ઘણીવાર એમ થાય કે માણસો કરતા પ્રણીઓ વધારે સમજદાર અને વફાદાર હોય છે. તમે કોઇ પ્રાણીને એકવાર પણ પ્રેમથી સાચવો એટલે એ કોઇપણ સંજોગોમાં તમારો સાથ નિભાવે છે આવી જ એક ઘટના આપણે ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના માંડકા ગામમાં રહેતા આરિફ અને સારસની દોસ્તી વખતે જોઇ હતી. આવી જ બીજી ઘટના લખીમપુર ખેરી જિલ્લામાં જોવા મળી હતી. અહીં એક વાનર ખેડૂતના મોતનો શોક મનાવતો જોવા મળ્યો હતો. તે એટલો શોક કરતો હતો કે જમીન પર પડીને રડતો હતો. ત્યાં સુધી કે તેણે તેના મિત્રના મૃતદેહ પરથી કપડું હટાવીને અંતિમ દર્શન પણ કર્યા હતા.
આ ઘટના લખીમપુર ખેરીના બિજુઆ વિસ્તારના ગોંધિયા ગામની છે. અહીં રહેતા 62 વર્ષના એક ખેડૂત ચંદન વર્માનું આજે સવારે અવસાન થયું હતું. જ્યારે ચંદનના મૃત્યુ બાદ તેમના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે તે સમયે ઘરમાં એક વાનર આવ્યો અને લોકોની વચ્ચે બેસીને ચંદનના મૃત્યુનો શોક કરવા લાગ્યો હતો.
ખેડૂત ચંદનના મૃતદેહ પાસે તેના પરિવારના સભ્યો હતા જેમાં કેટલીક મહિલાઓ ત્યાં બેસીને રડી રહી હતી. વાનર તેમની નજીક ગયો અને તેમના પર હાથ મૂકીને જાણે સાંત્વના આપતો હોય તોમ બેસી ગયો. ખેડૂતના મૃત શરીરને ચાદરથી ઢાંકી દેવામાં આવ્યું હતું, ત્યારે વાનરે તે ચાદર દૂર કરી અને તેના મિત્રના અંતિમ દર્શન પણ કર્યા. જ્યારે ખેડૂતની અંતિમ યાત્રા શરૂ થઈ ત્યારે વાનર તેમાં પણ થોડાક અંતર સુધી સાથે ગયો અને ત્યારબાદ તે જંગલ તરફ ચાલ્યો ગયો.
ચંદન વર્માનો એક રોજનો નિયમ હતો તે જ્યારે પણ ખેતરમાં જતા ત્યારે તે વાનરો માટે રોટલી લેતા જતા હતા. તેમાં આ વાનર મોટાભાગે તેમની સાથે ખેતરમાં રહેતો હતો. પરંતુ છેલ્લા બે મહિનાથી ચંદનની તબિયત ખરાબ હતી અને તેમને પેરાલિસિસનો હુમલો આવ્યો હતો. અને તેમણે ઘરની બહાર જવાનું પણ બંધ કરી દીધું હતું. અને આજે સવારે જ્યારે ચંદનનું મૃત્યુ થયું ત્યારે વાનર તેને છેલ્લી વાર તેમણે જોવા આવ્યો હતો ત્યારે નવાઈ એ વાતની છે કે વાનરને ચંદનના મૃત્યુના સમાચાર કોણે આપ્યા હશે?
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને