શું માત્ર 48 કલાકમાં કોલેસ્ટ્રોલ ઘટાડવું શક્ય છે? જાણો શું કહે છે નવું સંશોધન!

આજના સમયમાં હૃદયની બીમારીઓ માત્ર વૃદ્ધો પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ યુવાનોમાં પણ તેનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. બગડતી લાઈફસ્ટાઈલ, જંક ફૂડનું સેવન અને શારીરિક શ્રમનો અભાવ આપણા સ્વાસ્થ્ય પર માઠી અસર કરી રહ્યા છે. તેના પરિણામે મેદસ્વીતા, ફેટી લિવર અને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. ખાસ કરીને ભારતીયોમાં ‘બેડ કોલેસ્ટ્રોલ’ (LDL) નું પ્રમાણ વધુ જોવા મળે છે, જે હાર્ટ અટેકનું મુખ્ય કારણ બને છે. જોકે, એક લેટેસ્ટ સ્ટડી મુજબ, આપણા રસોડામાં રહેલા ઓટ્સ માત્ર બે દિવસમાં જ આ ગંભીર સમસ્યામાં મોટી રાહત આપી શકે છે.
એક રિપોર્ટમાં 32 લોકો પર કરેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે જો 48 કલાક સુધી ખાસ પદ્ધતિથી ઓટમીલ (જઈનું દલિયું) ખાવામાં આવે, તો ખરાબ કોલેસ્ટ્રોલમાં સીધો 10 ટકાનો ઘટાડો થઈ શકે છે. રિસર્ચમાં જે લોકોને ‘મેટાબોલિક સિન્ડ્રોમ’ (વધારે વજન, હાઈ બીપી અને શુગર) હતું, તેમને બે દિવસ સુધી દિવસમાં ત્રણ વાર માત્ર પાણીમાં ઉકાળેલા ઓટ્સ આપવામાં આવ્યા હતા. પરિણામ સ્વરૂપ માત્ર કોલેસ્ટ્રોલ જ નહીં, પણ સરેરાશ 2 કિલો જેટલું વજન પણ ઘટ્યું હતું અને બ્લડ પ્રેશરમાં સુધારો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : શિયાળાની ઋતુમાં બજારમાં જોવા મળતી આ લાલચટાક વસ્તુ છે વજન ઘટાડવામાં છે મદદરૂપ, જાણી લેશો તો…
સંશોધન મુજબ, જ્યારે આપણે ઓટ્સ ખાઈએ છીએ ત્યારે તે આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયામાં વધારો કરે છે. આ બેક્ટેરિયા ઓટ્સને પચાવીને એવા વિશિષ્ટ તત્વો બનાવે છે જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઘટાડવામાં મદદ કરે છે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એ ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ છે. સૌથી મહત્વની વાત એ છે કે, થોડી માત્રામાં રોજ ઓટ્સ ખાવા કરતા, ટૂંકા ગાળામાં વધુ માત્રામાં ઓટ્સ ખાવાથી કોલેસ્ટ્રોલ પર વધુ ઝડપી અને અસરકારક પ્રભાવ પડે છે.
નિષ્ણાતોનું સૂચન છે કે જો વ્યક્તિ દર 6 અઠવાડિયે એકવાર બે દિવસ માટે આ ‘ઓટમીલ ડાયટ’ અપનાવે, તો તે લાંબા ગાળે હૃદયરોગ અને ડાયાબિટીસથી બચી શકે છે. આ ડાયટ દરમિયાન ઓટ્સમાં માત્ર થોડા ફળ કે શાકભાજી ઉમેરી શકાય છે, પરંતુ ખાંડ કે તેલનો ઉપયોગ ટાળવો જોઈએ. જોકે, આ પદ્ધતિ દવાઓનો વિકલ્પ નથી, પરંતુ કુદરતી રીતે સ્વસ્થ રહેવાનો એક ઉત્તમ માર્ગ છે. જીવનશૈલીમાં નાના ફેરફારો કરીને હૃદયને મજબૂત રાખવું હવે ઘણું સરળ બની શકે છે.
આ પણ વાંચો : સ્ટ્રોક એલર્ટ: સવારે ઉઠતાંની સાથે જ દેખાય છે આ લક્ષણો? FAST ટેસ્ટથી કરો ઓળખ…
ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને રિસર્ચ પર આધારિત છે. કોઈપણ નવો ડાયટ પ્લાન શરૂ કરતા પહેલા અથવા સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યા હોય તો તમારા ફેમિલી ડોક્ટર કે નિષ્ણાત ડાયેટિશિયનની સલાહ અવશ્ય લેવી.



