રાત્રે કેટલા વાગ્યા પહેલા જમી લેવું જોઈએ? જાણો ડિનર કરવાનો શ્રેષ્ઠ સમય

Early Dinner Benefits: આજના સમયમાં લોકોની વ્યસ્ત લાઈફસ્ટાઈલ જીવતા થઈ ગયા છે. વ્યસ્ત લાઈફસ્ટાઈલના કારણે લોકોનો જમવાનો સમય પણ એકસરખો રહેતો નથી. ઘણા લોકો મોડી રાત્રે જમવા બેસતા હોય છે. જેનાથી શરીર પર આડઅસર થાય છે. ત્યારે આવો જાણીએ, રાત્રે કેટલા વાગ્યા પહેલા જમી લેવાથી શરીરને ફાયદો થાય છે.
રાત્રિભોજન માટેનો આદર્શ સમય કયો?
આયુર્વેદ અને આધુનિક આરોગ્ય નિષ્ણાતો બંનેના મતે, રાત્રે વહેલા ભોજન કરવું (Early Dinner) તમારા સ્વાસ્થ્ય માટે ચાવીરૂપ બની શકે છે. રાત્રે મોડું ખાવાની આદત ફક્ત આંતરડાના સ્વાસ્થ્યને જ નહીં, પરંતુ એકંદર સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર કરી શકે છે. જો તમે થોડા અઠવાડિયામાં સકારાત્મક પરિણામો જોવા માંગતા હો, તો દરરોજ એક નિશ્ચિત અને યોગ્ય સમયે જમવાનું શરૂ કરવું જરૂરી છે.
આ પણ વાંચો : શું તમે જાણો છો આપણા શરીરને કેટલા પ્રમાણમાં ડ્રાયફ્રૂટ્સની જરૂર હોય છે?
આરોગ્ય નિષ્ણાતો અને આયુર્વેદ અનુસાર, જો તમારે સારું સ્વાસ્થ્ય જાળવવું હોય તો તમારે સાંજે 6 થી 8 વાગ્યાની વચ્ચે રાત્રિભોજન કરી લેવું જોઈએ. સાંજે 7 વાગ્યાનો સમય રાત્રિભોજન માટે આદર્શ માનવામાં આવે છે. જો તમે રાત્રે 8 વાગ્યા પછી અથવા મોડી રાત્રે ભોજન કરતા હોવ, તો આ આદતને વહેલી તકે સુધારવાની જરૂર છે.
મોડી રાત્રે જમવાથી થતું નુકસાન
સાંજે 7 વાગ્યા સુધીમાં રાત્રિભોજન કરવાથી ઘણા શારીરિક ફાયદા થાય છે. તે આંતરડાના સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે અને ગેસ, એસિડિટી અને અપચો જેવી પેટની સમસ્યાઓ અટકાવવામાં મદદ કરે છે. જો તમે વજન ઘટાડવાના પ્રયાસ કરી રહ્યા હોવ, તો વહેલું ડિનર કરવું તમારા માટે લાભદાયી રહેશે. કારણ કે વહેલા ડિનર કરવાથી તમારું મેટાબોલિઝમ મજબૂત બનશે. સમયસર રાત્રિભોજન લેવાથી તમારી ઊંઘની ગુણવત્તામાં પણ નોંધપાત્ર સુધારો થઈ શકે છે.
આ પણ વાંચો : હળદરનું પાણી કે હળદરવાળું દૂધ: સ્વાસ્થ્ય માટે કયું પીણું છે વધુ શક્તિશાળી?
રાત્રે મોડું ખાવાથી કેટલાક જોખમો ઊભા થઈ શકે છે, જેનાથી બચવું જરૂરી છે. એસિડ રિફ્લક્સ, હાર્ટબર્ન (છાતીમાં બળતરા) અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓ થઈ શકે છે. મોડું ખાવાથી વજન વધવાની અને સ્થૂળતાનું જોખમ વધી શકે છે. જે લોકો મોડી રાત સુધી ખાય છે તેમને ઊંઘ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલી તબીબી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)



