દુનિયાભરમાં ધાર્મિક આસ્થા ઘટી રહી છે? જાણો કયા ધર્મના લોકો વધુ નાસ્તિક બન્યા!

મુંબઈ: 19મી સદીનના મહાન જર્મન ફિલોસોફર, પોલિટીકલ થિયરીસ્ટ, અર્થશાસ્ત્રી, પત્રકાર અને ક્રાંતિકારી સમાજવાદી લેખક કાર્લ માર્ક્સે તેમના એક પુસ્તકમાં લખ્યું હતું કે “ધર્મ એ જનતાનું અફીણ છે”. આ વાક્ય ઈતિહાસમાં સૌથી પ્રખ્યાત વાક્યમાંનું એક છે. જો કે આ વાક્યને તેના સંદર્ભ વગર રજુ કરવામાં આવતા ઘણા ખોટા ખ્યાલો ઉભા થયા છે. હકીકતે માર્ક્સે લખ્યું હતું, “ધર્મ એ પીડિત પ્રાણી માટે સાંત્વના છે, નિષ્ઠુર દુનિયામાં સાર છે, અને નિર્જીવ પરિસ્થિતિઓનો આત્મા છે. તે લોકોનું અફીણ છે.” અહીં ‘અફીણ’ નો અર્થ દર્દનિવારક તરીકે થયો છે. હાલના આધુનિક જમાનામાં લોકોને આ ‘અફીણ’ની જરૂર ઘટી રહી છે એવું લાગી રહ્યું છે.
દુનિયામાં ઘણા લોકો પોતે જે ધર્મમાં જનમ્યા હોય એ છોડીને નાસ્તિક બની રહ્યા છે. ખાસ કરીને યુરોપ, અમેરિકા, દક્ષિણ કોરિયા જેવા દેશોમાં લોકો ધર્મ છોડીને નાસ્તિક બની રહ્યા છે. આવા મુદ્દાઓ પર સંશોધન કરતી સંસ્થા પ્યુ રિસર્ચ અનુસાર, ઇટાલી, જર્મની, સ્પેન અને સ્વીડન જેવા દેશોમાં ધર્મનો ત્યાગ કરનારા લોકોની સંખ્યા વધુ છે. સર્વે મુજબ, ઇટાલીમાં 28.7 ટકા લોકો નાસ્તિક બની ગયા છે અને તેમના પરિવાર જે ધર્મ પાળે છે, તેનો ત્યાગ કર્યો છે.
તેવી જ રીતે, જર્મનીમાં 19.8 ટકા, સ્પેનમાં 19.6 ટકા અને સ્વીડનમાં 16.7 ટકા લોકોએ પોતાનો ધર્મ છોડી દીધો છે અને પોતાને નાસ્તિક જાહેર કર્યા છે. તેવી જ રીતે, દક્ષિણ અમેરિકાના દેશ ચિલીમાં 15 ટકા, મેક્સિકોમાં 13.7 ટકા અને યુરોપના નેધરલેન્ડ્સમાં 12.6 ટકા લોકોએ પોતાનો ધર્મ છોડી દીધો છે.
આ ધર્મના લોકો બની રહ્યા છે નાસ્તિક:
પોતાનો ધર્મ છોડનારામાં 99 ટકાથી વધુ લોકો ખ્રિસ્તી હતા, જેઓ હવે પોતાને નાસ્તિક ગણાવે છે. આમ પોતાનો ધર્મ છોડી દેનારાઓમાં સૌથી વધુ સંખ્યા ખ્રિસ્તીઓની છે. યુકેમાં પણ લોકોનો ધર્મમાં રસ ઘટી રહ્યો છે અને લગભગ 12 ટકા લોકો નાસ્તિક બની ગયા છે. તેવી જ રીતે, જાપાનમાં 10.7 ટકા, ગ્રીસમાં 10.2 ટકા અને કેનેડામાં 9.5 ટકા લોકોએ પોતાનો ધર્મ છોડી દીધો છે અને હવે તેઓ કોઈપણ ધર્મમાં માનતા નથી.
સર્વેમાં જાણવા મળ્યું છે કે 28.4% લોકોએ ખ્રિસ્તી ધર્મ છોડી દીધો છે જ્યારે માત્ર 1% લોકોએ પોતાનો ધર્મ બદલીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે. જ્યારે જર્મનીમાં 19.7 ટકા ખ્રિસ્તીઓ એવા છે જેમણે હવે પોતાને નાસ્તિક કહેવાનું શરૂ કરી દીધું છે.
આ રીતે, વિશ્વના ઘણા દેશોમાં નાસ્તિકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. રસપ્રદ વાત એ છે કે ઇસ્લામ અને હિન્દુ ધર્મ એવા ધર્મોમાં પોતાના જન્મના ધર્મને છોડી દેનારા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. છતાં વૈજ્ઞાનિક અને તાર્કિક આધાર પર ધાણા લોકો ધાર્મિક માન્યતાઓ દુર થતા જઈ રહ્યા છે.