શું તમે ચિંતા અને તણાવથી પરેશાન છો? સવારે ઊઠીને કરો આ 3 કામ, ખુશીઓમાં થશે વધારો

Happy Hormones: દરેક વ્યક્તિ ખુશ રહેવા ઈચ્છે છે. પરંતુ આજની વ્યસ્ત અને ભાગદોડથી ભરેલી જીવનશૈલીમાં લોકોમાં ચિંતા અને તણાવ જેવી સમસ્યાઓ વધી રહી છે. ઘણા લોકો આખો દિવસ નિસ્તેજ અને આખો દિવસ થાકથી ભરેલા દેખાય છે. જેની તેઓના કામ પર પણ અસર પડે છે. પરંતુ વહેલી સવારે ઊઠીને કેટલાક કામ કરવાથી આ સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.

આપણા મૂડને ઊર્જાવાન અને ખુશનુમા બનાવવા પાછળ હેપ્પી હોર્મોન્સ જવાબદાર છે. આપણે કેટલીક ખાસ પ્રવૃત્તિઓ કરીએ છીએ, ત્યારે આ હોર્મોન્સ શરીરમાં રિલીઝ થાય છે. જેથી તણાવ અને ચિંતાથી છૂટકારો મળે છે. જો તમે ઈચ્છો છો કે, તમારા શરીરમાંથી હેપ્પી હોર્મોન્સ રિલીઝ થયા કરે, તો તમારે તમારી લાઈફસ્ટાઈલમાં કેટલાક ફેરફાર કરવા પડશે.

શરીરમાં હેપ્પી હોર્મોન્સ રિલીઝ કરાવવા માટે સૌપ્રથમ તમારે દિવસની શરૂઆત વર્ક આઉટથી કરવી પડશે. વર્ક આઉટના કારણે શરીરમાંથી એન્ડોર્ફિન નામનું હોર્મોન રિલીઝ થાય છે. જે મૂડને સારું બનાવવામાં મદદ કરે છે. દરરોજ સવારે ઓછામાં ઓછી 30 મિનિટ યોગ, જિમ, સાયક્લિંગ જેવી એક્સરસાઈઝ કરવાથી તમને ઘણો ફાયદો થશે. સાથોસાથ રોજિંદા જીવનમાં તેનું હકારાત્મક પરિણામ પણ જોવા મળશે.

બાળપણમાં તમે પુસ્તકોમાં વાંચ્યું હશે કે, કૂણો તાપ લેવાથી શરીરને વિટામીન ડી મળે છે. સૂર્યના કૂણા તાપમાં માત્ર 10-15 મિનિટ બેસવાથી શરીરને તાજગીનો અનુભવ થાય છે અને ઊર્જા પણ મળે છે. કારણ કે, કૂણો તડકો શરીરમાં સેરોટોનિનનું સ્તર વધારે છે. જેથી મન પ્રસન્ન રહે છે.
આપણ વાંચો: શું છે પરિવર્તિની એકાદશીનું મહત્ત્વ? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ…

ઉપરોક્ત ઉપાયો સિવાય શરીરને આખો દિવસ ઊર્જાવાન રાખવા માટે સવારે હેલ્ધી નાસ્તો કરવો જોઈએ. ખાસ ધ્યાન એ રાખવું કે, નાસ્તામાં જંકફૂડનો સમાવેશ કરવો જોઈએ નહીં. શરીરને આખો દિવસ એનર્જી આપે એવો નાસ્તો કરવો જોઈએ. તેનાથી શરીરમાં હેપ્પી હોર્મોન્સ વધે છે. સ્વસ્થ નાસ્તો શરીરમાં આખો દિવસ હકારાત્મકતા જાળવી રાખે છે.
(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલી તબીબી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)