કોવિડ સમયમાં માસ્ક પહેરવાની આદત પડી હતી. આજે પણ ઘણા લોકો માને છે કે શરદી-ખાંસી જેવી સામાન્ય બીમારીથી દૂર રહેવા માસ્ક મદદરૂપ રહ્યું હતું. ભારતમાં પ્લેગ સહિત અનેક બીમારી વખતે માસ્ક પહેરીને અસંખ્ય જિંદગી બચાવવામાં આવી હતી. વાત એટલી જ છે કે આપણી પાસે એક પ્રકારના મેડિકલ માસ્ક નથી, પણ માણસ રોજેરોજ જાતજાતનાં માસ્ક પહેરીને ફરતો હોય છે. ક્યારેક મુખૌટા પહેરેલો માણસ આપણને ગમે છે અને ક્યારેલ મુખૌટા-મુખવટો પહેરેલી વ્યક્તિને ધિક્કારીએ છીએ. આવા ગમો- અણગમો વ્યક્ત કરવાનું એક જ કારણ છે કે આપણે પણ મુખવટો પહેરીને ફરીએ છીએ, જે રીતે બજારમાં ડિઝાઈનર માસ્ક મળવા લાગ્યા છે એ રીતે માણસ પણ જાતજાતના ડિઝાઇનર મુખવટા પહેરીને ફરે છે અને એ જ વ્યક્તિનો સ્વભાવ અને વર્તન સમય પ્રમાણે બદલાતાં જાય છે.
એક વ્યક્તિ ફેસબુકમાં સજ્જન વર્તણૂક કરતી હોય છે એ જ વ્યક્તિ વૉટ્સઍપ પર અલગ વાતો કરતી હોય છે. એને અંગત રીતે મળો તો આપણે એને સોશિયલ મીડિયામાં અનુભવ્યો હોય એનાં કરતાં બિલકુલ વિપરીત હોય છે. આ જ વ્યક્તિ અંગત મિત્રો સાથે અલગ હોય છે તો પરિવારજનો સાથે સારી કે નરસી હોય છે.
આ શું દર્શાવે છે? એ જ કે દરેક વ્યક્તિ જાતજાતના મુખૌટા લગાવીને ફરતી હોય છે. માણસ ઑફિસમાં સ્ટાફ પર ગુસ્સો થાય છે અને થોડીવારમાં નોર્મલ બની જતો હોય છે એ એક જાતનો મુખૌટો છે. કોઈની હૉસ્પિટલમાં ખબર કાઢતી વેળા અલગ વર્તન કરીને દર્દીને પ્રોત્સાહિત કરતો હોય છે અને એ જ વ્યક્તિ જિંદગીમાં ઉત્સાહ પામવા પુસ્તકથી માંડીને ડૉક્ટર સુધી ચક્કર મારતો હોય છે. એનો અર્થ એ થાય કે જાતજાતના મુખવટો પહેરેલી વ્યક્તિ ખરાબ હોતી નથી. વ્યવહારમાં રહેવા મુખવટા પહેરવા પડતાં હોય છે અને જો એ ના પહેરે તો લોકોની નજરમાંથી ઊતરી જાય છે. માણસ અકારણ જાહેરમાં ખુશ હોવાનો દેખાડો કરે છે એ પણ એક જાતનો મુખવટો જ છે.
માણસ અકારણ જાહેરમાં ખુશ હોવાનો દેખાડો કરે છે એ પણ મુખૌટો જ છે. માણસ માનસિક રીતે થાક્યો હોય છે છતાં ખુશ રહેવા પ્રયાસ કરવો એ ય એક પ્રકારનો મુખવટો જ છે. વ્યક્તિ સુંદર દેખાવા અથવા યુવાન દેખાવા જે પ્રયાસ કરે છે એ પણ એણે પહેરેલો મુખૌટો જ છે. માનસિક રીતે થાક્યો હોવા છતાં ખુશ રહેવા પ્રયાસ કરવો એ ય મુખૌટો જ છે.
