મધનો ઉપયોગ કરતી વખતે 99% લોકો કરે છે આ ભૂલ, ફાયદાને બદલે થઈ શકે છે નુકસાન!

આયુર્વેદમાં મધને ઔષધનું સ્થાન મળેલું છે. ચા હોય, મીઠાઈ હોય કે ઘરેલું ઉપચાર, મધ દરેક ઘરની રસોઈમાં મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ શું આ મીઠી વસ્તુ ગરમ કરવાથી નુકસાનકારક બની શકે? તાજેતરમાં નિષ્ણાંતે મધન ગરમ કરવાથી તેમાં થતા રાસાયણિક ફેરફારો વિષે જણાવ્યું હતું. જે શરીર માટે ઝેરી બની શકે છે.
નિષ્ણાંતો આ મામલે જણાવે છે કે મધને 60°C (140°F)થી વધુ તાપમાને ગરમ કરવાથી ‘5-હાઈડ્રોક્સીમેથાઈલફર્ફ્યુરલ (HMF)’ નામનું ઝેરી તત્વ બને છે. આયુર્વેદના ચરક સંહિતા ગ્રંથમાં પણ ગરમ મધને ‘આમ’ (અપચાયેલું અવશેષ) ગણાવ્યું છે, જે શરીરમાં ઝેર જેવું વર્તે છે. ઊંચા તાપમાને ગરમ કરવાથી મધના ઉપયોગી એન્ઝાઈમ્સ, એન્ટીઓક્સિડન્ટ્સ અને બાયોએક્ટિવ તત્વો નષ્ટ થાય છે. જ્યારે આ જ મધને નરમ ગરમ (40°Cથી નીચે) કરવામાં આવે તો તે સલામત રહે છે.
આ પણ વાંચો : ‘દરરોજ એક સફરજનનું સેવન ડૉક્ટરને દૂર રાખે છે’: આ વાતમાં સત્ય અને તથ્ય કેટલું?
મધ ઝેરી બનાવતા અન્ય પરિબળો
ગરમ કરવા ઉપરાંત, કાચું મધ પણ ઘણા જોખમો ધરાવે છે. ડોક્ટરના મતે કાચા મધમાં એન્ઝાઈમ્સ, એન્ટીઓક્સિડન્ટ્સ અને પરાગ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ તેમાં ક્લોસ્ટ્રિડિયમ બોટ્યુલિનમ નામના બેક્ટેરિયા હોઈ શકે છે, જે એક વર્ષથી નાના બાળકો માટે જોખમી બને છે. ઉપરાંત, પરાગની એલર્જી ધરાવતા લોકોને રિએક્શન આવી શકે છે. મધ પર્યાવરણમાંથી હેવી મેટલ્સ અને પેસ્ટીસાઈડ્સ શોષી શકે છે, જેનાથી દૂષણનું જોખમ વધે છે. પ્રોસેસ્ડ મધમાં આ જોખમો ઓછા હોય છે, પરંતુ તેના ઘણા પોષક તત્વો નષ્ટ થઈ જાય છે.
આ પણ વાંચો : હલકા-ફુલકા મસાલા પાપડથી ડાયાબિટિસ થાય? જાણો આ નવા સંશોધન વિશે
મધનો સલામત ઉપયોગ કેવી રીતે કરવો?
મધના ફાયદા જાળવવા માટે તેને યોગ્ય રીતે વાપરવું જરૂરી છે. ચા, કોફી કે ગરમ પાણીમાં મધ ઉમેરતા પહેલા તેને થોડું ઠંડું થવા દો. દહીં, સ્મૂધી, કે સલાડ ડ્રેસિંગમાં મધનો ઉપયોગ ગરમી વિના કરી શકાય છે. સૌથી સલામત રીત છે કાચું મધ ખાવું – દહીં, ઓટમીલ, ટોસ્ટ કે ફળો પર તેને રેડીને ઉપયોગ કરો, જેથી તેના એન્ઝાઈમ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ જળવાઈ રહે.
મધને ખાંડનો આરોગ્યપ્રદ વિકલ્પ માનવામાં આવે છે, પરંતુ વધુ પડતું સેવન પણ નુકસાનકારક છે. વધુ મધ ખાવાથી વજન વધવું, બ્લડ શુગરમાં વધારો અને દાંતની સમસ્યાઓ થઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ મધનું સેવન સાવધાનીથી કરવું જોઈએ. ફ્રુક્ટોઝની વધુ માત્રા IBS કે ફ્રુક્ટોઝ મેલએબ્સોર્પ્શન ધરાવતા લોકોમાં પેટનું ફૂલવું, ગેસ કે ક્રેમ્પ્સ જેવી સમસ્યાઓ ઉભી કરી શકે છે.
ડિસ્ક્લેમર: આ આર્ટિકલ સાર્વજનિક માહિતી અને નિષ્ણાતોના મંતવ્યો પર આધારિત છે. કોઈપણ નવી દિનચર્યા શરૂ કરતા પહેલા તમારા આરોગ્ય નિષ્ણાતની સલાહ લો.



