શું તમને ખબર છે ધૂમ્રપાનનું વ્યસન ન હોવા છતા પણ તમારા પર લટકે છે ફેફસાના કેન્સરની તલવાર…

સામાન્ય રીતે સિનેમાઘરોમાં એક જાહેરાત બતાવવામાં આવે છે. કે ધૂમ્રપાન હાનિકારક છે. તેમ છતા લોકો ધૂમ્રપાન કરે છે અને ફેફસાના કેન્સરને નોતરે છે. મોટાભાગના કેસમાં એવું બનતું હોય કે, વ્યક્તિના વ્યસનને કારણે આ ભયાનક બિમારી વળગે છે. પરંતુ સમય સાથે બિમારી થવાના કારણો પણ બદલાઈ ગયા છે.
પાછલા થોડાક વર્ષોમાં નોંધવામાં આવ્યું છે કે વ્યસન ન હોવા છતા પણ ફેફસાના કેન્સરથી પીડાતા દર્દીની સંખ્યામાં પણ વધારો થયો હોય. ખાસ કરીને મહિલાઓમાં આ સમસ્યા વધતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, ધૂમ્રપાન હજુ પણ પ્રાથમિક જોખમનું કારણ છે, પરંતુ તે ઉપરાંત અન્ય કારણોથી પણ ફેફસાનું કેન્સર થવાનું જોખમ વધ્યું છે.

આજના સમયમાં ફેફસાનું કેન્સર ફક્ત ધૂમ્રપાન કરનારાઓને જ નથી થતુ. પરંતુ વિવિધ કારણોથી જે લોકોને વ્યસન નથી તે લોકોમાં પણ ફેફસાના કેન્સનું જોખમ ઉભું થયું છે. જેમ કે, વાયુ પ્રદૂષણ, રસોઈમાંથી નીકળતો ધુમાડો, સેકન્ડ-હેન્ડ સ્મોક, આનુવંશિક કારણો, હેવી મેટલ્સના સંપર્કમાં આવવું અને સમયસર નિદાન ન થવું એ ફેફસાના કેન્સરના મુખ્ય કારણો બની રહ્યા છે. આ કારણો ખાસ કરીને એવા લોકોને અસર કરી રહ્યા છે, જેમણે ક્યારેય તમાકુનો ઉપયોગ નથી કર્યો. આ નવા જોખમો શહેરી વિસ્તારોમાં રહેતી મહિલાઓમાં કેન્સરનું પ્રમાણ વધારી રહ્યા છે.
ભારત એવા દેશોમાં સામેલ છે, જ્યાં હવાની ગુણવત્તા ખૂબ ખરાબ છે. દિલ્હી, કોલકાતા, લખનૌ જેવા શહેરોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ખૂબ નીચું છે. વાહનોનો ધુમાડો અને ઔદ્યોગિક પ્રદૂષણ હવાને ઝેરી બનાવે છે, જે ફેફસાંને નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત, શહેરી ઘરોમાં રસોડામાં યોગ્ય વેન્ટિલેશનનો અભાવ હોય છે. ગેસ પર રસોઈ બનાવવાથી અને ઊંચા તાપમાને તેલ ગરમ કરવાથી નીકળતો ધુમાડો ફેફસાના કેન્સરનું જોખમ વધારે છે, ખાસ કરીને મહિલાઓમાં, જે રસોડામાં વધુ સમય વિતાવે છે.
પરિવારના પુરુષ સભ્યો દ્વારા ધૂમ્રપાન કરવામાં આવે ત્યારે તેનો ધુમાડો ઘરના બાળકો અને મહિલાઓ અજાણતા શ્વાસમાં લે છે. આ સેકન્ડ-હેન્ડ સ્મોક ફેફસામાં ટાર જમા કરે છે, જે કેન્સરનું જોખમ બમણું કરે છે. આ ઉપરાંત, કેટલીક મહિલાઓ અને યુવાનોમાં આનુવંશિક કારણોસર કોષોમાં પરિવર્તન (મ્યુટેશન) થાય છે, જે બિન-ધૂમ્રપાનીઓમાં પણ કેન્સરનું કારણ બને છે. વધુમાં, એસ્બેસ્ટોસ, રેડોન અને ડીઝલ જેવા હેવી મેટલ્સના સંપર્કમાં આવવાથી પણ ફેફસાના કેન્સરનું જોખમ વધે છે, ખાસ કરીને ખરાબ વેન્ટિલેશનવાળા વિસ્તારોમાં.

ઘણા બિન-ધૂમ્રપાનીઓમાં ફેફસાના કેન્સરનું નિદાન મોડું થાય છે, કારણ કે સતત ખાંસી, શ્વાસ ચઢવો કે થાક જેવા લક્ષણોને અસ્થમા, ટીબી કે એલર્જી માનીને સારવાર આપવામાં આવે છે. આ વિલંબના કારણે કેન્સર ત્રીજા તબક્કે પહોંચી જાય છે, જેનાથી ઇલાજ મુશ્કેલ બને છે. જો સમયસર કેન્સરનું નિદાન થાય, તો ઇલાજની સંભાવના વધી જાય છે. લક્ષણો જેવા કે સતત ખાંસી, ખાંસી સાથે લોહી, શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં ફેરફાર, ભૂખ ઓછી થવી, વજન ઘટવું, થાક, ગળામાં તકલીફ કે ચહેરા-ગરદનમાં સોજો દેખાય તો તાત્કાલિક કેન્સરની તપાસ કરાવવી જોઈએ.
આ પણ વાંચો…નાની અમથી તકલીફમાં ફટ કરતા એન્ટિબાયોટિક્સ લઈ લેતા હોવ તો પહેલા આ વાંચી લો