ગ્રીન ટી પીવાના સાચા ફાયદા: જાણો કયા સમયે પીવાથી થશે જાદુઈ અસર

આજના સમયમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો માટે ગ્રીન ટી એક લોકપ્રિય પીણું બની ગયું છે. ખાસ કરીને વજન ઘટાડવા અને ફિટ રહેવા માંગતા લોકો માટે તે આશીર્વાદ સમાન માનવામાં આવે છે.
ગ્રીન ટીમાં રહેલા ‘કેટેચિન’ નામના ખાસ સંયોજનો મેટાબોલિઝમને ઝડપી બનાવે છે અને પાચનતંત્રને મજબૂત કરી મગજને પણ સક્રિય રાખે છે. જોકે, ગ્રીન ટીના મહત્તમ ફાયદા મેળવવા માટે તેને કયા સમયે અને કેવી રીતે પીવી તે જાણવું ખૂબ જ અનિવાર્ય છે.
ગ્રીન ટી પીવાનો શ્રેષ્ઠ સમય સવારનો અથવા તો વર્કઆઉટના થોડા સમય પહેલાનો છે. સવારે કોફી કે સાદી ચાના બદલે ગ્રીન ટીથી દિવસની શરૂઆત કરવાથી શરીરમાં એનર્જી રહે છે અને ફોકસ વધે છે.
જો તમારો મુખ્ય હેતુ ફેટ બર્ન કરવાનો હોય, તો એક્સરસાઇઝ કરતા પહેલા તેનું સેવન કરવાથી ચરબી ઓગળવાની પ્રક્રિયા ઝડપી બને છે. તેમાં રહેલું કેફીન અને પોટેશિયમ શરીરમાં ઊર્જા પૂરી પાડે છે.
આપણ વાચો: અરાઉન્ડ ધ વર્લ્ડ: હિમેજીમાં તૈયાકી – લોકલ આર્ટ ને ગ્રીન ટીની મજા…
ગ્રીન ટી ફાયદાકારક છે, પણ ખોટા સમયે પીવાથી તે નુકસાન પણ કરી શકે છે. જમ્યા પછી તરત જ ગ્રીન ટી પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે, કારણ કે તે ખોરાકમાં રહેલા આયર્ન અને કોપર જેવા જરૂરી મિનરલ્સના શોષણમાં અવરોધ ઊભો કરે છે.
તેવી જ રીતે, રાત્રે સૂતા પહેલા ગ્રીન ટી પીવાનું ટાળવું જોઈએ. તેમાં રહેલું કેફીન તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે અને તેનાથી ગભરામણ કે હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ગ્રીન ટી બનાવતી વખતે પાણીના તાપમાનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પાણી ન તો અતિશય ગરમ હોવું જોઈએ કે ન તો ઠંડુ. ગ્રીન ટીને ક્યારેય 2 થી 3 મિનિટથી વધુ ઉકાળવી જોઈએ નહીં, નહીંતર તે સ્વાદમાં કડવી થઈ જાય છે.
સ્વાદ અને ગુણવત્તા વધારવા માટે તમે તેમાં ફુદીનાના પાન, લીંબુનો રસ અથવા એક ચમચી મધ ઉમેરી શકો છો. હંમેશા મર્યાદિત માત્રામાં જ તેનું સેવન કરવું હિતાવહ છે.



