દિવ્યા ખોસલા કુમાર,
જ્યારે એક જ શુક્રવારે બે ફિલ્મ અને એ પણ મોટી ફિલ્મો અથડાય ત્યારે તકલીફ તો પડવાની જ. આ તકલીફ બોક્સ ઓફિસ કલેક્શન પર પડે તો સમજી શકાય છે, પરંતુ જો અથડાયેલી બે ફિલ્મોના પ્રોડ્યુસર્સ સોશિયલ મીડિયા પર ઝઘડી પડે ત્યાર ગામને જબરું જોણું થાય… ગયા શુક્રવારે કરણ જોહરની પ્રોડ્યુસ કરેલી ‘જીગરા’ રિલીઝ થઇ અને તેની સાથે સાથે ટી-સિરીઝની ‘વિકી વિદ્યા કા વો વાલા વિડિયો’ પણ રજૂ થઈ. ચાલો, ફિલ્મો તો એક સાથે આવે ને જાય, પણ ટી-સિરીઝના સર્વેસર્વા એવા ભૂષણ કુમારની પત્ની દિવ્યા ખોસલા કુમારે પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં સિટી મોલ -પીવીઆરના ‘જીગરા’ના એક શોનો ફોટો મૂક્યો, જેમાં બધી જ સીટો લગભગ ખાલી હતી ને લખ્યું કે આલિયામાં ખરેખર ‘જીગર’ છે ..આલિયાએ જ બધીજ ટિકિટો ખરીદી લીધીને જાહેર કર્યું કે કલેકશન સારુ છે, પણ જુઓ તો ખરા થિયેટર તો ખાલી છે!
દિવ્યાની આ સ્ટોરીના જવાબમાં જીગરાના પ્રોડ્યુસર કરણ જોહરે પોતાની પોસ્ટમાં કશુંક એવું લખ્યું જેનો મતલબ એ નીકળે છે કે, ‘મૂર્ખાઓને આપવાનો શ્રેષ્ઠ જવાબ મૌન છે ! .’ બાદમાં દિવ્યાએ સ્પષ્ટતા કરી કે એની એ સ્ટોરી એટલા માટે ન હતી કે બંને ફિલ્મ એક દિવસે રિલીઝ થઇ, પરંતુ એટલા માટે હતી કે આલિયા ભટ્ટે તેની ફિલ્મ ‘સાવી’ની સ્ટોરી કોપી કરીને ફિલ્મ બનાવી…!
ખેર, આ ઝઘડો તો ચાલુ રહેશે, પરંતુ પત્નીઓના ઝઘડામાં તેમના પતિઓ એટલેકે ભૂષણ કુમાર અને રણબીર કપૂરનો ખો નીકળી જવાનો છે. કારણ? રણબીરની એનિમલ’ની ઝળહળતી સફળતા પછી તેનો બીજો ભાગ બનવાનો છે ‘એનિમલ પાર્ક’ જેના પ્રોડ્યુસર ભૂષણ કુમાર જ છે…!
‘વો વાલા વિડિયો’ ખરેખર ચોરીવાળો નીકળ્યો!
જો ‘જીગરા’ને વિવાદનો સામનો કરવો પડી રહ્યો છે તો તેની સાથે જ રિલીઝ થયેલી ‘વિકી વિદ્યા કા વો વાલા વિડિયો’ પણ વિવાદથી પર નથી. ફિલ્મની રિલીઝ પહેલાં જ તેના પર સ્ટોરી ચોરવાનો આરોપ લાગી ગયો હતો , જેને ફિલ્મના ડિરેક્ટર રાજ શાંડિલ્યે નકાર્યો હતો, પરંતુ આ ફિલ્મના એક સીનમાં મેડોક ફિલ્મ્સની ‘સ્ત્રી’ ફિલ્મ સાથેની સરખામણી સામે આવી છે , જેને કારણે શાંડિલ્યએ જખ મારીને માફી માગવી
પડી છે !