આપણી આસપાસ એવા લોકો જોવા મળે છે કે એમને કોઈ વિચારધારા ગમતી નથી, છતાં વખાણ કરતાં ફરે છે જેને આપણે દંભ કહીએ છીએ, પણ એના અસ્તિત્વ માટે આવો મુખૌટો પહેરાવવો જરૂરી છે. સરવાળે પેલા ગીત જેવું છે કે ‘એક ચહેરે પે કઈ ચેહેરે લગા લેતે હે લોગ…’
વિશ્ર્વભરમાં એક સંશોધન થયું છે કે માસ્ક પહેરેલી અને માસ્ક વગરની સ્ત્રીના ચહેરામાં માસ્ક સાથેનો ચહેરો વધુ આકર્ષિત લાગ્યો છે, કારણ કે લોકોને મુખૌટા પાછળ જે છુપાયેલું છે એ જાણવામાં વધારે રસ હોય છે. બીજા શબ્દોમાં લોકોને જે નથી એ જાણવામાં વધારે રસ હોય છે. મુખવટો પહેરવો દંભ છે તો સિક્કાની બીજી બાજુ જરૂરિયાત પણ છે. ભારતીય પરંપરામાં મુખૌટાનો વ્યાપક સ્વીકાર કરવામાં આવ્યો છે.
મુખૌટા એટલે કે મહોરાંનું અનેરું મહત્ત્વ છે. ભારતીય પરંપરામાં મુખૌટાની જરૂરિયાત હકારાત્મક દર્શાવી છે. આપણી પરંપરામાં ભગવાન નરસિંહનો મુખવટો આગવી ઓળખ ધરાવે છે. મંદિર પરંપરા મુજબ ભગવાન નરસિંહના મહોરાને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. એમનાં કેટલાંક મંદિરોમાં એમનાં મહોરાને નિશ્ર્ચિત સમયે શાસ્ત્રોક્ત વિધિ સાથે કાઢવામાં આવે છે. નરસિંહ ભગવાનના મહોરાને કાઢવાની ખાસ વિધિ-વિધાન સૂચવવા સાથે બાકી સમયમાં વિશેષ બોક્સમાં રાખવામાં આવે છે.
ભાગવત કથા આધારિત નરસિંહ ચરિત્ર ભજવતી વેળા હિરણ્યકશિપુ રાક્ષસનો વધ કરવા માટેની કથા ભજવવા નરસિંહ ભગવાનના મહોરાંને કાઢવામાં આવે છે. નરસિંહનો મુખવટો એમના અવતાર મુજબ વિકરાળ હોય છે. ઓરિસ્સામાં આ માટે ખાસ પ્રથા છે. ભગવાનનું મુખૌટું વિશાળ કલરફૂલ હોય છે, જેની સાઈઝ અંદાજે ચાર ફૂટ જેટલી હોય છે. ભગવાન નરસિંહનો અભિનય કરતાં પહેલાં તેની પૂજા થાય છે, ખાસ વાત તો એ છે કે કલાકાર તૈયાર થઈ જાય, મેકઅપ ઈત્યાદિ પછી સૌથી અંતે મહોરું પહેરતો હોય છે. કહે છે કે ભગવાન નરસિંહનો અભિનય કરતો કલાકાર મુખૌટાના પ્રભાવ થકી આવેશમાં આવીને હોશ ગુમાવી દેતો હોય છે અને મૂર્છિત અવસ્થામાં જ મહોરું ઉતારીને પાછું મૂકવામાં આવતું હોય છે.
તમિળનાડુમાં પ્રહલાદ નાટક ભજવવામાં આવે છે, જેમાં હિરણ્યકશિપુ પણ એટલો જ વિકરાળ હોય છે, જે કથામાં વિલન ભયાનક હોય એ કથામાં નાયક એના કરતાં વધુ વિકરાળ દર્શાવવો જરૂરી હોય છે. આપણી સનાતન કથા મુજબ ભગવાન નરસિંહ હિરણ્યકશિપુને મળેલા વરદાન મુજબ થાંભલામાંથી પ્રગટ થાય છે અને યુદ્ધ વખતે ભગવાન એને પકડીને પેટ ચીરી નાખે છે જે દર્શકોને સતત અનુભૂતિ કરાવે છે કે ભગવાન જે રીતે પ્રહલાદ સાથે છે એ જ રીતે સદા અમારી સાથે હોય છે.
આપણે મહદ્અંશે ફિલ્મોમાં જંગલમાં આદિવાસી સમાજના મુખૌટા જોયા છે. મોટે ભાગે વાંસ, ઘાસ કે કુદરતી ઘટકોના ઉપયોગથી મુખવટા બનાવેલા જોયા છે. શ્રીલંકામાં મુખૌટાનો ખાસ ઉપયોગ છે, શ્રીલંકામાં અલગ અલગ બીમારીઓના ઇલાજ તરીકે જાતજાતના મુખૌટા પહેરવામાં આવે છે.
ટૂંકમાં મુખૌટા ઊર્ફે મુખવટો અર્થાત્ માસ્ક બડે કામ કી ચીજ હૈ!
ધ એન્ડ :
તમે કંઇ પણ કરી શકો છો, પણ બધું જ કરી શક્તા નથી.
(ડેવિડ એલન)