
માથાનો ખોડો એક એવી સમસ્યા છે, જે નાનાથી લઈ મોટા લોકો સુધી તમામ હેરાન કરે છે. ખાસ કરીને શિયાળાના સમયમાં. ખોડો એટલે કે માથાની ચામડીની શુષ્કતા એક સામાન્ય પણ સતત પરેશાન કરનારી સમસ્યા છે. ભલે તે નાની લાગતી હોય, પરંતુ જો સમયસર ધ્યાન ન આપવામાં આવે તો તે વધી શકે છે. ડેન્ડ્રફના કારણે માથાની ચામડી પર સફેદ રંગની પોપડી જામી જાય છે, જે ખભા પર ખરતી રહે છે, ખંજવાળ અને બળતરા પેદા કરે છે, જેનાથી વાળનું સ્વાસ્થ્ય બગડે છે.
આ સમસ્યાના ઉપાય માટે બજારમાં અનેક કેમિકલ-યુક્ત પ્રોડક્ટ્સ અને શેમ્પૂ ઉપલબ્ધ છે જે આ સમસ્યા દૂર કરવાનો દાવો કરે છે, પરંતુ સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકો કુદરતી અને ઘરેલુ ઉપચારો દ્વારા ડેન્ડ્રફને ધીમે ધીમે નિયંત્રણમાં લાવી શકે છે.
કેમિકલ-મુક્ત વિકલ્પો શોધતા લોકો માટે, રસોડામાં અને ઘરમાં ઉપલબ્ધ કેટલીક વસ્તુઓ ડૅન્ડ્રફ સામે લડવામાં ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. આ ઉપાયો સ્કૅલ્પના pH સ્તરને સંતુલિત કરે છે, ફંગલ ગ્રોથને અટકાવે છે અને જરૂરી હાઇડ્રેશન પૂરું પાડે છે. નિયમિત અને સાવચેતીપૂર્વક ઉપયોગ કરવાથી લાંબા ગાળે ડૅન્ડ્રફની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.
ટી ટ્રી ઓઇલ અને નાળિયેર તેલથી દૂર થશે ડેન્ડ્રફ
ડેન્ડ્રફનું એક મોટું કારણ માથાની ચામડી પરની ફંગલ ગ્રોથ છે. આ પરિસ્થિતિમાં ટી ટ્રી ઓઇલ તેના શક્તિશાળી એન્ટી-ફંગલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મોને કારણે ઝડપથી કામ કરે છે. તેને સીધું માથા પર ન લગાવવું જોઈએ. તેના બદલે, 2-3 ટીપા નાળિયેર તેલ (Coconut Oil) અથવા ઓલિવ ઓઇલ જેવા કેરિયર ઓઇલમાં ભેળવીને સ્કૅલ્પ પર લગાવો. તેને 20-30 મિનિટ રાખીને હળવા શેમ્પૂથી ધોઈ લો. આ ઉપાય ખંજવાળ શાંત કરે છે અને પોપડીઓ (Flakes) ઘટાડે છે. આ ઉપાયને અઠવાડિયામાં 2-3 વખત ઉપયોગ કરવાથી ફરક જોવા મળે છે, પરંતુ વધુ પડતો ઉપયોગ ન કરવો, નહીં તો સ્કૅલ્પ સુકી થઈ જશે.

લીંબુનો રસ અને દહીંનો માસ્ક
માથાની ચામડીનું pH અસંતુલન પણ ડૅન્ડ્રફને વધારે છે. લીંબુના રસમાં રહેલું સાઇટ્રિક એસિડ pHને સંતુલિત કરે છે અને ફંગસની પ્રવૃત્તિને નિયંત્રિત કરે છે. એક ચમચી લીંબુનો રસ નાળિયેર તેલ અથવા ગુલાબજળ સાથે મિક્સ કરીને 10-15 મિનિટ માટે સ્કૅલ્પ પર લગાવો અને પછી માઈલ્ડ શેમ્પૂથી ધોઈ લો. જો માથામાં કોઈ ઘા કે ઇજા હોય તો લીંબુનો ઉપયોગ ટાળવો. આ ઉપરાંત, દહીંમાં રહેલા કુદરતી પ્રોબાયોટિક્સ સ્કૅલ્પના માઇક્રોબાયોમને સંતુલિત કરે છે. 2-3 ચમચી દહીં માથા પર 20 મિનિટ લગાવીને ઠંડા પાણીથી ધોઈ નાખો. આ માસ્ક સુકાપણું, બળતરા અને ફંગલ ફ્લેક્સને ઘટાડવામાં મદદ કરે છે અને વાળના ગ્રોથને સુધારે છે.

નાળિયેર તેલ અને તેના ફાયદા
ડૅન્ડ્રફ માત્ર ફંગસને કારણે જ નહીં, પણ સ્કૅલ્પની ડ્રાયનેશને કારણે પણ થાય છે. નાળિયેર તેલ એક કુદરતી મોઇશ્ચરાઇઝર છે, જે સ્કૅલ્પને હાઇડ્રેટેડ રાખીને પોપડીઓ ઘટાડે છે. તેમાં રહેલા ફેટી એસિડ્સ સોજો ઘટાડે છે અને બાહ્ય નુકસાન સામે રક્ષણ આપે છે. રાત્રે માથામાં નાળિયેર તેલથી માલિશ કરો અને સવારે હળવા શેમ્પૂથી ધોઈ લો. અઠવાડિયામાં 2-3 વાર આ ઉપાય કરવાથી માથાની ચામડી સ્વસ્થ દેખાવા લાગે છે, ખાસ કરીને જે લોકો શેમ્પૂ પછી સ્કૅલ્પ ડ્રાય અનુભવે છે તેમના માટે આ ખૂબ ફાયદાકારક છે.
આપણ વાંચો: ગુજરાતની બહાર પણ છે હજાર વર્ષ જૂનું ‘સોમનાથ’! જાણી લેજો ખાસિયત બનશે આગામી પ્રવાસનું આકર્ષણ!



