આપણું ગુજરાતસ્પેશિયલ ફિચર્સ

IRCTC જાન્યુઆરીમાં ‘ગરવી ગુજરાત’ અને ‘પધારો રાજસ્થાન’ માટે ભારત ગૌરવ ડીલક્સ AC સ્પેશિયલ ટ્રેન દોડાવશે

ગાંધીનગરઃ ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, તીર્થસ્થળો અને પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ‘ભારત ગૌરવ ડીલક્સ એસી પ્રવાસી ટ્રેન’નું સફળ સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ જ યોજનાના ભાગરુપે IRCTCએ જાન્યુઆરી મહિનામાં ‘ગરવી ગુજરાત’ અને ‘પધારો રાજસ્થાન’ એમ બે અનોખી અને આકર્ષક વિશેષ ટૂરિસ્ટ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે.

‘ગરવી ગુજરાત’ પ્રવાસી ટ્રેન દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી 13 જાન્યુઆરીના રવાના થશે. આ 10-દિવસની યાત્રા દરમિયાન પ્રવાસીઓ ગુજરાતના અનેક મહત્વના સ્થળોનો પ્રવાસ કરશે, જેમાં વડોદરા, UNESCO વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાન, વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડિયા), સોમનાથ, દીવ, દ્વારકા, અમદાવાદ, મોઢેરાનું સૂર્ય મંદિર, પાટણમાં આવેલી રાણીની વાવ અને વડનગરનો સમાવેશ થાય છે. આ યાત્રા ગુજરાતના ભવ્ય ઇતિહાસ અને આધુનિક વિકાસનો નિર્દેશ કરશે.

આ પણ વાંચો: શું તમે IRCTC પર ટિકિટ બુક કરાવો છો? આ નવા નિયમ વિશે જાણી લો નહીંતર પસ્તાશો..

ગરવી ગુજરાત સિવાય પડોશી રાજ્ય રાજસ્થાન માટે ‘પધારો રાજસ્થાન’ ટ્રેન 24 જાન્યુઆરીના રોજ સફદરજંગ સ્ટેશનથી રવાના થશે. આ પ્રવાસમાં રાજસ્થાનના મુખ્ય શહેરો – જયપુર, જેસલમેર અને જોધપુરનો સમાવેશ થાય છે. યાત્રીઓ અહીં રાજસ્થાનની શાહી સંસ્કૃતિ, તેની જીવંત પરંપરાઓ, ભવ્ય મહેલો અને કિલ્લાઓ તેમ જ અન્ય આકર્ષક પ્રવાસી સ્થળોનો અનુભવ કરી શકશે.

આ બંને વિશેષ પ્રવાસી ટ્રેનો સંપૂર્ણપણે વાતાનુકૂલિત (AC) છે અને પ્રવાસીઓને આરામદાયક તેમ જ વૈભવી અનુભવ આપવા માટે તૈયાર કરવામાં આવી છે. આ ટ્રેનોમાં આધુનિક સુવિધાઓ જેવી કે, આધુનિક રેસ્ટોરાં, આધુનિક કિચન, કોચમાં સેન્સર આધારિત શૌચાલય, પગની માલિશ (Foot Massager)ની સુવિધા અને સલામતી માટે CCTV કેમેરા તથા સુરક્ષા ગાર્ડ્સની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી છે. આ તમામ સુવિધાઓ યાત્રાને સરળ અને યાદગાર બનાવે છે.

આ પ્રવાસ માટેની ટિકિટ ટ્રેનના અલગ અલગ વર્ગોના આધારે વ્યક્તિદીઠ નક્કી કરવામાં આવી છે. ઉપરાંત, રાજસ્થાનના પ્રવાસની ઈચ્છા ધરવાતા લોકો માટે ‘પધારો રાજસ્થાન’નું સ્પેશિયલ પેકેજ તૈયાર કર્યું છે, જેમાં ટ્રેનનું ભાડું, હોટેલ સ્ટે (3-સ્ટાર હોટેલમાં), સ્વાદિષ્ટ શાકાહારી ભોજન, પ્રવાસી સ્થળો સુધી પહોંચવા માટે AC વાહનો, પ્રવાસ વીમો (Travel Insurance) અને સમગ્ર યાત્રા દરમિયાન ટૂર મેનેજરની સેવાનો સમાવેશ થાય છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button