Kangana Ranaut ની ફિલ્મ ઇમરજન્સી રિલીઝ પૂર્વે વિવાદમાં સપડાઈ, જાણો કારણ…
મુંબઈ : અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ(Kangana Ranaut)ઇમરજન્સી રીલીઝ પૂર્વે જ વિવાદમાં સપડાઈ છે. જેમાં શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)એ મંગળવારે અભિનેત્રી કંગના રનૌતની આગામી ફિલ્મ ઈમરજન્સીના નિર્માતાઓને કાનૂની નોટિસ ફટકારી છે. જેમાં ફિલ્મમાં શીખોના ચરિત્ર અને ઈતિહાસને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ લગાવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કટ્ટરપંથી શીખ ઉપદેશક જરનૈલ સિંહ ભિંડરાવાલા અને શીખ સમુદાયના અન્ય કોઈ વ્યક્તિએ ક્યારેય ખાલિસ્તાનની માંગ કરી નથી. આ ફિલ્મ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના જીવન પર આધારિત છે. જેમના શાસનમાં વર્ષ 1975માં ભારતમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : કંગના રનૌત સામે નવી આફતઃ ઈમરજન્સી રિલીઝ થશે કે નહીં?
શીખ સમુદાયની લેખિત માફી માંગવાની પણ માંગ
આ ફિલ્મમાં કંગના રનૌત ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી રહી છે. તે આ ફિલ્મના નિર્માતાઓમાં પણ સામેલ છે. ફિલ્મનું ટ્રેલર 14 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું અને ફિલ્મ 6 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની શક્યતા છે. એસજીપીસીના કાયદાકીય સલાહકાર એડવોકેટ અમનબીર સિંહ સિયાલી દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં ફિલ્મ નિર્માતાઓને ફિલ્મમાંથી શીખ વિરોધી લાગણી દર્શાવતા દ્રશ્યો હટાવવા માટે કહેવામાં આવ્યું છે. ટ્રેલરને સાર્વજનિક અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવવા સાથે શીખ સમુદાયની લેખિત માફી માંગવાની પણ માંગ કરવામાં આવી છે.
શીખોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કાર્ય
એસજીપીસીએ જણાવ્યું હતું કે, એવા દૃશ્યો બતાવવામાં આવ્યા છે જેમાં શીખ પોશાકમાં કેટલાક પાત્રો એસોલ્ટ રાઇફલ્સ સાથે લોકો પર ગોળીબાર કરતા દર્શાવવામાં આવ્યા છે.નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ભિંડરાવાલાએ ક્યારેય કોઈને આવા શબ્દો કહ્યા હોય તે સાબિત કરવા માટે કોઈ પુરાવા કે રેકોર્ડ નથી. SGPCએ નોટિસમાં કહ્યું છે કે આ ફિલ્મ શીખોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું અને શીખ ધર્મ વિશે ખોટી માહિતી આપવાનું માધ્યમ સાબિત થશે. આ નોટિસમાં જણાવાયું છે કે આ ફિલ્મ શીખ ધર્મના ઈતિહાસના કાળા દિવસોને દર્શાવે છે.