ચોખામાંથી ધનેડા ભગાડવા છે? ગૃહિણીઓ ઘરે કરજો આ દેશી ઉપાય, જીવાતોનો થશે સફાયો…

Rice Cleaning Tips: સમગ્ર ભારતમાં ચોખા અને કઠોળનો વપરાશ ખૂબ જ વધારે છે, તેથી ઘણા ઘરોમાં તેનો સંગ્રહ મોટા પ્રમાણમાં થતો હોય છે. જોકે, લાંબા સમય સુધી સંગ્રહ કરવાથી તેમાં ધનેડા પડવાની સમસ્યા સામાન્ય છે. જંતુનાશકોનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી, અહીં કેટલાક અસરકારક અને સુરક્ષિત ઘરેલુ ઉપાયો છે, જે તમારા ચોખા અને કઠોળને જંતુમુક્ત રાખવામાં મદદ કરશે.
રસોડામાં છૂપાયો છે ધનેડા ભગાડવાનો ઉપાય
ચોખામાંથી જોવા મળતી ધનેડા જેવી જીવાતોને ભગાડવી ખૂબ જરૂરી છે. નહીંતર ચોખા રાંધતી વખતે તેને સાફ કરવાની મહેનત વધી જાય છે. આ સાથે ચોખાની ગુણવત્તા પણ ઘટી જાય છે. તેથી અમે ચોખામાં જોવા મળતી ધનેડા જેવી જીવાતો ભગાડવાના અસરકારક દેશી નુસખા લઈને આવ્યા છીએ. જેમાંનો પહેલો નુસખો તમારા ઘરના રસોડામાં છૂપાયેલો છે. આ નુસખો લવિંગ અને તમાલપત્રનો છે.
લવિંગની તીવ્ર ગંધ ધનેડાને સ્હેજપણ ગમતી નથી. તમાલપત્ર પણ આવી જ તીવ્ર ગંધ ધરાવે છે. તેથી ચોખા મૂકવાની કોઠીમાં 8 થી 10 આખા લવિંગ અથવા થોડાક તમાલપત્રના પાન ચોખાની ઉપર અને વચ્ચે અલગ-અલગ જગ્યાએ પણ મૂકવા જોઈએ. આ ઉપાયથી ચોખામાંથી બધા જીવાતો દૂર થઈ જશે.
ચોખાની સફાઈમાં સૂર્યપ્રકાશ પણ કરશે મદદ
લવિંગ અને તમાલપત્રની જેમ તમે લસળની કળી પણ ચોખાની કોઠીમાં મૂકી શકો છો. કારણ કે લસણની તીવ્ર ગંધ પણ જીવાતોને દૂર રાખવામાં મદદરૂપ થાય છે. જોકે, જ્યારે લસણની કળી સૂકાઈ જાય, ત્યારે તેને બદલી નાખવી જોઈએ. આ સિવાય લીમડાના પાનને ચોખામાંથી જીવાતોને ભગાડવા માટે ખૂબ અસરકારક માનવામાં આવે છે.
સૂકા લીમડાની ડાળીઓ અને સૂકા પાંદડાને ભેગા કરીને એક પોટલી બનાવો અથવા ખુલ્લા પાંદડાને ચોખાની કોઠીમાં મૂકો. આ ઉપાયથી જીવાતો દૂર રહેશે અને ચોખા સુરક્ષિત રહેશે.
જો તમે કોઠીમાં સંગ્રહેલા ચોખામાં ધનેડાનું પ્રમાણ ઓછું છે, તો એક બીજો અસરકારક ઉપાય પણ તમે કરી શકો છો. ચોખાને એક મોટી, સ્વચ્છ ચાદર અથવા પ્લેટ પર પાતળા સ્તરમાં ફેલાવી દો અને તેને 3 થી 4 કલાક માટે તેજસ્વી સૂર્યપ્રકાશમાં રાખો. સૂર્યપ્રકાશની ગરમી અને તીવ્રતા જંતુઓને ચોખા છોડવા માટે મજબૂર કરશે. આનાથી ભેજ પણ ઓછો થશે, જે જંતુઓના પ્રજનનને અટકાવે છે.