સ્પેશિયલ ફિચર્સ

ભારતમાં ફેટી લિવરનો વધતો ખતરો: જાણો કયો આહાર તમને આ ખતરાથી બચાવશે?

આપણા શરીરને કાર્યરત રાખવા માટે લિવર એક ‘કેમિકલ પ્લાન્ટ’ જેવું કામ કરે છે, જે એકસાથે 500થી વધુ જટિલ કાર્યો સંભાળે છે. જોકે, બદલાતી જીવનશૈલીને કારણે ભારતીયોમાં લિવર સંબંધિત બીમારીઓ, ખાસ કરીને ‘ફેટી લિવર’નું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ, બિન-આલ્કોહોલિક ફેટી લિવર હવે વિશ્વની સૌથી સામાન્ય બીમારી બની ગઈ છે. ભારતમાં સ્થિતિ વધુ ગંભીર છે કારણ કે દર ત્રીજો પુખ્ત વ્યક્તિ આ સમસ્યાથી પીડાઈ રહ્યો છે. જો સમયસર ધ્યાન ન આપવામાં આવે તો આ સાયલન્ટ કિલર બીમારી ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.

નિષ્ણાંતો પ્રમાણે, લિવરની સૌથી મોટી ખાસિયત અને નબળાઈ એ છે કે તે પ્રારંભિક તબક્કે કોઈ ખાસ લક્ષણો દર્શાવતું નથી. જ્યારે સમસ્યા વધી જાય ત્યારે જ ખબર પડે છે. તેથી જ યોગ્ય આહાર અને શિસ્તબદ્ધ જીવનશૈલી જ તેને બચાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. જે લોકો ડાયાબિટીસ અથવા સ્થૂળતાથી પીડાય છે, તેમનામાં લિવર ફેલિયરનો ખતરો 50 ટકાથી પણ વધુ રહે છે. સંતુલિત આહાર અને વજન પર નિયંત્રણ રાખવું એ લિવરને હેલ્ધી રાખવાની પહેલી શરત છે.

ખોરાકમાં આ ફેરફાર કરો

લિવરને કુદરતી રીતે ડિટોક્સ કરવા માટે આહારમાં કાચા શાકભાજી અને ફળોનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. ડોક્ટરોના મતે, સફરજન, પપૈયું અને જામફળ જેવા ફળો લિવરની કાર્યક્ષમતા વધારે છે. શાકભાજીમાં ટામેટાં, કોબીજ અને કાકડીને સલાડ તરીકે લેવાથી લિવરને જરૂરી પોષક તત્વો મળી રહે છે. આ સાથે જ ખોરાકમાં તેલ અને ચરબીયુક્ત પદાર્થોનું પ્રમાણ ઘટાડવું અનિવાર્ય છે. દારૂનું સેવન લિવર માટે ઝેર સમાન છે, તેથી તેને જીવનમાંથી કાયમી ધોરણે દૂર કરવાથી ફેટી લિવરના જોખમને ટાળી શકાય છે.

કેમ કરશો લિવરની સુરક્ષા?

માત્ર સારો ખોરાક જ પૂરતો નથી, લિવર પર જમા થયેલા વધારાના ફેટને બાળવા માટે નિયમિત કસરત કરવી અત્યંત જરૂરી છે. રોજિંદી શારીરિક પ્રવૃત્તિ કેલેરી બર્ન કરવામાં મદદ કરે છે અને લિવર પરનું દબાણ ઘટાડે છે. આ ઉપરાંત, લિવરને ગંભીર ઇન્ફેક્શનથી બચાવવા માટે હેપેટાઇટિસ-A અને હેપેટાઇટિસ-B ની રસી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ રસીકરણ દ્વારા લિવરને વાયરસના હુમલા સામે લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય છે. જો તમે નાની ઉંમરે લિવરની બીમારીઓથી બચવા માંગતા હોવ, તો આજથી જ સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક થવું જરૂરી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button