Instagram ડેટા લીક: 1.75 કરોડ યુઝર્સની અંગત વિગતો ચોરાઈ, સુરક્ષિત કઈ રીતે રહેશો!

ડિજિટલ સુરક્ષાના દાવાઓ વચ્ચે ફરી એકવાર મોટા પાયે ડેટા ચોરીની ઘટના સામે આવી છે. જાણીતી સાયબર સિક્યોરિટી ફર્મના રિપોર્ટ અનુસાર, વિશ્વભરના અંદાજે 1.75 કરોડ ઈન્સ્ટાગ્રામ યુઝર્સની અંગત વિગતો હેકર્સના હાથમાં લાગી ગઈ છે. આ ડેટાને ‘બ્રીચ ફોરમ્સ’ (Breach Forums) નામના પ્લેટફોર્મ પર સાર્વજનિક કરી દેવામાં આવ્યો છે, જેના કારણે યુઝર્સ પર સાયબર હુમલા અને ફિશિંગનું જોખમ અનેકગણું વધી ગયું છે.
નિષ્ણાતોના મતે આ ડેટા લીક પાછળ ‘સોલોનિક’ નામના હેકરનો હાથ હોવાનું મનાય છે. ડાર્ક વેબ સ્કેનિંગ દરમિયાન જાણવા મળ્યું કે 7 જાન્યુઆરી, 2026ના મોટી સંખ્યામાં JSON અને TXT ફાઈલ અપલોડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ મુજબ હેકર્સે વર્ષ 2024 માં ઈન્સ્ટાગ્રામના API (એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ)માં રહેલી કોઈ ટેકનિકલ ખામીનો ફાયદો ઉઠાવીને આ ડેટા ચોર્યો હોવાની શક્યતા છે.

કઈ વિગતો જોખમમાં છે?
સદનસીબે આ લીક થયેલા ડેટામાં યુઝર્સના પાસવર્ડ સામેલ નથી, પરંતુ હેકર્સ પાસે ઓળખ ચોરી (Identity Theft) કરવા માટે પૂરતી માહિતી ઉપલબ્ધ છે. લીક થયેલા ડેટાસેટમાં યુઝર-નેમ, પૂરું નામ, ઈમેલ એડ્રેસ, ઈન્ટરનેશનલ ફોન નંબર, યુઝર આઈડી અને ભૌતિક સરનામાના અમુક ભાગોનો સમાવેશ થાય છે. સાયબર એક્સપર્ટ્સનું કહેવું છે કે હેકર્સ આ વિગતોનો ઉપયોગ કરીને ટાર્ગેટેડ ફિશિંગ કરી શકે અથવા નકલી લિંક્સ મોકલીને તમારા એકાઉન્ટનો કબજો લેવાનો પ્રયાસ કરી શકે છે.
આ પણ વાંચો…Facebook, Instagram, WhatsApp નહીં પણ આ એપ સૌથી વધુ ડાઉનલોડ કરી લોકોએ આ વર્ષે…
જો તમે પણ ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરો છો, તો સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. સૌથી પહેલા તમારા એકાઉન્ટમાં ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) ઓન કરો, જેમાં માત્ર SMS પર નિર્ભર રહેવાને બદલે ઓથેન્ટિકેશન એપનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે. આ સિવાય એક મજબૂત અને યુનિક પાસવર્ડ સેટ કરો, કોઈ પણ શંકાસ્પદ લિંક પર ક્લિક કરવાનું ટાળો અને ઈન્સ્ટાગ્રામ સેટિંગ્સમાં જઈને તમારી લોગ-ઈન એક્ટિવિટી ચેક કરતા રહો કે પછી કોઈ અજાણ્યા ડિવાઈસમાં તમારું એકાઉન્ટ લોગઈન તો નથી ને!



