11 વર્ષથી મહારાષ્ટ્રના આ ગામમાં દિવાળીમાં નથી ફૂટ્યો એક પણ ફટાકડો, કારણ જાણીને તમે પણ…

હમણાં જ્યાં જુઓ ત્યાં બસ દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે. રંગબેરંગી લાઈટિંગ, દીવા, રંગોળી અને ફટાકડાં વિના તો દિવાળીનો તહેવાર જાણે અધૂરો ગણાય. પરંતુ શું તમને ખબર છે કે મહારાષ્ટ્રનું એક ગામ એવું પણ છે કે જ્યાં દિવાળી તો ઉજવવામાં આવે છે પણ ફટાકડાના શોર બકોર વિના… મહારાષ્ટ્રના આ ગામમાં છેલ્લા 11 વર્ષથી દિવાળી આ જ રીતે ઉજવવામાં આવે છે અને આ પાછળનું કથા ખૂબ જ રંજક છે.
દિવાળીમાં ફટાકડાનો અવાજ સહન ન થતાં ગામના ખેતરમાં એક શ્વાનનું મૃત્યુ થયું અને ત્યાર બાદથી ગામવાસીઓએ દિવાળી દરમિયાન ફટાકડાં નહીં ફોડવાનો નિર્ણય લીધી અને ત્યારથી આ પરંપરા હજુ પણ ચાલી આવી છે. ચાલો જોઈએ કયું છે આ ગામ અને ખરેખર આપણે પણ તેમની પાસેથી પ્રેરણા લેવાની જરૂર છે…

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના પંઢરપુર તાલુકામાં આવેલું ચિંચણી ગામના લોકો દિવાળી દરમિયાન ફટાકડાં નથી ફોડતા. 65 પરિવાર અને 400 લોકોની વસ્તીવાળા આ ગામમાં એક પણ પરિવાર દિવાળી દરમિયાન ફટાકડાં નથી ફોડતો અને 11 વર્ષથી આ પરંપરા ચાલી આવી છે. ગામવાસીઓ દિવાળી તો ઉજવે છે પણ ફટાકડાંમુક્ત દિવાળી ઉજવવાનું પસંદ કરે છે.
આજથી 11 વર્ષ પહેલાં દિવાળી દરમિયાન ફોડવામાં આવેતા ફટાકડાનો અવાજ સહન ન કરી શકતા એક શ્વાન ગામના ખેતરમાં મૃત્યુ પામ્યો. આ ઘટનાને કારણે ગામવાસીઓ ચિંતામાં પડી ગયા. ગામવાસીઓએ તરત જ એક બેઠક બોલાવી અને આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે દિવાળી કે કોઈ પણ તહેવારની ઉજવણી દરમિયાન ગામવાસીઓ ફટાકડાં નહીં ફોડે.
એક દાયકા કરતાં પણ પહેલાં લેવામાં આવેલા આ નિર્ણયનું પાલન આજની પેઢી પણ કરે છે. ફટાકડાના અવાજને કારણે પાળેલા તેમ જ રખડતાં પ્રાણીઓને તેમ જ પંખીઓને પારાવાર ત્રાસ સહન કરવાનો વારો આવે છે. આ ગામ પ્રદૂષણમુકત દિવાળી, ખેતી તેમ જ પારંપરિક જીવનશૈલી માટે ખૂબ જ જાણીતું છે.
ગામમાં ભલે દિવાળી દરમિયાન ફટાકડાં ન ફોડવામાં આવતા હોય પણ તેમ છતાં દિવાળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ધામધુમથી ઉજવવામાં આવે છે. દિવાળીમાં મોટી મોટી રંગોળી, કંદીલ, જમણવાર, વિવિધ નાસ્તા વગેરે બનાવવામાં આવે છે. આ સિવાય ગામવાસીઓ દ્વારા દિવાળીના ગાય, શ્વાન સહિત અન્ય પ્રાણીઓને ત્રાસ ન થાય એનું વિશેષ ધ્યાન રાખે છે.