Kangana Ranaut ની ફિલ્મ ઇમરજન્સી વિવાદમાં સપડાઈ, આ રાજ્યમાં થઇ શકે છે બેન…

હૈદરાબાદ : બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશની ભાજપ સાંસદ કંગના રનૌતની(Kangana Ranaut)ફિલ્મ ‘ઇમરજન્સી’ ને લઇને રિલીઝ પૂર્વે વિવાદ શરૂ થયો છે. જેમાં હાલમાં જ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ ફિલ્મ નિર્માતાને કાનૂની નોટિસ મોકલી છે. ત્યારે હવે કોંગ્રેસ શાસિત રાજ્યમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. આ અંગે તેલંગાણા શીખ સમાજના 18 સભ્યોના પ્રતિનિધિમંડળે રાજ્ય સરકારના સલાહકાર મોહમ્મદ અલી શબ્બીર સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે ફિલ્મમાં શીખ સમુદાયના ચિત્રણ પર ચિંતા વ્યક્ત કરી હતી. ફિલ્મમાં શીખ સમુદાયની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તેલંગાણામાં શીખ સમુદાય કુલ વસ્તીના બે ટકા છે.
આ પણ વાંચો : Kangana Ranaut ની ફિલ્મ ઇમરજન્સી રિલીઝ પૂર્વે વિવાદમાં સપડાઈ, જાણો કારણ…
શીખ યુવાનોએ નારાજગી વ્યક્ત કરી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અધિકારીઓનું કહેવું છે કે તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવન્ત રેડ્ડીએ ગુરુવારે ખાતરી આપી હતી કે સરકાર ફિલ્મ ઈમરજન્સી પર પ્રતિબંધ મૂકવા પર વિચાર કરશે. આ અંગે સરકારના સલાહકાર મોહમ્મદ અલી શબ્બીરે કહ્યું, ‘શીખ સમુદાયે ભાર મૂક્યો કે દેશના સશસ્ત્ર દળોમાં લગભગ 12 ટકા શીખ છે.જેમાંથી અનેક લોકોએ દેશની સુરક્ષા માટે બલિદાન આપ્યું છે.ફિલ્મના પ્રમોશનલ મટિરિયલ પર સમાજ અને ખાસ કરીને શીખ યુવાનોએ નારાજગી વ્યક્ત કરી છે.
કાયદાકીય સલાહ લીધા બાદ આ અંગે નિર્ણય લેશે
રાજ્ય સરકારના સલાહકાર મોહમ્મદ અલી શબ્બીરે ઔપચારિક રીતે સીએમ રેડ્ડીને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા ભલામણ કરી છે. તેમણે ફિલ્મના કન્ટેન્ટ પર સવાલો ઉઠાવ્યા હતા અને આશંકા વ્યક્ત કરી હતી કે તેનાથી તણાવ થઈ શકે છે. તેમણે કહ્યું છે કે સીએમ રેડ્ડીએ આશ્વાસન આપ્યું છે કે તેઓ કાયદાકીય સલાહ લીધા બાદ આ અંગે નિર્ણય લેશે.
અકાલી દળે પણ માંગણીઓ ઉઠાવી હતી
જ્યારે બીજી તરફ શિરોમણી અકાલી દળના દિલ્હી એકમે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન ને કંગના રનૌત અભિનીત ‘ઇમર્જન્સી’ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે આ ફિલ્મના લીધે સાંપ્રદાયિક તણાવ પેદા થશે. ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે આ ફિલ્મમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.