જન્માષ્ટમી સ્પેશિયલ: લડ્ડુ ગોપાલનો શણગાર અને ભોગ-પ્રસાદ તૈયાર કરતી વખતે આટલું ધ્યાનમાં રાખો

Laddu Gopal Shringar: જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ. આ દિવસની લોકો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે. શ્રદ્ધાળુઓ પોતાના ઘરે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ એવા લડ્ડુ ગોપાલની પ્રતિમા લાવીને પારણામાં સ્થાપતા હોય છે અને ભગવાનને પારણે ઝુલાવતા હોય છે.
જન્માષ્ટમીના દિવસે લડ્ડુ ગોપાલને શણગાર કરવાનું પણ ખાસ મહત્ત્વ છે. તેથી અમે લડ્ડુ ગોપાલને શણગાર કરવાની કેટલીક મહત્ત્વની બાબતો જણાવવા જઈ રહ્યા છીએ.

આપણ વાંચો: જન્માષ્ટમી પર ગોકુળ-મથુરા પહોંચી જાવ, આ 4 જગ્યાએ ધામધૂમથી ઉજવાય છે શ્રીકૃષ્ણનો જન્મોત્સવ…
શણગારમાં આ રંગનો ઉપયોગ ન કરો

સૌપ્રથમ લડ્ડુ ગોપાલને સ્નાન કરાવીને સ્વચ્છ રૂમાલથી સાફ કરો. ત્યારબાદ એક સ્વચ્છ આસન પર તેમને બેસાડો અને તેમના શણગારની તૈયારી કરો. લડ્ડુ ગોપાલને સુંદરતા આપવા માટે ફૂલોનો ભરપૂર ઉપયોગ કરો.
જેથી ભગવાનને તાજગીનો પણ અનુભવ થશે. ભગવાન શ્રી કૃષ્ણને ગુલાબ, મોગરા અને ચમેલીનું ફૂલ ઘણું પ્રિય છે. પીળો રંગ ભગવાનનો મનપસંદ રંગ છે. તેથી લડ્ડુ ગોપાલને પીળા રંગના વસ્ત્રો પહેરાવો.
વસ્ત્રો પહેરાવ્યા બાદ લડ્ડુ ગોપાલના મસ્તક, ગળા તથા હાથ પર ચંદનનો લેપ લગાવો. તેનાથી લડ્ડુ ગોપાલની સુંદરતા વધી જશે. સાથોસાથ આસપાસનું વાતાવરણ પણ પ્રફુલ્લિત થઈ જશે. લડ્ડુ ગોપાલને મોરમુકુટ, વૈજયંતી માલા તથા ફૂલોની માળા પહેંરાવો. સાથોસાથ હાથમાં વાંસળી પણ આપો.
એક વાતનું ધ્યાન રાખો કે, ભગવાનના શણગારમાં કાળા રંગનો ઉપયોગ કરશો નહીં. આટલો શણગાર કર્યા બાદ લડ્ડુ ગોપાલને પારણમાં બિરાજમાન કરો અને ‘નંદ ઘેર આનંદ ભયો’ જેવા ભજન-કીર્તન સાથે લડ્ડુ ગોપાલના પારણાને ધીરે-ધીરે ઝુલાવો.
આપણ વાંચો: Happy Birthday: હિન્દી સિનેમાના પિતામહ દાદાસાહેબ ફાળકેનું આ છે ગુજરાત કનેક્શન
તુલસીના પાન વગર પ્રસાદ અધૂરો
જન્માષ્ટમી પર સામાન્ય રીતે ઘણા મંદિરોમાં લડ્ડુ ગોપાલને ધાણાની પંજરીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. તમે પંજરી સિવાય મેવા, માખણ અને મિશ્રીનો ભોગ લડ્ડુ ગોપાલને ધરાવી શકો છો.
લડ્ડુ ગોપાલના પ્રસાદમાં પંચામૃત અવશ્ય તૈયાર કરવું જોઈએ. તેમાં તુલસીના પાન ઉમેરવાનું ન ભૂલવું જોઈએ. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણને તુલસી અત્યંત પ્રિય છે. તેથી તુલસીના પાન વગર ભગવાનનો પ્રસાદ અધૂરો ગણાય છે.