શું તમે પણ વિટામિન Dની સપ્લીમેન્ટ્સ લો છો તો ચેતી જજો, વધુ પડતુ સેવન બની શકે છે જીવલેણ | મુંબઈ સમાચાર
હેલ્થ

શું તમે પણ વિટામિન Dની સપ્લીમેન્ટ્સ લો છો તો ચેતી જજો, વધુ પડતુ સેવન બની શકે છે જીવલેણ

આપણા શરીરના હાડકાને મજબૂત કરવા રોગપ્રતિકારક શક્તિ વધારવા તેમજ આરોગ્ય માટે વિટામિન D મહત્વનુ ગણવામાં આવે છે. આપણા શરીરને વિટામિન D સૂર્યપ્રકાશથી મળી રહે છે. જોકે, આજકાલ ઘણા લોકો વિટામિન Dની ઉણપ પૂરી કરવા સપ્લીમેન્ટ્સ લે છે. પરંતુ શું તમે જાણો છો કે વિટામિન Dનું વધુ પડતું સેવન જીવલેણ બની શકે છે? 2024માં બ્રિટનમાં એક 89 વર્ષીય વૃદ્ધનું મૃત્યુ વિટામિન Dના ઓવરડોઝને કારણે થયુ હતુ, ઓવરડોઝને કારણે તેમનું હૃદય અને કિડની ફેલ થયા હતા.

વિટામિન Dનું ઓવરડોઝથી મૃત્યુ!

મીડિયા અહેવાલો પ્રમાણે બ્રિટનમાં થયેલી એક દુઃખદ ઘટનામાં 89 વર્ષના એક વૃદ્ધનું મૃત્યુ વિટામિન Dના વધુ પડતા સેવનને કારણે થયુ હતુ. ડોક્ટર્સના જણાવ્યા મુજબ, તેણે વિટામિન Dના સપ્લીમેન્ટ્સનું ઓવરડોઝ લીધુ હતુ, જેના પરિણામે તેનુ હૃદય અને કિડની બંને ફેલ થઈ ગયા હતા. આ ઘટનાએ વિટામિન Dના સેવનમાં સાવધાની રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. હેલ્થ એક્સપર્ટ્સ ચેતવણી આપે છે કે વધુ પડતુ વિટામિન D શરીર માટે ઝેર સમાન બની શકે છે, જે ગંભીર આરોગ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

આ પણ વાંચો: વજન ઘટાડવા માટેનો પરફેક્ટ બ્રેકફાસ્ટ: આ 5 નાસ્તા છે બેસ્ટ!

વિટામિન Dની યોગ્ય માત્રા શું છે?

હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, 19થી 70 વર્ષની ઉંમરના લોકોએ દરરોજ 15 માઇક્રોગ્રામ (mcg) અને 70 વર્ષથી વધુ ઉંમરના લોકોએ 20 mcg વિટામિન Dની સપ્લીમેન્ટ્સ લેવી જોઈએ. એક પુખ્ત વ્યક્તિ મહત્તમ 100 mcg વિટામિન D દરરોજ લઈ શકે છે. જો આનાથી વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો તે શરીર માટે હાનિકારક બની શકે છે. જે લોકો આરોગ્ય સ્થિતિ પહેલાથી જ નાજુક હોય, તેવા લોકો માટે 100 mcg પણ ખતરનાક હોઈ શકે છે.

વધુ વિટામિન Dની અસરો

વિટામિન Dની વધુ પડતી માત્રા (ટોક્સિસિટી)થી લોહીમાં કેલ્શિયમનું સ્તર અસામાન્ય રીતે વધી જાય છે, જેને હાઈપરકેલ્સેમિયા કહેવાય છે. તેના શરૂઆતી લક્ષણોમાં ઉલટી, ઉબકા, કબજિયાત, પેટમાં દુખાવો અને ભૂખ ઓછી થવી જેવી સમસ્યાઓ જોવા મળે છે. જો આ સ્થિતિ ગંભીર બને તો વ્યક્તિ બેભાન થઈ શકે છે, કિડની સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે, હાડકાંમાં દુખાવો, સ્નાયુઓમાં નબળાઈ અને હૃદયના ધબકારા સંબંધિત સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. આવી સ્થિતિ હાર્ટ અટેક જેવી જીવલેણ પરિસ્થિતિ તરફ દોરી શકે છે.

આ પણ વાંચો: બિલાડી, ઉંદર, વાંદરો જેવા પ્રાણી કરડે તો શું કરવું? જાણો તાત્કાલિક ઉપચાર અને સાવચેતીના પગલાં…

સૌથી વધુ અસર કયા અંગો પર?

વિટામિન Dનું વધુ પડતું સેવન સૌથી પહેલાં કિડનીને અસર કરે છે. એક હેલ્થ ઈન્સ્ટિટ્યૂટ પ્રમાણે કિડનીમાં પથરી, કેલ્શિયમનો જમાવ (નેફ્રોકેલ્સિનોસિસ) અને અચાનક કિડની ફેલ થવાની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત, હૃદય પર પણ તેની ગંભીર અસર પડે છે, જે હાર્ટ અટેકનું જોખમ વધારે છે. તેથી, વિટામિન Dનું સેવન હંમેશાં ડોક્ટરની સલાહ મુજબ અને યોગ્ય માત્રામાં કરવું જોઈએ. જે લોકોને તેની ઉણપનું જોખમ હોય, તેમણે નિયમિત બ્લડ ટેસ્ટ કરાવીને તેનું સ્તર તપાસવું જોઈએ.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button