મહાશિવરાત્રી પર સવારથી રાત સુધી કેવી રીતે કરશો શિવ પૂજા? જાણી લો સમય અને શુભ મુહૂર્ત

હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે, જે આ વર્ષે પણ શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવશે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ પવિત્ર દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા, જ્યારે અન્ય કથાઓ મુજબ આ દિવસે મહાદેવ પ્રથમ વખત લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા.
આથી જ આ દિવસે શિવલિંગની પૂજાનું અનંત ગણું ફળ મળે છે. ભક્તો આ દિવસે સવારથી જ શિવાલયોમાં ઉમટી પડે છે. જો તમે પણ આ શિવરાત્રી પર ભોલેનાથને પ્રસન્ન કરવા માંગતા હોવ, તો શાસ્ત્રોક્ત વિધિ મુજબ સવારથી રાત સુધીનું પૂજન કરવું લાભદાયી રહે છે.
આપણ વાચો: મહાશિવરાત્રી મેળા માટે રેલવેની ભેટ: રાજકોટ, ભાવનગર અને અમદાવાદથી દોડશે 4 જોડી સ્પેશિયલ ટ્રેનો!
સવાર અને બપોરની પૂજાનું વિધાન
મહાશિવરાત્રીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠી, સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો (શક્ય હોય તો સફેદ) ધારણ કરવા જોઈએ. સૌ પ્રથમ ઘરના મંદિરની સફાઈ કરી ઘીનો દીવો પ્રગટાવો અને વ્રતનો સંકલ્પ લો. શિવલિંગ પર જલ, દૂધ, દહીં, મધ અને ઘીથી અભિષેક કરી બિલીપત્ર, ધતૂરો અને આંકડાના ફૂલ અર્પણ કરવા જોઈએ.
પૂજા દરમિયાન ‘ૐ નમઃ શિવાય’ મંત્રનો જાપ અને શિવ ચાલીસાનો પાઠ અવશ્ય કરવો. બપોરના સમયે મનને શાંત રાખી સાત્વિક વિચાર કરવા અને જરૂરિયાતમંદ લોકોને દાન-પુણ્ય કરવું. આ દિવસે ક્રોધ અને જૂઠ બોલવાથી બચવું જોઈએ જેથી વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય.
આપણ વાચો: મહાશિવરાત્રી સ્પેશિયલ: શું તમે જાણો છો શિવજીને પ્રિય એવી ભાંગના ફાયદા અને નુકસાન?
સાંજની પૂજાનું મહત્વ
મહાશિવરાત્રીમાં રાત્રિ પૂજાનું વિશેષ મહત્વ છે, જેને ‘ચાર પ્રહરની પૂજા’ કહેવામાં આવે છે. સાંજે ફરી એકવાર સ્નાન કરી શિવલિંગની પૂજા કરવી અને ભગવાનને મોસમી ફળોનો ભોગ ધરાવવો. આખી રાત જાગરણ કરી શિવ ભજનો અને કીર્તન કરવાથી મન શિવમય બની જાય છે.
જે ભક્તો ચાર પ્રહરની પૂજા કરવા માંગતા હોય તેમણે રાત્રિના ચારેય ભાગમાં અલગ-અલગ અભિષેક અને અર્ચના કરવી જોઈએ. રાત્રિના સમયે મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે.
રુદ્રાભિષેક માટેનો સૌથી શુભ સમય
શિવરાત્રી પર રુદ્રાભિષેક કરવાનું વિશેષ ફળ છે. જોકે આખા દિવસ દરમિયાન ગમે ત્યારે અભિષેક કરી શકાય છે, પરંતુ શાસ્ત્રો અનુસાર મધ્યરાત્રિનો સમય શ્રેષ્ઠ મનાય છે. આ વર્ષે રુદ્રાભિષેક માટેનો સૌથી શુભ મુહૂર્ત રાત્રે 12:09 થી 1:01 વાગ્યા સુધીનો છે.
બીજા દિવસે સવારે 6 વાગ્યે સ્નાન-પૂજા કર્યા બાદ વ્રતના પારણા કરી શકાય છે. શિવ પરિવાર એટલે કે માતા પાર્વતી, ગણેશજી, કાર્તિકેય અને નંદીની પૂજા પણ આ દિવસે અચૂક કરવી જોઈએ, કારણ કે તેનાથી પારિવારિક સુખ-શાંતિમાં વધારો થાય છે.
ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોકવાયકાઓ પર આધારિત છે. વિશેષ પૂજા વિધિ માટે નિષ્ણાંત બ્રાહ્મણની સલાહ લેવી અનિવાર્ય છે.



