ઘરમાં સ્વિચ બોર્ડ પર કાળા પડી ગયા છે? આ ઘરેલુ નુસખા ડાઘ દૂર કરીને આપશે ચમક..

Switch board cleaning tips: જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. સાફ-સુથરા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. પરંતુ ઘરને સુંદર અને વ્યવસ્થિત રાખવા માટે તેની નિયમિત સફાઈ ખૂબ જરૂરી છે. આપણે ઘરમાંથી કચરો તો કાઢીએ છીએ, પરંતુ ઘરના પંખા, સ્વિચ બોર્ડ જેવી વસ્તુઓની સફાઈ કરતા નથી. તેથી લાંબાગાળે સ્વિચ બોર્ડ કાળા પડી જાય છે. જે બહુ ખરાબ લાગે છે. પરંતુ આજે અમે તમને એવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારા કાળા પડી ગયેલા સ્વિચ બોર્ડ ચમકી ઉઠશે.
ટુથ પેસ્ટ, શેવિંગ ક્રીમથી ચમકશે સ્વિચ બોર્ડ
સફેદ ટૂથપેસ્ટ સ્વિચ બોર્ડના જીદ્દી ડાઘ દૂર કરવા માટેનો રામબાણ ઉપાય છે. આ ઉપાય અજમાવવા માટે એક જૂના ટૂથબ્રશ પર થોડી પેસ્ટ લો અને સ્વિચના ખૂણાઓ પર હળવા હાથે ઘસો. ત્યારબાદ સહેજ ભીના કપડાથી લૂછીને તરત જ સ્વિચ બોર્ડને સુકા કપડાથી કોરું કરી નાખો. સ્વિચ બોર્ડ પરથી ડાઘ દૂર થઈ જશે. આ ઉપરાંત ફોમવાળી શેવિંગ ક્રીમ પણ સ્વિચ બોર્ડની સફાઈમાં મદદરૂપ સાબિત થશે.
ફોમવાળી શેવિંગ ક્રીમ માત્ર દાઢી બનાવવા માટે જ નહીં, પરંતુ સ્વિચ બોર્ડની સફાઈ માટે પણ ઉપયોગી છે. થોડી શેવિંગ ક્રીમને સ્વિચ બોર્ડ પર લગાવીને 2-3 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ તેને સુકા કપડાથી લૂછી લો. તમારું સ્વિચ બોર્ડ પહેલાની જેમ ચમકી ઉઠશે.

રબર પણ દૂર કરશે કાળા ડાઘ
જો સ્વિચ બોર્ડ પરના ડાઘ બહુ જૂના ન હોય અને બહુ આછા કાળા ડાઘ હોય તો તમે પેન્સિલ વડે લખાયેલું લખાણ ભૂંસવા માટે વપરાતા રબરનો ઉપયોગ કરો. સ્વિચ પર રબર ઘસવાથી કાળા ડાઘના નિશાન સરળતાથી નીકળી જશે. જો સ્વિચ બોર્ડ પર શાહીના ડાઘ કે કોઈ ચીકણા નિશાન હોય, તો રૂનું પૂમડું ભીનું કરો અને તેના
પર થોડું નેઈલ પોલિશ રિમૂવર લો. તેમાંથી લિક્વિડ ન ટપકે તેનું ધ્યાન રાખો. હવે આ રૂના પૂમડાં વડે સ્વિચ બોર્ડ સાફ કરો. ડાઘ તરત ગાયબ થઈ જશે. તેનાથી ઘસવાથી ડાઘ તરત ગાયબ થઈ જશે.
વિનેગાર પણ ડાઘ દૂર કરવાનો કારગર ઉપાય
ઉપરોક્ત ઉપાયો સિવાય પણ સ્વિચ બોર્ડ સાફ કરવાના કેટલાક અસરકારક ઉપાયો છે. કપડા પર થોડું કેરોસીન લઈને સ્વિચ બોર્ડ ઘસવાથી તેના પર જામેલો કાળો થર ગણતરીની મિનિટોમાં સાફ થઈ જાય છે. રસોડામાં વપરાતું વિનેગાર પણ સ્વિચ બોર્ડ સાફ કરવા માટે ઉપયોગી છે. એક વાટકીમાં સરખા ભાગે વિનેગાર અને પાણી મિક્સ કરો.
ત્યારબાદ કપડાંનો એક છોડો વિનેગાર અને પાણીના મિશ્રણમાં બોળો અને તેના વડે સ્વિચ બોર્ડ સાફ કરો. વિનેગાર બેક્ટેરિયા દૂર કરશે અને સ્વિચ બોર્ડની ચમક પાછી લાવવામાં મદદ કરશે. આ ઉપરાંત હૂંફાળું ગરમ પાણી લો અને તેમાં વાસણ સાફ કરવાનું લિક્વિડ ભેળવો. ત્યારબાદ એક કપડાંને સાધારણ ભીનું કરો. આનાથી સ્વિચ બોર્ડ લૂછવાથી ધૂળ અને મેલ તરત સાફ થઈ જશે.
ઉલ્લેખનીય છે કે, સ્વિચ બોર્ડની સફાઈ શરૂ કરતા પહેલા તમારે ઘરની મેઈન સ્વિચ બંધ કરી દેવી પડશે. સફાઈ કરતી વખતે પગમાં રબરના ચંપલ પહેરવાના રહેશે. આ ઉપરાંત પાણી કે અન્ય પ્રવાહી સ્વિચ બોર્ડની અંદર ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. સફાઈ પૂરી થઈ ગયા પછી તમે મેઈન સ્વિચ ચાલું કરી શકો છો.



