જાસુદના છોડ પર ફૂલો નથી ખીલતા? આ ઘરેલું ખાતરનો ઉપયોગ કરો, 15 દિવસમાં દેખાશે અસર…

Hibiscus flower Gardening tips: દેવી-દેવતાઓની પૂજામાં અચૂકપણે ફૂલોનો ઉપયોગ થાય છે. દેવી-દેવતાઓ માટે હાર બનાવવા ફૂલોનો ઉપયોગ થાય છે. ઘણા લોકો પોતાના ઘરના આંગણે ફૂલો ઉગાડતા હોય છે. પરંતુ આ ફૂલોના છોડની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. નહીંતર છોડ પર વધારે માત્રામાં ફૂલો ખિલતા નથી.
જાસુદનો છોડ ઉગાડનારા ઘણા લોકો આ સમસ્યાનો સામનો કરતા હોય છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. અમે તમારી માટે કેટલીક જરૂરી ઘરેલુ ગાર્ડનિંગ ટિપ્સ લઈને આવ્યા છીએ.

ઘરે બની જશે ઓર્ગેનિક ખાતર
જો તમે ઈચ્છો છો કે, આગામી નવરાત્રિ સુધી તમારો જાસુદનો છોડ ફૂલોથી ભરાઈ જાય તો આ એક ઉપાય અજમાવી શકો છો. આ ઉપાય કરવા માટે 2 ચમચી ફ્રેશ ચાપત્તી, 8થી 10 સૂકા કેળાની છાલ અને 3થી 4 ડુંગળીની છાલ લેવાની રહેશે.
સૌપ્રથમ કેળાની છાલ અને ડુંગળીની છાલને તડકામાં સારી રીતે સૂકવી દો. જ્યારે બંને છાલ સારી રીતે સૂકાઈ જાય ત્યારે તેને ચાપત્તી સાથે એક મિક્સરમાં નાખીને પીસી લો અને પાવડર તૈયાર કરો.
આ પાવડરને તમે જાસુદના છોડમાં નાખો. દર 15 દિવસે તમે આ પાવડરનો ઉપયોગ કરી શકો છો. આ પાવડરનો ઉપયોગ કર્યા પછી તમે છોડમાં થોડું પાણી નાખી શખો છો. જેથી પાવડર માટીમાં સારી રીતે ભળી જાય. આ સિવાય જો તમે ઈચ્છો તો કેળા અને ડુંગળીની છાલ તથા ચાપત્તીનો ઉપયોગ કરીને લિક્વિડ ફર્ટિલાઈઝર પણ બનાવી શકો છો.
લિક્વિડ ફર્ટિલાઈઝર બનાવવા માટે અગાઉ જણાવેલી સામગ્રીને પાણીમાં ઉકાળી લો. આ મિશ્રણ ઠંડુ પડ્યા બાદ એક વાસણમાં કાઢી લો. આ પ્રવાહી મિશ્રણને તમે માટીમાં નાખી શકો છો અથવા છોડના પાંદડા પર છંટકાવ કરી શકો છો. બંને ઉપાયો જાસુદના છોડ માટે ફાયદાકારક છે.

ચાપત્તી નાઈટ્રોજનથી ભરપૂર હોય છે. જે છોડની વૃદ્ધિ કરવા માટે બહુ જરૂરી છે. કેળાની છાલમાં પોટેશિયમ હાજર હોય છે. પોટેશિયમ પણ ફૂલો અને ફળો માટે જરૂરી છે. ડુંગળીની છાલમાં પોટેશિયમ, કેલ્શિયમ અને આયર્ન એમ ત્રણે તત્વો મળી આવે છે. જે છોડને સ્વસ્થ રાખે છે. આમ, કેળાની છાલ, ડુંગળીની છાલ અને ચા પત્તીનું તૈયાર કરેલું ખાતર જાસુદના ફૂલ માટે ફાયદાકારક રહેશે. જેથી તમારો છોડ ફૂલોથી હર્યોભર્યો રહેશે.
આ પણ વાંચો…નાણાકીય તંગી દૂર કરશે પારિજાતના ફૂલોનો આ ઉપાય, ઘરમાં વધારશે સુખ-સમૃદ્ધિ…