દિવાળીની ઉજવણીનો ભાગ બની ગયેલા ફટાકડાની શોધ ક્યાં થઈ હતી? 99 ટકા લોકો નથી જાણતા આ વાત…

Diwali Fireworks History: દિવાળી એ ભારતમાં ઉજવાતા મુખ્ય અને મહત્ત્વના તહેવારો પૈકીનો એક તહેવાર છે. રામાયણ જેવા પૌરાણિક ગ્રંથો અનુસાર, 14 વર્ષનો વનવાસ પૂરો કરીને ભગવાન રામ જ્યારે અયોધ્યા આવ્યા. ત્યારે આયોધ્યાવાસીઓએ સમગ્ર નગરમાં દીવડાઓ પ્રગટાવીને ભગવાન રામનું સ્વાગત કર્યું હતું.
આ દિવસ એટલે આસો મહિનાની અમાસ. ત્યારથી આ દિવસને દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. જોકે, દીવડાઓ પ્રગટાવવાથી શરૂ થયેલી દિવાળીની ઉજવણીમાં હવે ફટાકડાનો ઉમેરો થયો છે. આકાશમાં ઊચે જઈને ફૂટતા ફટાકડા અંધારી રાતે તારલાઓની ગરજ સારે છે. પરંતુ શું તમે જાણો છો, આ ફટાકડા કઈ 100-200 વર્ષ જૂના નથી. તેનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે.

ફટાકડાનો 2000 વર્ષ જૂનો ઇતિહાસ
વિશ્વમાં સૌપ્રથમ ફટાકડાની શરૂઆત ચીનમાં થઈ હતી. લગભગ 2000 વર્ષ પહેલાં, ચીની લોકો વાંસની ડાળીઓને આગમાં નાખતા હતા. આ ડાળીઓ ફાટતી અને મોટો અવાજ કરતી હતી. આને ફટાકડાનું આદિમ સ્વરૂપ માનવામાં આવે છે. આશરે 600 થી 900 એડી વચ્ચે ચીની લોકોએ અમૃતની શોધ કરતાં કરતાં સલ્ફર, કોલસો અને નાઈટ્રેટની શોધ કરી નાખી હતી. આ ત્રણેય તત્વોને ભેગા કરીને આગ લગાવતા વિસ્ફોટ થયો હતો. આ રીતે ચીનમાં ગનપાઉડર(દારૂગોળો) બનાવવાની રીત શોધી કાઢવામાં આવી હતી.
ઐતિહાસિક માહિતી મુજબ, ચીનના હુનાન પ્રાંતના લી ટિયાન સૌપ્રથમ વ્યક્તિ હતા, જેમણે વાંસની લાકડીઓમાં ગનપાઉડર ભરીને વાસ્તવિક ફટાકડા બનાવ્યા ગતા. લી ટિયાનને આજે પણ ચીનમાં ફટાકડાના શોધક ગણવામાં આવે છે. તેમની યાદમાં દર વર્ષે ‘ફાયરવર્કસ ફેસ્ટિવલ’ પણ ઉજવાય છે. ગનપાઉડરના આગમન પછી, આ ફટાકડા 13મી સદી સુધીમાં ચીનથી યુરોપ અને આરબ દેશોમાં ફેલાઈ ગયા. શરૂઆતમાં સૈનિકો તેનો ઉપયોગ યુદ્ધમાં કરતા, પરંતુ પછીથી તે તહેવારો અને ઉજવણીનો ભાગ બની ગયા.
ભારતમાં ફટાકડા કેવી રીતે આવ્યા
ભારતમાં ફટાકડાનો ઇતિહાસ પણ ખૂબ જૂનો છે. ભારતમાં ગનપાઉડર આધારિત ફટાકડાનો ઉપયોગ 15મી સદીની આસપાસ શરૂ થયો હોવાનું માનવામાં આવે છે. બાબરના સમયમાં ભારતમાં દારૂગોળાનો ઉપયોગ હથિયારો બનાવવામાં થતો હતો. તે સમયના જૂના ચિત્રોમાં પણ ફટાકડાના પુરાવા જોવા મળે છે.
1518માં ગુજરાતમાં એક બ્રાહ્મણ ફટાકડાનો ઉપયોગ કરતો હતો, અને 1633માં એક શાહજહાંના દીકરા દારા શિકોહના લગ્નના ચિત્રમાં પણ ફટાકડાનો ઉપયોગ થતો હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આમ, ફટાકડાની વાર્તા એક સરળ વાંસની ડાળીથી શરૂ થઈને આજે આધુનિક ઉજવણીનું અનિવાર્ય અંગ બની ગઈ છે.
આ પણ વાંચો…ફટાકડાનો તણખો આંખમાં જાય તો ભૂલથી પણ ન કરશો આ કામ, નહીંતર આવશે અંધાપો…