આ બેંકના ક્રેડિટ કાર્ડધારકોને નવા વર્ષમાં લાગશે ઝટકોઃ નવા નિયમોથી ખિસ્સા પર વધશે બોજ

જો તમે ICICI બેંકનું ક્રેડિટ કાર્ડ વાપરતા હો તો વર્ષ 2026ની શરૂઆત તમારા ખિસ્સા પર બોજ વધી શકે છે. બેંક દ્વારા આગામી 1 જાન્યુઆરીથી ક્રેડિટ કાર્ડના નિયમોમાં મોટા ફેરફારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નવા સુધારાઓમાં કેટલાક ટ્રાન્ઝેક્શન પર ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે, જ્યારે રિવોર્ડ પોઈન્ટ્સ અને અન્ય સુવિધાઓમાં ધરખમ કાપ મુકવામાં આવ્યો છે. બેંક આ નિયમોને જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન તબક્કાવાર રીતે અમલમાં મૂકશે.
નવા નિયમો મુજબ હવે ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ જેવા કે Dream11, Rummy Culture અને MPL પર ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર કુલ ટ્રાન્ઝેક્શનના 2 ટકા જેટલો ચાર્જ વસૂલવામાં આવશે. થર્ડ પાર્ટી વોલેટ જેવા કે Amazon Pay, Paytm કે Mobikwikમાં 5000 રૂપિયાથી વધુ રકમ લોડ કરવા પર 1 ટકા ચાર્જ ચૂકવવો પડશે. મનોરંજન ક્ષેત્રે પણ Book My Showની લોકપ્રિય ‘Buy One Get One’ ઓફર મેળવવા માટે હવે અગાઉના ક્વાર્ટરમાં ઓછામાં ઓછા 25000 રૂપિયાનો ખર્ચ કરવો અનિવાર્ય બનશે.
બેંકના સૌથી પ્રીમિયમ ગણાતા ‘એમરાલ્ડ’ (Emerald) કાર્ડધારકોને પણ આ ફેરફારની મોટી અસર થશે. હવે સરકારી સેવાઓ, ટેક્સ પેમેન્ટ, ભાડું અને ફ્યુલ જેવા વ્યવહારો પર કોઈ રિવોર્ડ પોઈન્ટ્સ મળશે નહીં. ડાયનેમિક કરન્સી કન્વર્ઝન (DCC) ચાર્જ પણ વધારીને 2% કરી દેવામાં આવ્યો છે. સાથે જ, એમરાલ્ડ મેટલ કાર્ડ પર નવા એડ-ઓન કાર્ડ મેળવવા માટે 3500 રૂપિયાનો વન-ટાઇમ ચાર્જ પણ લેવામાં આવશે.
રેલવે અને બસ બુકિંગ કરનારા યુઝર્સ માટે પણ માઠા સમાચાર છે. હવે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પર મળતા રિવોર્ડ પોઈન્ટ્સની માસિક મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે. એમરાલ્ડ અને સેફિરો જેવા કાર્ડ્સ માટે આ મર્યાદા 20000 રૂપિયા છે, જ્યારે કોરલ અને પ્લેટિનમ જેવા કાર્ડ્સ માટે માત્ર 10000 રૂપિયા સુધીના ખર્ચ પર જ રિવોર્ડ મળશે. આ ફેરફારથી વારંવાર પ્રવાસ કરતા ગ્રાહકોના ફાયદામાં મોટો ઘટાડો થશે.
ICICI બેંકના જણાવ્યા અનુસાર મોટા ભાગના સુધારેલા ચાર્જ 15 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે, જ્યારે રિવોર્ડ પોઈન્ટ્સની નવી લિમિટ અને અમુક સુવિધાઓ બંધ થવાની પ્રક્રિયા 1 ફેબ્રુઆરી 2026થી પ્રભાવી બનશે. ઇન્સ્ટન્ટ પ્લેટિનમ કાર્ડધારકો માટે મનોરંજનની સુવિધાઓ ફેબ્રુઆરીથી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. ગ્રાહકોએ હવે તેમના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા પહેલા આ નવા ખર્ચ અને મર્યાદાઓને ધ્યાનમાં રાખવી પડશે.
આપણ વાંચો: તરસ ન લાગે તો પણ પાણી પીવું કેમ જરૂરી છે? જાણો શરીર પર થતી ગંભીર અસરો…



