કોઈનો ફોટો છાપવામાં આવશે તો વિવાદ થવાની શક્યતા છે. આ કારણસર જ ચલણી નોટ પરથી ગાંધીજીનો ફોટો હટાવવાનું અઘરું છે.
ભારતીય ચલણી નોટોનો રસપ્રદ ઈતિહાસ

વાત કરીએ ભારતીય ચલણી નોટના ઈતિહાસ વિશે તો ભારતીય ચલણી નોટનો વિકાસ અને નોટ પર પૂજ્ય મહાત્મા ગાંધીજીના ફોટો છપાવવા સુધીની સફર ખૂબ જ રસપ્રદ છે. ચાલો એક નજર કરીએ…
- 1949માં આઝાદી પછી પ્રથમવાર 1 રૂપિયાની નોટની ડિઝાઇન તૈયાર થઈ ત્યારે બ્રિટનના રાજાની જગ્યાએ અશોક સ્તંભને સ્થાન આપવામાં આવ્યું.
- 1950માં 2, 5, 10 અને 100 રૂપિયાની નોટો છાપવામાં આવી અને એના પર પણ અશોક સ્તંભને સ્થાન આપવામાં આવ્યું હતું.
- 1969ની સાલમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના 100મી જન્મજયંતિ નિમિત્તે પહેલી વખત ચલણી નોટ પર તેમની તસવીર છાપવામાં આવી. આ ફોટોમાં ગાંધીજી બેઠેલા હતા અને પાછળ સેવાગ્રામ આશ્રમ હતો.
- 1980ના દાયકાની નવી સિરીઝ વિશે વાત કરીએ તો આ સમયે વિવિધ નોટો પર વિજ્ઞાન અને સંસ્કૃતિના પ્રતિક છાપવામાં આવ્યા હતા. ઉદાહરણ તરીકે 2 રૂપિયા પર આર્યભટ્ટ ઉપગ્રહ, 5 રૂપિયાની નોટ પર ખેતર ખેડતો ખેડૂત, 10 રૂપિયાની નોટ પર કોણાર્ક મંદિરનું ચક્ર અને મોર વગેરે પ્રતિક જોવા મળ્યા હતા.
- 1987માં પ્રથમવાર રૂપિયાની 500ની નોટ પર રાષ્ટ્રપિતા ગાંધીજીની તસવીરનો વોટરમાર્ક તરીકે ઉપયોગ થયો.
- 1996માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા ચલણી નોટની નવી સીરિઝ શરૂ કરવામાં આવી જેમાં તમામ નોટો પર ગાંધીજીની તસવીર ફરજિયાત કરવામાં આવી અને સુરક્ષાના આધુનિક ફિચર્સ ઉમેરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો…ભારતીય ચલણી નોટો પર મહાત્મા ગાંધીની તસવીર જ કેમ ? આરબીઆઇએ કર્યો આ ખુલાસો…



