Money management: તમે પૈસા માટે મહેનત કરો એના કરતા પૈસા તમારી માટે મહેનત કરે તો કેવું?

દિવસ-રાત એક કરીને, 10-12 કલાક કામ કરીને થાકી ગયેલા લાખો લોકો રાત્રે ઊંઘે તે પહેલા તેમને ભવિષ્યની ચિંતા સતાવે છે. શરીર ચાલે, કામ મળે ત્યાં સુધી તો કામ કરી કમાઈ લેશું, પણ કોઈ આકસ્મિક ખર્ચ આવશે તો, શરીર નહીં ચાલે ત્યારે આવા ઘણા વિચારો મોટાભાગના મધ્યમવર્ગીયોને આવતા રહે છે.
તો બીજી બાજુ નવા નવા કમાણી કરતા યુવાનો બેઠા બેઠા મોબાઈલમાં સ્ક્રોલિંગ કરે છે અને જોઈએ કે ન જોઈએ તો પણ એકાદ વસ્તુ ઓનલાઈન ઓર્ડર કરી દે છે. આવા યુવાનો માટે એક ચાર્ટડ એકાઉન્ટન્ટનો સોશિયલ મીડિયા મેસેજ વાયરલ થયો છે.
આ સીએનું નામ છે નીતિન કૌશિક. નીતિને યંગસ્ટરને લખ્યું છે કે મહિનામાં એકવાર એકાદી બ્રાન્ડેડ વસ્તુ ખરીદવાનું જો તમે ટાળો તો અમુક વર્ષો બાદ કરોડપતિ બની જશો. કૌશિકે ઝારા બ્રાન્ડના શર્ટનું ઉદાહરણ આપ્યું છે. તેણે લખ્યું છે કે એક બ્રાન્ડેડ વસ્તુને ખરીદવાની ઈચ્છાને બાજુએ મૂકી તમે રૂ. 5000ની એસઆઈપી કરો અને 30 વર્ષ બાદ મજાની લાઈફ જીવો.
પૈસા માટે તમે નહીં પૈસાને તમારી માટે મહેનત કરવા દો
સીએએ લખ્યું છે કે તમે દસ દસ કલાક કામ કરી પૈસા કમાવો છો. પૈસા માટે તમે પરસેવો પાડો છો, મહેનત કરો છો. તેના કરતા પૈસાને તમારી માટે વધારે મહેનત કરવા દો. માત્ર દર મહિને રૂ. 5000 બચાવશો તો 30 વર્ષ બાદ તમારી પાસે રૂ. પાંચ કરોડ જેવું ફંડ ભેગું થઈ જશે. સીએએ ખૂબ સરસ રીતે લખ્યું છે કે ઘણા કમાણી કરે છે, ગેજેટ્સ ખરીદે છે, મોંઘા કપડા ખરીદે છે, હોટેલોમાં જમે છે અને કહે છે કે અત્યારે જીવી લઈએ, પછી બચાવશું, પણ એ ‘પછી’ ક્યારેય નહીં આવે.
આજના 5000 આવતીકાલના કરોડ છે
સીએએ એમ પણ લખ્યું છે કે અત્યારે તમને થશે કે મહિને 5,000 બચાવીને હું કેટલા ભેગા કરીશ. પણ આ નાની રકમ લાંબા સમય બાદ ઘણી મોટી થશે, જો તમે યોગ્ય મ્યુચ્યુલ ફંડ્સમાં એસઆઈપી કરી હશે. આ માટે તમારો પગાર બહુ મોટો હોય કે તમે સારી નોકરી કરતા હોવ તે જરૂરી નથી. મહિનાની એક નાનકડી રકમ પણ તમને ભવિષ્યમાં આરામની જિંદગી આપી શકે છે.
તેણે પોતાના મેસેજના અંતમાં ખૂબ જ સરસ વાક્ય લખ્યું છે. “A few skipped swipes today = Crores tomorrow.”
થોડા સમય પહેલા જ એક અહેવાલ અનુસાર ભારતીયોની બચત ઘટી ગઈ છે, જેમાં મોંઘવારી સાથે ખોટા ખર્ચ પણ કારણભૂત છે. ત્યારે આ સીએની પોસ્ટ પણ યુવાનોની આંખો ખોલનારી અને તેમને રસ્તો બતાવનારી છે.
વિશેષ નોંધઃ મ્યુચ્યુઅલ ફંડ સહિતના રોકાણ કરતા પહેલા તમારે નિષ્ણાતની સલાહ અચૂક લેવી.
આ પણ વાંચો…આ છે દુનિયાનો સૌથી વધુ સેલેરી આપતો દેશ, પગારનો આંકડો સાંભળીને આંખો થઈ જશે પહોળી…