ઈન્દિરા એકાદશી: આજે શ્રાદ્ધ તર્પણથી પિતૃઓને મળશે મોક્ષ, જાણો મહત્વ

આજે ભાદરવા માસની કૃષ્ણ પક્ષની એકાદશી છે, જે ઇન્દિરા એકાદશી તરીકે ઓળખાય છે, ભગવાન વિષ્ણુની આરાધના અને પિતૃઓના શ્રાદ્ધ માટે અત્યંત મહત્વની ગણાય છે. આ વ્રતથી પિતૃઓને મોક્ષ મળે છે અને વ્રત રાખનારને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, એવી માન્યતા છે. ઈન્દિરા એકાદશી આજે એટલે કે 17 સપ્ટેમ્બરે ઉજવાતી આ એકાદશી ખાસ શુભ યોગો અને નક્ષત્રોના સંયોગ સાથે આવી રહી છે, જે શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક ઊર્જા અને પવિત્રતાનો અનુભવ લાવશે. આ દિવસે પૂજા, તર્પણ અને દાન જેવી વિધિઓથી વાતાવરણ ભક્તિમય બનશે.
ઇન્દિરા એકાદશીનો શુભ મુહૂર્ત
આજે 17 સપ્ટેમ્બર બુધવારે આ વર્ષે ઇન્દિરા એકાદશી તરીકે ઉજવાશે. હિંદુ પંચાગ મુજબ, એકાદશી તિથિ 17 સપ્ટેમ્બરે મધ્યરાત્રિ 12:21 વાગ્યે શરૂ થશે અને એ જ દિવસે રાત્રે 11:39 વાગ્યે સમાપ્ત થશે. આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 4:33થી 5:20 સુધી રહેશે, જે પૂજા માટે શ્રેષ્ઠ સમય ગણાય છે. આ ઉપરાંત, લાભ-ઉન્નતિ મુહૂર્ત સવારે 6:07થી 7:39, અમૃત-સર્વોત્તમ મુહૂર્ત 7:39થી 9:11 અને શુભ-ઉત્તમ મુહૂર્ત 10:43થી બપોરે 12:15 સુધી રહેશે. જ્યોતિષીઓની સલાહ છે કે રાહુકાળ શરૂ થાય તે પહેલાં પૂજા પૂર્ણ કરવાનું ફાયદાકારક રહેશે.

શુભ યોગો અને નક્ષત્રોનો સંયોગ
આ વર્ષે ઇન્દિરા એકાદશીના દિવસે પરિઘ યોગ અને શિવ યોગ એમ બે શુભ યોગો બનવાના છે, જે વ્રતની ફળદાયીતાને વધારે છે. પરિઘ યોગ સવારથી રાત્રે 10:55 સુધી રહેશે, ત્યાર બાદ શિવ યોગ શરૂ થશે. આ ઉપરાંત, પુનર્વસુ નક્ષત્ર સવારે 6:26 સુધી અને પછી પુષ્ય નક્ષત્રનો પ્રભાવ રહેશે. આ શુભ સંયોગોમાં સ્નાન, દાન, તર્પણ અને પિંડદાન જેવી વિધિઓ કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો : ક્યારે છે ઈન્દિરા એકાદશી? જાણો વ્રત, પૂજા અને મુહૂર્ત વિષે વિગતવાર…
વ્રતના નિયમો અને પારણા
ઇન્દિરા એકાદશીનું વ્રત રાખનારાઓએ 18 સપ્ટેમ્બરે સવારે 6:07થી 8:34 વચ્ચે પારણા કરવું શુભ રહેશે, કારણ કે દ્વાદશી તિથિ રાત્રે 11:24 વાગ્યે શરૂ થશે. આ વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા, શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે. નારદજીએ રાજા ઇન્દ્રસેનને આ વ્રતની વિધિ જણાવી હતી, જેના પાલનથી તેમના પિતૃઓને મોક્ષ મળ્યો હતો. આ વ્રતમાં શુદ્ધ મનથી ભગવાનની આરાધના અને પિતૃઓનું સ્મરણ કરવાથી પરિવારમાં સુખ, સમૃદ્ધ આવે છે.
આ પણ વાંચો : આજે એકાદશી પર તુલસી સાથે સંકળાયેલી આ ભૂલ બિલકુલ ના કરતાં, નહીંતર…
ઇન્દિરા એકાદશીનું મહત્વ
ઇન્દિરા એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુની કૃપા અને પિતૃઓના મોક્ષ માટે અત્યંત ફળદાયી માનવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે આ વ્રતથી વ્યક્તિના પાપોનો નાશ થાય છે અને પિતૃઓ યમલોકની યાતનાઓમાંથી મુક્ત થઈને વિષ્ણુલોકમાં સ્થાન પામે છે. આ વ્રત કરનારને મૃત્યુ બાદ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, અને તે પિતૃઓને અધોગતિથી બચાવીને મોક્ષનો માર્ગ ખોલે છે. ભગવાન કૃષ્ણએ અર્જુનને આ વ્રતની કથા જણાવી હતી, જેમાં રાજા ઇન્દ્રસેને આ વ્રત દ્વારા પોતાના પિતાને મોક્ષ અપાવ્યો હતો.