શિયાળામાં હાથમાંથી ચામડી નીકળવા લાગે છે? તો આ ઉપાયો કરો

શિયાળો આવતાની સાથે જ લોકોને ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓ શરૂ થઇ જાય છે. ચામડી ફાટી જવી, સ્કીન શુષ્ક થઇ જવી, હોઠ ફાટીને લોહી નીકળવું જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકો શુષ્ક ત્વચાની સમસ્યાથી પરેશાન થઇ જાય છે. ઠંડીના દિવસોમાં, ઘણા લોકોના હાથના ઉપરના ભાગની ચામડી છોલાવા લાગે છે. આ સમસ્યા મોટાભાગે શુષ્ક ત્વચાવાળા લોકોને થાય છે. આ કારણે હાથ એકદમ બિહામણા અને ખરબચડા દેખાય છે. જો તમે પણ શિયાળામાં હાથની ત્વચા છોલાવાની સમસ્યાથી પરેશાન છો તો તેનાથી છુટકારો મેળવવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાય અજમાવી શકો છો. આવો, તેના વિશે વિગતવાર જાણીએ –
નાળિયેર તેલ
નારિયેળના તેલમાં મોઇશ્ચરાઇઝિંગ ગુણ હોય છે, જે ત્વચામાં ભેજને બંધ કરવામાં મદદ કરે છે. નારિયેળ તેલનો નિયમિત ઉપયોગ કરવાથી ત્વચા કોમળ બને છે. આ ઉપરાંત ત્વચાની શુષ્કતાની સમસ્યા પણ દૂર થાય છે. આ માટે એક ચમચી નારિયેળ તેલને હળવા ગરમ કરો અને એનાથી તમારા હાથ પર મસાજ કરો. દિવસમાં 2 થી 3 વાર આમ કરવાથી હાથની ત્વચા છોલાવાની સમસ્યા દૂર થશે.
એલોવેરા જેલ
એલોવેરા જેલ હાથની ડ્રાય અને ફ્લેકી સ્કિનથી છુટકારો મેળવવામાં પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એલોવેરામાં મોઇશ્ચરાઇઝિંગ ગુણધર્મો છે, જે ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. આ સિવાય તે મૃત ત્વચાને દૂર કરવામાં પણ મદદ કરે છે અને શુષ્ક ત્વચાથી છુટકારો અપાવે છે. આ માટે તમારા હાથ પર તાજી એલોવેરા જેલ લગાવો અને થોડીવાર મસાજ કરો. ત્યાર બાદ પાણીથી હાથ ધોઈ લો. દિવસમાં 2-3 વખત આમ કરવાથી ત્વચા છોલાવાની સમસ્યામાં ફાદો થાય છે.
આ પણ વાંચો : હાડકાં અને ચામડીનો રક્ષક જળ બ્રાહ્મી
એરંડાનું તેલ
જો તમે શિયાળામાં ડ્રાય અને ફ્લેકી સ્કિનની સમસ્યાથી પરેશાન છો, તો તમે એરંડાના તેલનો ઉપયોગ કરી શકો છો. તે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે. આ ઉપરાંત, તે મૃત ત્વચાને દૂર કરવામાં પણ મદદ કરે છે. આ માટે એરંડાના તેલના થોડા ટીપા લો અને તેને તમારા હાથ પર લગાવો અને લગભગ 15 મિનિટ સુધી મસાજ કરો. તમે તેને તમારા હાથ પર લગાવી રાતભર રાખી પણ શકો છો. રોજ આમ કરવાથી તમારા હાથ એકદમ કોમળ દેખાશે.
મધ
હાથની ત્વચા છાલવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે મધનો ઉપયોગ કરી શકો છો. તે મૃત ત્વચાને દૂર કરવામાં મદદ કરે છે અને ત્વચાની શુષ્કતા દૂર કરી શકે છે. આના માટે તમારા હાથ પર એક ચમચી મધ લગાવો અને થોડી વાર રહેવા દો. ત્યાર બાદ તેને પાણીથી સાફ કરી લો. તેનાથી તમારા હાથની શુષ્કતા દૂર થશે.
રોક સોલ્ટ
હાથની ત્વચા છોલાવાની સમસ્યામાં રોક સોલ્ટ ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે. આ માટે એક ડોલમાં નવશેકું પાણી લો. આ પાણીમાં અડધો કપ રોક સોલ્ટ ઉમેરો. હવે આ પાણીમાં તમારા હાથને 10 થી 15 મિનિટ સુધી ડૂબાવો. ત્યાર બાદ હાથને બહાર કાઢીને તેલથી સારી રીતે લૂછી લો અને પછી હાથ પર વેસેલિન અથવા મોઈશ્ચરાઈઝર લગાવો. અઠવાડિયામાં 2 થી 3 વાર આમ કરવાથી હાથની ત્વચા છોલાવાની સમસ્યા દૂર થઈ જશે.