પુત્રદા એકાદશી: આ વસ્તુનું દાન કરવાથી તમારા પર વરસી શકે છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા

શ્રાવણનો શુભ મહિનો શરૂ થઈ ચૂક્યો છે. ધાર્મિક રીતે આ મહિનાની તમામ તિથિનું અનોખુ મહત્વ હોય છે. શ્રાવણના શુક્લ પક્ષની એકાદશીને પુત્રદા એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા અને વ્રત કરવાનું શુભ માનવામાં આવે છે. ખાસ કરીને આ વ્રત સંતાન પ્રાપ્તિ અને તેમની રક્ષા માટે રાખવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ખાસ વસ્તુઓનું દાન કરવાથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે, તો આવો જાણીએ કે પુત્રદા એકાદશીએ કયું દાન કરવું શુભ છે.
અન્ન દાન
પુત્રદા એકાદશીના શુભ દિવસે અનાજનું દાન કરવું અત્યંત ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની વિધિવત પૂજા કરો. ત્યારબાદ સાત પ્રકારના અનાજ જેમ કે ઘઉં, ચોખા, બાજરી વગેરે કોઈ જરૂરિયાતમંદ કે ગરીબ વ્યક્તિને દાન કરવાથી ભગવાન વિષ્ણુની અસીમ કૃપા આપના પર બની શકે છે. એવુ માનવામાં આવે છે કે, અનાજના દાનથી જીવનમાંથી ગરીબી દૂર થઈ શકે છે અને ઘરમાં સુખ-શાંતિનો વાસ થાય છે.
આ પણ વાંચો: પુત્રદા એકાદશીનો શુકનવંતો દિવસ ક્યારે છે, જાણો તારીખ, વાર અને શુભ મુહૂર્ત
વસ્ત્ર દાન
પુત્રદા એકાદશીએ વસ્ત્રનું દાન કરવાનો પણ અનેરુ મહત્વ છે. આ દિવસે પીળા, લાલ કે નારંગી રંગના વસ્ત્રો કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. આ દાનથી રોગોમાંથી રાહત મળે છે અને વૈવાહિક જીવનની સમસ્યાઓ પણ ધીમે ધીમે ઓછી થઈ શકે છે. આ દાનથી ભાગ્ય ચમકવાની સંભાવના વધે છે.
કિંમતી ધાતુનું દાન
માન્યતા અનુસાર, પુત્રદા એકાદશીએ સોનાનું દાન કરવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જોકે, આજના સમયમાં સોનાના ભાવ ખૂબ ઊંચા હોવાથી, જો સોનું દાન કરવું શક્ય ન હોય તો ચાંદી કે તાંબાનું દાન પણ કરી શકાય છે. આ દાનથી કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત થાય છે, જેનાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે. આ ઉપાયથી વ્યાપારમાં આવતી અડચણો દૂર થઈ શકે છે અને સંતાન સંબંધી સમસ્યાઓમાં પણ રાહત મળે છે.
આ પણ વાંચો: Putrada Ekadashi 2025: સંતાન સુખની પ્રાપ્તિ માટે કરો પુત્રદા એકાદશીનું વ્રત; જાણી લો ક્યારે છે તિથી, વ્રત….
પૂજા સામગ્રીનું દાન
પુત્રદા એકાદશીએ પૂજા સામગ્રીનું દાન કરવું પણ ખૂબ ફળદાયી છે. તમે પૂજા સામગ્રી જેમ કે ધૂપ, દીવો, કપૂર વગેરે મંદિરમાં દાન કરી શકો છો અથવા એવી વ્યક્તિને આપી શકો છો જે પૂજા-પાઠનું સન્માન કરે. આ ઉપાયથી જીવનમાં સફળતાના માર્ગ ખુલે છે અને મનમાં શાંતિ જળવાઈ રહે છે.
શુભ મુહૂર્ત અને યોગ
પુત્રદા એકાદશી નિમિત્તે શુભ મુહૂર્તોનું પણ અનેરુ મહત્વ હોય છે. આ દિવસે સવારે 4:21થી 5:01 વાગ્યા સુધી બ્રહ્મ મુહૂર્ત અને બપોરે 12:00થી 12:53 વાગ્યા સુધી અભિજિત મુહૂર્ત રહેશે. આ બંને મુહૂર્તો ઉત્તમ ગણાય છે, અને આ સમયે પૂજા કરવાથી બમણું ફળ મળે છે. જ્યેષ્ઠા નક્ષત્રના સંયોગમાં રવિ યોગથી આ દિવસનું મહત્વ વધી જાય છે.