પડી જવાથી પીઠમાં ઈજા થઈ છે? તરત જ કરો આ કામ
ક્યારેક આપણે જોયા વગર જ ચાલતા હોઇએ છીએ કે પછી આપણી ધૂનમાં જ ચાલતા હોઇએ છીએ અને રસ્તા પરના ખાડા પર આપણુંધ્યાન જ નથી હોતું અને ઠોકર ખાઇને પડી જઇએ છીએ. પડી જવાને કારણે હાથ, પગ પણ મચકોડાઇ જાય છે અને પીઠમાં ય ક્યારેક બહુ દુઃખાવો થાય છે. આવા સમયે જો ઈજા ગંભીર હોય તો તરત જ ડૉક્ટર પાસે જવું યોગ્ય છે, પરંતુ જો તમને લાગે કે તે નાની ઈજા છે અને તેને ઘરે જ ઠીક કરી શકાય છે. કેટલીક બાબતોનું ધ્યાન રાખીને તમે દર્દથી રાહત મેળવી શકો છો.
પીઠની ઈજાને નજરઅંદાજ કરવી યોગ્ય નથી. જો તમને લાગે કે પીડા માત્ર સ્નાયુઓમાં છે અથવા તે સામાન્ય ઈજા છે, તો તમે ઘરે જ દુખાવાથી રાહત મેળવવાનો પ્રયાસ કરી શકો છો અને પીડામાંથી રાહત મેળવી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે.
કોલ્ડ થેરેપીઃ
પીઠમાં ઈજા થતાં જ તરત જ ફ્રિજમાંથી આઈસ પેક લાવીને પીઠ પર લગાવો. આ રીતે, આજુબાજુના વિસ્તાર પણ નિષ્ક્રિય થઇ જશે અને સોજાની કોઈ સમસ્યા રહેશે નહીં.
હીટ થેરેપીઃ
જો એક દિવસ પછી પણ દુખાવો થતો હોય તો ગરમ વસ્તુથી શેક કરો. તેનાથી લોહીનો પ્રવાહ વધશે અને સ્નાયુઓને આરામ મળશે. હૂંફાળા પાણીથી સ્નાન કરો.
મલમ લગાવો:
જો તમને પડી ગયા પછી ઈજા થઈ હોય તો ઘરમાં જ હોય એ મલમ લગાવો. ધ્યાન રાખો કે તેને લગાવ્યા પછી વધારે ઘસવું નહીં. મલમ લગાવ્યા બાદ કમરને સારી રીતે ઢાંકી દો. તમે હળવાશ અનુભવશો.
એક ટબમાં નવશેકું પાણી રાખો અને તેમાં અડધો કપ મીઠું નાખો. પછી ધીમે ધીમે તેમાં બેસવાનો પ્રયાસ કરો. જો બાથટબ હોય તો તેમાં 15 મિનિટ સૂઈ જાઓ. આ રીતે તમને રાહત મળશે. જો ઈજા ગંભીર હોય તો તમે પલંગ પર સીધા સૂઈ જાઓ તો સારું રહેશે. એક કલાક પછી પણ જો પીઠમાં દર્દ જણાય તો ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે.