ઘરે બેઠાં જ તમે ખરીદેલું Gold શુદ્ધ છે કે નહીં એની ખરાઈ કેવી રીતે કરશો? આ રીતે તપાસો…

તહેવારો અને લગ્નસરાની સિઝન ચાલી રહી છે આવે સમયે સોનાની ખરીદી સૌથી વધી જાય છે. જોકે, જે રીતે સોનાની કિંમત આસમાનને આંબી રહી છે એ જોતાં સોનુ આમ આદમીની પહોંચની બહાર જઈ રહ્યું છે. હાલમાં 10 ગ્રામ એટલે કે એક તોલા સોનાની કિંમત સવા લાખ રૂપિયાની આસપાસ છે. આવી સ્થિતિમાં આપણે ખરીદેલું સોનું શુદ્ધ છે કે નહીં એ જાણવું ખૂબ જ મહત્ત્વનું છે. આજે અમે તમને અહીં કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું કે જેની મદદથી તમે ઓળખી શકશો કે તમે ખરીદેલું સોનું શુદ્ધ છે કે નહીં…
તમે ખરીદેલું સોનું અસલી છે કે નકલી એની પરખ કરવા માટે ભારતીય માનક બ્યુરો (BIS) દ્વારા નાગરિકોની સુવિધા માટે BIS Care App ડેવલપ કરી છે. આ એપની મદદથી તમે ઘરે બેઠાં જ સોનાની પ્યોરિટી અને બોલ માર્કિંગની ખરાઈ કરી શકો છો. જી હા, આ એપની મદદથી તમે ઘરે બેઠા જ સોનાની શુદ્ધતાને માપી શકો છો. બીઆઈએસ સર્ટિફાઈડ જ્વેલરી પર છ ડિજિટનો એક યુનિક HUID નંબર જોવા મળે છે. આ અલ્ફાન્યુમરિક કોડ જ્વેલરીની શુદ્ધતા અને પ્રમાણિક્તાને ખાતરી આપે છે.
કઈ રીતે એપ ડાઉનલોડ કરી શકો છો એની વાત કરીએ તો સૌથી પહેલાં તો તમારે ગૂગલ પ્લે સ્ટોર કે એપ્પલ એપ સ્ટોર પરથી BIS Care App ડાઉનલોડ કરવી પડશે. હવે એપમાં લોગ ઈન કરીને નામ, નંબર અને ઈમેલ આઈડી રજિસ્ટર કરો. આ પ્રક્રિયા ખૂબ જ સરળ અને સુરક્ષિત છે.
હવે એપમાં તમને વેરિફાઈડ HUIDનો ઓપ્શન જોવા મળશે. એના પર ક્લિક કરીને જ્વેલરી પર જોવા મળતો 6 ડિજિટનો HUID નંબર રજિસ્ટર કરો. ત્યાર બાદ સર્ચ કરશો એટલે તમારી જ્વેલરીની પૂરેપૂરી માહિતી તમારી સામે આવી જશે. જો તમારી જ્વેલરીની માહિતી સાચી છે તો તમે ખરીદેલું શુદ્ધ સોનું અને બીઆઈએસ સર્ટિફાઈડ છે. પરંતુ જો ઈન્ફોર્મેશન મેચ નથી થતી તો આ જ્વેલરી બનાવટી કે નકલી હોઈ શકે છે.
સોનું ખરીદતી વખતે બીઆઈએસનો લોગો, કેરેટમાં શુદ્ધતાનો માર્ક અને 6 અંકનો એચયુઆઈડી નંબર ચોક્કસ તપાસી લો. આ ત્રણેય ચિહ્નો અસલી સોનાને પારખવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. જો તમે પણ છેતરપિંડીથી બચવા માંગો છો કે તમને પણ ખરીદેલાં સોનાની શુદ્ધતા અંગે શંકા છે તો HUID નંબરને ડબલ ચેક કરો. આવું કરીને તમે બનાવટી સોનાથી બચીને સાચું અને સુરક્ષિત રોકાણ કરી શકશો.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે ચોક્કસ શેર કરો, જેથી તેઓ પણ બનાવટી સોનાથી છેતરાવવાથી બચે. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
આપણ વાંચો: મૃત્યુ પછીના ૧૩ દિવસ કેમ હોય છે પરિવાર માટે મહત્વના? ગરુડ પુરાણનું સત્ય જાણો



