જાણો બ્રહ્મ મુહૂર્તમાં જાગ્યા પછી શું કરવું, કેવી રીતે અને ક્યા મંત્રોનો જાપ કરવો

સનાતન ધર્મમાં દિવસના સૌથી પવિત્ર અને ઊર્જામય સમય તરીકે બ્રહ્મ મુહૂર્તને ઓળખવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ સમય સવારે 4થી 5:30 વચ્ચેનો હોય છે, જ્યારે વાતાવરણમાં સંપૂર્ણ શાંતિ અને સાત્વિક ઊર્જાનો સંચાર થાય છે. આ ક્ષણોને ધ્યાન, જપ, સાધના અને અધ્યયન માટે આદર્શ ગણવામાં આવે છે, કારણ કે તેમાં કરેલા કાર્યોનું ફળ અક્ષય રહે છે. નિયમિત રીતે આ સમયે જાગવાથી વ્યક્તિનું જીવન સકારાત્મક દિશામાં આગળ વધે છે.
આ સમયને ‘અક્ષય મુહૂર્ત’ પણ કહેવામાં આવે છે, કારણ કે અહીં કરેલા સદ્કાર્યોનું પુણ્ય કદી નાશ પામતું નથી. જો કોઈ વ્યક્તિ દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને ઈશ્વરનું સ્મરણ કરે, તો તેની બુદ્ધિ તીવ્ર બને છે, મનમાં સ્થિરતા આવે છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધે છે. આ સમયની શુદ્ધતા જીવનને નવી દિશા આપે છે.
બ્રહ્મ મુહૂર્તમાં ઊઠ્યા પછી સૌથી પહેલા પોતાની હથેળીઓ જોવી જોઈએ, કારણ કે તેમાં લક્ષ્મી (ધન), સરસ્વતી (જ્ઞાન) અને વિષ્ણુ (કર્મ)નો વાસ માનવામાં આવે છે. ત્યાર પછી ઈષ્ટદેવનું સ્મરણ કરતાં ‘ઓમ્ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્’ એટલે કે ગાયત્રી મંત્રનો જાપ કરવો. આ મંત્ર મનને શુદ્ધ કરે છે અને ઘરમાં હકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધારે છે. ધ્યાનાવસ્થામાં બેસીને શાંત મને જાપ કરવો ફળદાયી છે.
મહાદેવનું સ્મરણ કરતાં ‘ઓમ્’નો ઉચ્ચાર કરવો જોઈએ, જેને સૃષ્ટિનો મૂળ નાદ કહેવાય છે. આથી મન, શરીર અને આત્માનું સંતુલન સાધી શકાય છે. જીવનની અડચણો દૂર થાય છે અને દૈવી કૃપા પ્રાપ્ત થાય છે. આ સાધના નિયમિત કરવાથી વ્યક્તિની આંતરિક શક્તિ જાગૃત થાય છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન-જપ કરનારને ધન, વૈભવ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. મા લક્ષ્મીની કૃપા સતત રહે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. આ સમયનો લાભ લેવાથી જીવનની દરેક ક્ષેત્રે સફળતા મળે છે.



