ગુજરાત મેલને બદલે ભૂલથી બીજી ટ્રેનમાં ચઢી ગયા તો શું થાય, જાણો રેલવેનો નિયમ અને દંડની જોગવાઈ…

લાંબા અંતરના પ્રવાસ માટે હજુ પણ મેલ-એક્સપ્રેસ ટ્રેનની પ્રાથમિકતા આપવાની સાથે પસંદ પણ કરવામાં આવે છે. ભારતમાં કરોડો લોકો દરરોજ રેલવેના માધ્યમથી મુસાફરી કરે છે. લાંબા અંતરની સફર માટે ટ્રેન આજે પણ સૌથી વિશ્વસનીય અને સસ્તું સાધન ગણાય છે, પરંતુ ઘણીવાર ઉતાવળમાં કે પછી પ્લેટફોર્મની અસમંજસને કારણે મુસાફરો પોતાની નિર્ધારિત ટ્રેનના બદલે બીજી કોઈ ટ્રેનમાં બેસી જતા હોય છે. એટલે ગુજરાત મેલમાં જવાને બદલે તમે બીજી કોઈ ટ્રેનમાં ચઢી જાવ તો શું થાય. આ સ્થિતિમાં રેલવેના નિયમો શું કહે છે અને તમારે કેટલો દંડ ભરવો પડી શકે છે, તે જાણવું દરેક મુસાફર માટે ખૂબ જરૂરી છે.
રેલવેના નિયમો મુજબ જો તમે તમારી ટિકિટમાં દર્શાવેલ ટ્રેનને બદલે અન્ય કોઈ ટ્રેનમાં મુસાફરી કરો છો, તો તેને ‘અનિયમિત મુસાફરી’ (Irregular Travel) માનવામાં આવે છે, જ્યારે ટીટીઈ (TTE) ટિકિટ ચેક કરવા આવે ત્યારે સૌથી પહેલા તમારી ટિકિટ, તારીખ અને રૂટની ચકાસણી કરવામાં આવે છે. જો ટ્રેન નંબર અલગ હોય તો રેલવે એક્ટ મુજબ તમારી પાસેથી તે ટ્રેનનું નક્કી કરેલું ભાડું અને વધારાની પેનલ્ટી વસૂલવામાં આવી શકે છે.
જો બંને ટ્રેનનો રૂટ એક જ હોય અને ટીટીઈને લાગે કે મુસાફર ભૂલથી બીજી ટ્રેનમાં ચડી ગયા છે, તો માનવતાના ધોરણે તે કદાચ રાહત આપી શકે. જોકે, ખાલી સીટ હોવાની સ્થિતિમાં તમને આગળની મુસાફરી ચાલુ રાખવાની પરવાનગી મળી શકે છે અથવા નજીકના સ્ટેશન પર ઉતરીને સાચી ટ્રેન પકડવાની સલાહ આપવામાં આવે છે.
આમ છતાં રેલવેના નિયમો અનુસાર સંબંધિત ટ્રેનનું ભાડું અને એક્સ્ટ્રા પેનલ્ટી લાગે છે, જે દૂરની ટ્રેન અને કોચની કેટેગરી પર નિર્ભર રહે છે. ખાસ કરીને એસી અને સ્લિપર કોચમાં દંડની રકમ અલગ અલગ હોય છે. સુપરફાસ્ટ ચાર્જ અને અન્ય ચાર્જ સાથે કુલ રકમમાં વધારો થાય છે.
આવી કાયદાકીય ગૂંચવણો અને આર્થિક દંડથી બચવા માટે હંમેશાં ટ્રેનમાં ચડતા પહેલા ડિસ્પ્લે બોર્ડ અને ટ્રેન નંબરની ખાતરી કરી લેવી જોઈએ. રેલવે સ્ટેશન પર થતી સતત જાહેરાતો (Announcements) પર ધ્યાન આપવું અને મોબાઈલ એપ દ્વારા ટ્રેનનું લાઈવ લોકેશન ચેક કરવું હિતાવહ છે. એક નાની ભૂલ તમારી મુસાફરીનો આનંદ બગાડી શકે છે અને ખિસ્સા પર ભાર વધારી શકે છે.



