Janmashtami special : જન્માષ્ટમી પર આ ચાર કૃષ્ણ મંદિરની મુલાકાત બની રહેશે રોમાંચક!

ભારત તહેવારોનો દેશ છે . અહી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ગોકુળ આઠમ અથવા જનમાષ્ટમીની દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જો તમે આ પવિત્ર તહેવાર પર ભગવાન શ્રી કૃષ્ણના કેટલાક પ્રસિદ્ધ મંદિરોની મુલાકાત લેવા માંગતા હોવ તો આ તમારા માટે એક સારા સમાચાર છે. આજે અમે તમને જન્માષ્ટમી પર કેટલાક પ્રખ્યાત મંદિરો વિશે જણાવીશું. ચાલો એ ચાર પ્રખ્યાત મંદિરોની ચર્ચા કરીએ.
કૃષ્ણ જન્મભૂમિ મથુરા:

મથુરા એ ભગવાન કૃષ્ણ જન્મ ખૂબ જ મહત્વનું સ્થાન છે કારણ કે અહીં ભગવાન શ્રી કૃષ્ણએ તેમના પિતા વાસુદેવ અને તેમની માતા દેવકીને મામા કંસની જેલમાંથી મુક્ત કર્યા હતા. ભક્તો પવિત્ર સ્થાન પર પહોંચતા જ પવિત્ર મંદિરના સુંદર વાતાવરણને જોઈને મુગ્ધ બની જાય છે, કારણ કે આ તે સ્થળ છે જ્યાં ભગવાન કૃષ્ણ સ્વયં પ્રગટ થયા હતા.
અહીં ભગવાન શ્રી કૃષ્ણનું ખૂબ જ ભવ્ય અને સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે. જન્માષ્ટમીના દિવસે, લાખો ભક્તો અહીં દર્શન કરવા આવે છે અને ખૂબ જ ધામધૂમથી શ્રી કૃષ્ણના જન્મદિવસની ઉજવણી કરે છે.
જગન્નાથ પૂરી:

મથુરા સિવાય તમે જગન્નાથ પૂરી જઈ શકો છો. જગન્નાથ પૂરી હિન્દુઓની ચાર મહત્વની મોક્ષપૂરીમાંનું એક છે. અહી ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજઇ ત્રણે સાથે બિરાજમાન છે. આ મંદિરે પહોંચ્યા પછી તમને પાછું ફરવાનું મન નહિ થાય, મંદિરની રમણીયતા અને દિવ્યતા તમને ખેંચી રાખશે. આ મંદિરેથી જ દરવર્ષે ભવ્ય રથયાત્રા નીકળે છે, આ ભારતની સૌથી મોટી ધાર્મિક યાત્રાઓમાંની એક છે.
દ્વારકાધીશ મંદિર, દ્વારકા:

જન્માષ્ટમી પર તમે ગુજરાતના પશ્ચિમ કિનારે ભગવાન દ્વારકાધીશના દર્શન જઈ શકો છો. દ્વારકામાં ગોકુળ આઠમની એક જ અલગ જ રોનક જોવા મળશે. દ્વારકા અરબ સાગરના કિનારે સ્થિત ચાર મોક્ષપૂરી પૈકીની એક છે. અહી ભગવાન દ્વારકાધીશના સ્વરૂપે બિરાજમાન છે અને ભગવાનની સાત ફૂટ ઊંચી મૂર્તિ સ્થાપિત છે. દ્વારકામાં તમને જન્માષ્ટમીની એકદમ ભાતિગળ ઉજવણી જોવા મળશે. સાથે જ દરિયાકિનારાની પણ મજા મની શકશો.
ઇસ્કોન મંદિર, વૃંદાવન:.

આ સિવાય તમે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે વૃંદાવન સ્થિત ઇસ્કોન મંદિરે જઈ શકો છો. આ મંદિર ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીને સમર્પિત છે. આ મંદિરનું વાતાવરણ એટલું શાંત છે કે તમને સ્વર્ગની અનુભૂતિ થાશે. આ મંદિરે હરે રામા, હરે ક્રિષ્નાનો જાપ કરતાં અનેક વિદેશી લોકો કૃષ્ણભક્તિમાં લીન થયેલા જોવા મળશે. આ મંદિરે થતી જન્માષ્ટમીની ઉજવણીને જોઈને તમે મંત્રમુગ્ધ બની જશો.