ઈન્કમ ટેક્સ રિફ્ન્ડ અટવાયું છે? ગભરાશો નહીં, આ રીતે પાછા મેળવો તમારા પૈસા

2026નું નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને નવા વર્ષના દસ દિવસ પણ જતા રહ્યા. જોકે, તેમ છતાં હજી અને એવા ટેક્સપેયર્સ છે કે જેમના બેંક એકાઉન્ટમાં ઈન્કમ ટેક્સ રિફન્ડ જમા થયું નથી તો અનેક ટેક્સપેયર્સને આઈટી ડિપાર્ટમેન્ટ તરફથી એક મેસેજ કે ઈમેલ આવ્યો છે. આ ઈમેલ કે મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે તમારું રિફન્ડ ‘Risk Management Process’ હેઠળ રોકી દેવામાં આવ્યું છે. જો તમને પણ આવો મેસેજ મળ્યો છે તો ગભરાવવાની જરાય જરૂર નથી. આજે આપણે અહીં આ મેસેજનો અર્થ શું છે અને એના પછી તમારે શું કરવાનું છે એના વિશે વાત કરીશું…
રિફન્ડ હોલ્ડ પર કેમ રાખવામાં આવે છે?
ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જ્યારે કોઈ રિફન્ડન્ ‘હોલ્ડ’ પર રાખવામાં આવે છે, ત્યારે તેનો અર્થ એ છે કે તમારા દ્વારા ફાઈલ કરવામાં આવેલા આઈટીઆરના ડેટામાં આઈટી ડિપાર્ટમેન્ટને કંઈક મિસમેચ જોવા મળ્યું છે કે પછી આ મામલે વધારાની તપાસની જરૂર છે.
રિફન્ડ અટકાવવાના કારણો
આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા વિવિધ કારણોસર તમારું આઈટીઆર અટકાવવામાં આવી શકે છે. આ કારણોમાંથી કેટલાક મુખ્ય કારણો આવા હોઈ શકે-
ડેટામાં ડિફરન્સ: તમારા આઈટીઆરમાં દર્શાવવામાં આવેલી ઈનકમ અને Form 26AS / AIS / TISમાં ઉપલબ્ધ ડેટા વચ્ચે તફાવત જોવા મળે.
ફોલ્સ ડિડક્શન: જો તમે ટેક્સ બચાવવા માટે કોઈ ફેક રીસિપ્ટ, પ્રૂફ વિનાના ઈન્વેસ્ટમેન્ટ દેખાડ્યા હોય ત્યારે પણ તમારું આઈટીઆર અટકાવવામાં આવી શકે છે
બેંક એકાઉન્ટ વેરિફિકેશન: જો તમારું બેંક એકાઉન્ટ પ્રિ-વેલિડેટ ન હોય કે પછી તમારા નામમાં ભૂલ હોય.
રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ: આઈટી ડિપાર્ટમેન્ટનું એડવાન્સ સોફ્ટવેરને જ્યારે કોઈ રિટર્ન સસ્પિશિયસ લાગે છે ત્યારે તે રિકિન્ડ અટકાવે છે.
ટેક્સપેયરે હવે શું કરવું જોઈએ?
જો તમારું રિફંડ ફસાઈ ગયું હોય, તો તમારે બિલકુલ ગભરાવવાની જરૂર નથી. આ સમસ્યામાંથી બહાર આવવા માટે તમારે ખૂબ જ સરળ સ્ટેપ્સ ફોલો કરવાના છે. સૌથી પહેલાં તો જઈને તમારું ફાઈલ કરેલું રિટર્ન ખોલો અને જુઓ કે ક્યાંય ડિજિટ્સ લખવામાં તો કોઈ ભૂલ નથી થઈને. જો એમાં કોઈ ભૂલ નથી તો પછી તમારે તમારા ઈન્વેસ્ટમેન્ટ અને જે એક્સપેન્સ દર્શાવ્યા છે એની ઓરિજનલ રિસીપ્ટ રેડી રાખો, કારણ કે આઈટી ડિપાર્ટમેન્ટ પ્રૂફ માંગી શકે છે.
તમે તમને મળેલી આ નોટિસનો જવાબ પણ આપી શકો છો. આ માટે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગ-ઈન કરો અને પેન્ડિંગ એક્શન ટેબમાં જઈને ચેક કરો કે કોઈ નોટિસ આવી છે કે નહીં. જો નોટિસ મળી હોય, તો નિર્ધારિત સમય મર્યાદામાં તેનો ઓનલાઇન જવાબ આપો. આ સિવાય જો કોઈના કહેવાથી તમે ખોટી રિસીપ્ટ લગાવી હોય, તો તેને સુધારીને રિવાઈઝ્ડ રિટર્ન ફાઈલ કરવાનો વિકલ્પ પણ તમારી પાસે છે.
જો બધું જ સાચું હોય તો શું કરવું?
જો તમને ખાતરી છે કે તમારું આઈટીઆર એકદમ સાચું અને પરફેક્ટ છે, એમાં કોઈ ભૂલ નથી અને તેમ છતાં તમારું રિફન્ડ અટકાવવામાં આવ્યું છે તો તમે આઈટી ડિપાર્ટમેન્ટ ગ્રિવિયન્સ પોર્ટલ પર જઈને તમારી ફરિયાદ નોંધાવી શકો છો. તમારી વિગતો સ્પષ્ટ હશે તો ટૂંક સમયમાં જ રિફન્ડ રિલીઝ કરી દેવામાં આવશે.