આ સીનમાં રાજકુમાર રાવને એવું કહેતો જોવા મળે છે કે ‘ઓ સ્ત્રી પરસો આના!’ હવે આ સીધેસીધો રેફરન્સ મેડોક ફિલ્મ્સની સફળ ફ્રેન્ચાઇઝી ‘સ્ત્રી’ સાથે જોડાયેલો છે. હવે થયું એવું કે ફિલ્મ તો રિલીઝ થઇ ગઈ ત્યાર પછી એવું કંઈક બન્યું કે અચાનક રાજ શાંડિલ્યે મેડોક ‘ફિલ્મ્સ’ ની આ સંવાદ અને સીનનો ઉપયોગ કરવા માટે બિનશરતી માફી માગી લીધી ને સીન ડિલિટ કરવાની ખાતરી પણ આપી દીધી. તો શું મેડોક ‘ફિલ્મ્સે’ કાયદાકીય કાર્યવાહીની ચેતવણી ઉચ્ચાર્યા બાદ આવું પગલું લેવામાં આવ્યું કે પછી ડિરેક્ટર રાજ શાંડિલ્યને આપણા કવિ ‘કલાપી’ ની પેલી જાણીતી પંક્તિ : ‘હા ,પસ્તાવો વિપુલ ઝરણું…’ની યાદ કોઈએ અપાવી ?!
સ્ટેન્ડ અપ કોમેડી…
જાવેદ અખ્તરનો તીખો ટોણો
સ્ટેન્ડ અપ કોમેડી એ ભલેને વિદેશી વિચાર હોવાનું કહેવાય પણ આપણે ત્યાં ગુજરાતીમાં ડાયરાઓમાં વર્ષોથી પેટ દુ:ખાડી દે એવા જોક્સ વર્ષોથી કહેવાય છે તો હિન્દીમાં ટીવી પર વર્ષો પહેલાં શેખર સુમન ‘મુવર્સ એન્ડ શેકર્સ’ નામનો આવો સ્ટેન્ડ અપનો સફળતા શો કરી ચૂક્યો છે.
ખેર, આજકાલ જે કોમેડીના નામે અપશબ્દો પીરસાઈ રહ્યા છે તેના તરફ ઘણાને વાંધો છે. અપશબ્દોનીએ ભરમાર હોવાથી આવા ટીવી શો ઘરમાં મુક્ત મને કે પછી ઈયરફોન લગાડ્યા વગર આ સ્ટેન્ડ અપ કોમેડિયન્સને સાંભળી શકાતા નથી.
હાલમાં ત્રણ જાણીતા સ્ટેન્ડ અપ કોમેડિયનોએ મશહૂર શાયર જાવેદ અખ્તરનો ઇન્ટરવ્યૂ કર્યો એમાં એ વિશે એમને પૂછવામાં આવ્યું તો જાવેદસાહેબે એનો અર્થપૂર્ણ જબરદસ્ત જવાબ આપતાં કહ્યું કે, ‘દુનિયાના કોઇપણ ખૂણે પછી તે બિહાર હોય, ઓડિશા હોય કે મેક્સિકો હોય, ભોજન ફિક્કું હોય ત્યારે લોકો તેમાં સ્વાદ લાવવા સાઈડમાં ખાસ લીલું મરચું ખાતા હોય છે. એ જ રીતે જો તમારી કોમેડીમાં ફિસ્સી નહીં હોય – સ્વાદ હશે તો તમારે પણ અપશબ્દો બોલવાની જરૂર નહીં રહે!’
કટ એન્ડ ઓકે..
‘સલમાનભાઈએ એમના ફેન્સમાં પોતાનું સન્માન જાળવવા માટે લોરેન્સ બિશ્ર્નોઈને સામી અને એનાથી પણ મોટી ધમકી આપવી જોઈએ!’
- રામ ગોપાલ વર્મા