ટાઇફોઇડથી બચવા માટે શું કરવું? જાણો અસરકારક ઘરેલુ ઉપચાર

Home remedies for typhoid: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ વધી ગયા છે. ટાઇફોઇડથી પીડિત લગભગ 100 જેટલા બાળકને સિવિલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ટાઇફોઇડના વધતા કેસને લઈને સરકાર એક્શનમાં આવી છે. સરકારે 22 જેટલા નિષ્ણાત તબીબોની ટીમ બનાવી છે. પરંતુ તબીબી ઇલાજની સાથોસાથ કેટલાક ઘરેલુ ઉપાયોથી પણ ટાઇફોઇટના દર્દીઓને રાહત મળી શકે છે.
આપણ વાચો: અમદાવાદમાં રોગચાળો વકર્યો, ઝાડા-ઊલ્ટી અને ટાઇફોઇડના સંખ્યાબંધ કેસોમાં વધારો
ટાઇફોઇડથી રાહત મેળવવાના ઘરેલુ ઉપાયો
ટાઇફોઇડ એ ‘સાલ્મોનેલા ટાઇફી’ નામના બેક્ટેરિયાથી ફેલાતો પાણીજન્ય રોગ છે, જે મુખ્યત્વે ગંદા પાણી અને દૂષિત ખોરાક દ્વારા ફેલાય છે. ટાઇફોઇડના દર્દીને આંતરડામાં ચાંદા પડે છે.
જેનાથી પાચનતંત્ર પર સીધી અસર પડે છે અને કબજિયાત જેવી અસર પણ થાય છે. સતત ઊંચો તાવ રહેવો અને ઠંડી લાગવી, ભૂખ ઓછી લાગવી, ઉલટી અને માથાનો દુખાવો, શરીરમાં નબળાઈ અને પરસેવો થવો, શરદી, ખાંસી અને ગળામાં ઘરઘરાટી થવી એ ટાઇફોઇડના લક્ષણો છે.
ટાઇફોઇડથી રાહત મેળવવાના ઘરેલુ ઉપાયોની વાત કરીએ તો આદુ, તુલસી, ધાણા અને મરીને પાણીમાં ઉકાળીને પીવાથી શરદી-ઉધરસમાં રાહત મળે છે. લસણ કુદરતી એન્ટી-બાયોટિક છે.
લસણની 5-7 કળીને ઘી કે તલના તેલમાં તળી, સિંધવ મીઠું નાખીને ખાવાથી તાવ ઉતરે છે. જો તમને લસણ ન ગમતું હોય તો દિવસમાં બે વાર આદુ અને ફુદીનાના પાનનું પાણી પીવું જોઈએ. આ પાણી પીવાથી પણ તાવમાં ઘટાડો થાય છે.
પાચનતંત્રને વ્યવસ્થિત કરવા માટે પાકેલા કેળામાં મધ ભેળવીને ખાવું જોઈએ. આ ઉપાય પાચન સુધારે છે અને કબજિયાતથી રાહત આપે છે. આ સિવાય દર્દીને તુલસી, લીમડાનો રસ, પીપર અને સૂંઠનો ઉકાળો પીવડાવવો જોઈએ. આ ઉકાળો ટાઇફોઇની સાથોસાથ ડેન્ગ્યુ અને મેલેરિયાના દર્દીઓ માટે પણ અત્યંત ગુણકારી છે.
ટાઇફોઇડના દર્દીએ શું કરવું?
ઘરેલુ ઉપચારો ઉપરાંત દર્દીએ ખાન-પાનમાં પણ કેટલીક પરેજી પાળવી જોઈએ. જેમ કે દર્દીએ માત્ર મગની દાળની ખીચડી કે રાંધેલા ભાત જેવો સુપાચ્ય ખોરાક જ લેવો જોઈએ. જમતા પહેલા હાથ સાબુથી ધોવાની આદત રાખવી જોઈએ. પાણી હંમેશા ઉકાળીને પીવું જોઈએ. જેથી ડીહાઇડ્રેશન અને બેક્ટેરિયાથી બચી શકાય. દર્દીને અલગ અને સ્વચ્છ રૂમમાં રાખવો જોઈએ.
ટાઇફોઇડના દર્દીએ શું ન કરવું
બહારની પાણીપૂરી કે ખુલ્લામાં રાખેલો ખોરાક ન ખાવો. વાસી ખોરાક, ઠંડી ચટણી અને સલાડ ખાવાનું ટાળવું જોઈએ. માખીઓ બેસતી હોય તેવો અસ્વચ્છ ખોરાક પણ ક્યારેય ન લેવો. ઘરેલુ ઉપચારોની સાથોસાથ નિષ્ણાત ડૉક્ટરની પણ સલાહ લેવી જોઈએ. કારણ કે ટાઇફોઇડમાં બેદરકારી રાખવાથી રોગ ફરી ઊથલો મારી શકે છે.



