હૃદય, ડાયાબિટીસ અને શ્વાસના દર્દીઓ સાવધાન! કોલ્ડ વેવમાં રાખજો આટલું ધ્યાન

Precautions during cold wave: દેશમાં શિયાળો પૂરજોશમાં ચાલી રહ્યો છે. કડકડતી અને હાડ ગાળતી ઠંડી પડી રહી છે. એવામાં હવામાન વિભાગે કોલ્ડ વેવની આગાહી કરી છે. આવા સંજોગોમાં હૃદયરોગ, ડાયાબિટીસ, કિડની અને શ્વાસની તકલીફ ધરાવતા લોકોએ સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી જરૂરી બની જાય છે. કોલ્ડ વેવ દરમિયાન કઈ બાબતની કાળજી રાખવી જોઈએ, આવો જાણીએ.
વધારે પાણી પીતા રહેવું જોઈએ
કોલ્ડ વેવ ગંભીર બીમારીઓ ધરાવતા દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ ગંભીર બીમારીઓમાં હૃદયરોગ, ડાયાબિટીસ, કિડની અને શ્વાસની તકલીફ ધરાવતા લોકોનો સમાવેશ થાય છે. કાર્ડિયોલોજિસ્ટો જણાવે છે કે, ઠંડીને કારણે શરીરની નસો સંકોચાય છે, જેના પરિણામે બ્લડ પ્રેશર અચાનક વધી શકે છે. આવા લોકોમાં છાતી જકડાવી, શ્વાસ લેવામાં તકલીફ થવી, વધુ પડતો થાક લાગવો કે પગમાં સોજા આવવા જેવા લક્ષણો જોવા મળે છે. આવા લક્ષણો ધરાવતા લોકોએ અથાણું, પાપડ અને પ્રોસેસ્ડ ફૂડ ન ખાવું જોઈએ. ઠંડીમાં તરસ ઓછી લાગે છે, પણ ઓછું પાણી પીવાથી લોહી જાડું થાય છે, જે હૃદય પર દબાણ વધારે છે. તેથી પૂરતું પાણી પીતા રહેવું.
ઠંડી હવા વાયુમાર્ગને સાંકડો કરે છે, જે અસ્થમા અને COPDના દર્દીઓ માટે મુશ્કેલી ઉભી કરે છે. તેથી બહાર નીકળતી વખતે નાક અને મોઢું ઢાંકી રાખવું જોઈએ. આ સમસ્યાથી રક્ષણ મેળવવા માટે સૂપ અને ગરમ ચા જેવા પ્રવાહીનું સેવન કરવું જોઈએ. જો ઉધરસ કે કફ થાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
ફિઝિકલ એક્ટિવિટી બંધ ન કરવી
વધારે ઠંડીના કારણે ઘણા લોકો મોર્નિંગ વોક પર જવાનું અને ગાર્ડનમાં કસરત કરવાનું ટાળે છે. પરંતુ આવું ન કરવું જોઈએ. ફિઝિકલ એક્ટિવિટી બંધ ન કરવી જોઈએ, પરંતુ તેનો સમય બદલવો જરૂરી છે. વહેલી સવારે ઠંડીમાં ચાલવાને બદલે સૂર્યપ્રકાશ હોય ત્યારે બપોરના સમયે હળવું ચાલવું વધુ સુરક્ષિત છે. વધુ ઠંડી હોય તો ઘરની અંદર જ યોગ અથવા સ્ટ્રેચિંગ જેવી ઇન્ડોર એક્ટિવિટી કરવી જોઈએ. બ્લડ પ્રેશર કે અન્ય કોઈ પણ નિયમિત દવાઓ ક્યારેય પણ બંધ કરવી જોઈએ નહીં.
વૃદ્ધો અને બાળકોનું ખાસ ધ્યાન રાખવું
શિયાળામાં નાના બાળકો અને ઓછું વજન ધરાવતા બાળકોને જલ્દી ઠંડી લાગે છે. તેમના માથા, કાન અને છાતીને ગરમ કપડાંથી ઢાંકી રાખવા જોઈએ. પ્રદૂષણ અને ઠંડીનું મિશ્રણ વૃદ્ધો માટે જોખમી છે. જો તેઓ સુસ્ત જણાય તો તરત તેઓને ડૉક્ટર પાસે લઈ જવા જોઈએ અને જરૂરી ચેકઅપ કરાવવું જોઈએ.
કોલ્ડ વેવથી બચવા માટે બહુસ્તરીય ગરમ કપડાં પહેરવા જોઈએ. વહેલી સવારે ચાલવા જવાનું ટાળવું જોઈએ. નિયમિત બ્લડ સુગર અને BP ચેક કરાવતા રહેવું જોઈએ. વધારે પડતું મીઠું કે તળેલું ન ખાવું જોઈએ. ગરમ અને તાજો ખોરાક ખાવો જોઈએ. જો કોઈ દવા લેતા હોવ, તો દવા લેવામાં બેદરકારી ન રાખવી જોઈએ.
આપણ વાંચો: ઠંડીમાં બહાર જવાનું ટાળો છો? હાર્ટને સ્વસ્થ રાખવા ઘરે જ કરો આ 15 મિનિટની કસરત



