શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારતા હેલ્ધી લાડુ: જાણો તેને ખાવાની સાચી રીત અને સાવચેતીઓ

માનવ શરીરનું તાપમાન દરેક ઋતુમાં અંદાજે 37 ડિગ્રી સેલ્સિયસની આસપાસ સ્થિર રહે છે. જ્યારે શિયાળામાં બહારનું તાપમાન ઘટીને 5 કે 10 ડિગ્રીએ પહોંચે છે, ત્યારે શરીરને અંદરથી ગરમ રાખવા માટે વધુ ઉર્જાની જરૂર પડે છે. જો આ સમયે યોગ્ય આહાર ન લેવામાં આવે તો સ્વાસ્થ્ય બગડી શકે છે. આ જ કારણ છે કે આપણી સંસ્કૃતિમાં શિયાળામાં તલ, મેથી, ગુંદર અને અળસી જેવા પૌષ્ટિક લાડુ ખાવાનું ચલણ છે. આ લાડુ માત્ર સ્વાદિષ્ટ નથી, પણ એક શક્તિવર્ધક ઔષધિ સમાન છે.
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, આ લાડુને આહારનો ભાગ બનાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું અનિવાર્ય છે. દિવસ દરમિયાન માત્ર એક નાનો લાડુ પૂરતો છે, તેનાથી વધુ સેવન ભારે પડી શકે છે. લાડુ ખાવાનો શ્રેષ્ઠ સમય સવારનો નાસ્તો અથવા બપોર સુધીનો છે, કારણ કે રાત્રે તે પચવામાં ભારે પડે છે. જો લાડુ ખાવાથી ગેસ, એસિડિટી કે પેટ ફૂલવાની સમસ્યા થતી હોય, તો તેનું સેવન ટાળવું જોઈએ. ખાસ કરીને નબળું પાચનતંત્ર ધરાવતા લોકો, બાળકો અને વૃદ્ધોએ આ બાબતે સાવચેતી રાખવી જોઈએ.
આ પણ વાંચો : શું શિયાળામાં નાળિયેર પાણી પીવું જોઈએ? 90 ટકા લોકો કરે છે આવી ભૂલ
તલ અને મેથીના લાડુના ફાયદા
તલના લાડુ કેલ્શિયમથી ભરપૂર હોય છે, જે હાડકાં મજબૂત કરવા સાથે લિવર અને ઈમ્યુનિટી માટે પણ સારા છે. જોકે, જેમને લો બ્લડ પ્રેશર હોય તેમણે તલનું સેવન ઓછું કરવું જોઈએ. બીજી તરફ, મેથીના લાડુ બ્લડ શુગર કંટ્રોલ કરવા અને લોહી શુદ્ધ કરવા માટે જાણીતા છે. મેથીની તાસીર ગરમ હોવાથી વધુ પડતા સેવનથી એસિડિટી થઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ ડોક્ટરની સલાહ બાદ જ નાના કદના મેથીના લાડુ લેવા જોઈએ.

અળસી, ડ્રાય ફ્રૂટ્સ અને ગુંદરના લાડુની ખાસિયત
અળસી ઓમેગા-૩ ફેટી એસિડનો શ્રેષ્ઠ સ્ત્રોત છે, જે હૃદય માટે વરદાન સમાન છે, પરંતુ કિડનીના દર્દીઓએ તેમાં રહેલા ફોસ્ફરસને કારણે સાવચેત રહેવું જોઈએ. ડ્રાય ફ્રૂટ્સના લાડુ અત્યંત શક્તિશાળી છે, પણ વધુ કૅલરી હોવાથી વજન વધારી શકે છે. ગુંદરના લાડુ ખાસ કરીને સાંધાના દુખાવા અને પ્રસૂતિ બાદ મહિલાઓ માટે ઉત્તમ છે, પરંતુ તેની ગરમ તાસીરને કારણે મોઢામાં ચાંદા પડવાની શક્યતા રહે છે, તેથી માપસર સેવન જરૂરી છે.

આ પણ વાંચો : તિરુપતિ લાડુમાં ચરબી ભેળવનારાઓ સામે સીબીઆઇની કાર્યવાહી, કરી ધરપકડ
ઘણીવાર આપણે લાડુમાં પુષ્કળ ઘી અને ખાંડ ઉમેરીને તેને બિનઆરોગ્યપ્રદ બનાવી દઈએ છીએ. ખાંડ કે ગોળના બદલે ખજૂર, કિસમિસ કે અંજીરની પેસ્ટનો ઉપયોગ કરીને કુદરતી મીઠાશ લાવી શકાય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સુરક્ષિત છે. બજારના માવા કે ખોયામાં ભેળસેળ હોઈ શકે છે, તેથી ઘરે શુદ્ધ સામગ્રીથી લાડુ બનાવવા વધુ હિતાવહ છે. યાદ રાખો કે આ લાડુ માત્ર નાસ્તો નથી, પણ શિયાળા સામે રક્ષણ આપતી ‘દવા’ છે, તેથી તેને દવા સમજીને જ મર્યાદિત પ્રમાણમાં ખાવ.



