ભારતીય રેલવેના આ જંક્શન પર ચારે બાજુથી આવે છે ટ્રેનો, છતાં નથી થતી ક્યારેય ટક્કર…

ભારતીય રેલવે (Indian Railway) એ એક પરિવહન જ નહીં પણ કરોડો દેશવાસીઓને જીવાદોરી સમાન છે. ભારતીય રેલવે એ સૌથી વિશાળ અને વ્યસ્ત એવું દુનિયાનું ચોથા નંબરનું રેલવે નેટવર્ક છે. ભારતીય રેલવે દ્વારા દરરોજ લાખો ટ્રેનો દોડાવવામાં આવે છે અને આ ટ્રેનોમાં કરોડો પ્રવાસીઓ પ્રવાસ કરે છે.
આટલા આ વિશાળ રેલવે નેટવર્કની ઘણી અજબગજબની વાતો છે, જેમાંથી એક અનોખી એવી રેલવે ક્રોસિંગ વિશે અમે તમને જણાવીશું. આ રેલવે ક્રોસિંગ પર ચારે બાજુએથી ટ્રેનોની અવરજવર થાય છે, પરંતુ મજાલ છે કે ક્યારેય ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હોય. ચાલો જોઈએ દેશની એક માત્ર ડાયમંડ રેલવે ક્રોસિંગ ક્યાં આવેલી છે અને તે કઈ રીતે કામ કરે છે…
અમે અહીં વાત કરી રહ્યા છીએ મહારાષ્ટ્રના નાગપુર રેલવે સ્ટેશની. નાગપુર રેલવે સ્ટેશન ભારતના સૌથી વ્યસ્ત અને અનોખા રેલવે જંક્શનમાંથી એક છે. અહીં દેશના ચાર મુખ્ય રેલવે માર્ગ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ એકબીજાને એ રીતે ક્રોસ કરે છે ઉપરથી જોતા આ રેલવે ટ્રેક ડાયમંડ શેપમાં દેખાય છે. આ જ કારણે આને ડાયમંડ રેલવે ક્રોસિંગ તરીકે ઓળખવામાં આવે છે.

ભારતમાં આવો આ એક માત્ર રેલવે પોઈન્ટ છે જ્યાં ચારે બાજુથી ટ્રેનો આવીને એકબીજાને ક્રોસ કરે છે અને તેમ છતાં કોઈ ટક્કર નથી થતી. વાંચવામાં આ જેટલું વિચિત્ર લાગે છે જોવામાં તે એટલું અદ્ભૂત લાગે છે. આ નજારો જોવા માટે રેલવે પ્રેમી અને સફર કરનારા લોકો તેને જોવા માટે ખાસ નાગપુર આવે છે.
આ રૂટ પરથી દરરોજ રાજધાની, દુરંતો, ગરીબ રથ, મેલ અને સુપર ફાસ્ટ ટ્રેનો પસાર થાય છે. આટલું ટ્રાફિક હોવા છતાં પણ અહીં ટ્રેનોની અવરજવર એકદમ સ્મુધલી અને શાંતિથી થાય છે. આઈ નો આઈ નો હવે તમને સવાલ થશે કે ચારે બાજુથી ટ્રેનો આવે છે તો પણ અહીં ટક્કર કઈ રીતે નથી થતી? ચાલો તમારા આ સવાલનો જવાબ જાણીએ.
આનું કારણ છે રેલવેની ઈન્ટરલોકિંગ સિસ્ટમ અને ઓટોમેટિક સિગ્નલિંગ ટેક્નોલોજી. આ સિસ્ટમ એ રીતે કામ કરે છે એક સમયે એક જ ટ્રેનને ક્રોસિંગની પરમિશન મળે છે. જેવી ટ્રેન પસાર થાય એટલે જાતે જ સિગ્નલ બીજી ટ્રેન માટે એક્ટિવ થઈ જાય છે. આને કારણે ટ્રેનોની અવરજવર સંપૂર્ણપણે નિયંત્રણમાં રહે છે અને દુર્ઘટનાની સંભાવના ઘટી જાય છે.
નાગપુરનું આ ડાયમંડ ક્રોસિંગ ભારતીય રેલવેની ટેક્નોલોજી એફિશિયન્સી અને એન્જિનિયરિંગના અદ્ભૂત સંતુલનનું ઉદાહરણ છે. રેલવે કર્મચારીઓ દેખરેખ અને સિસ્ટમના તાલમેલને કારણે આ જગ્યાને ખરેખર ભારતીય રેલવેનું ડાયમંડ જ કહી શકાય.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જ્ઞાનમાં પણ ચોક્કસથી અભિવૃદ્ધિ કરજો હં ને? ભારતીય રેલવેના આવા જ અનોખા અને માની ના શકાય એવા ફેક્ટ્સ જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…
આ પણ વાંચો…રાત્રિ પ્રવાસમાં સ્ટેશન ચૂકી જવાનો ડર થશે દૂર, ભારતીય રેલવેની આ સુવિધાનો લેજો લાભ



