Happy Birthday: વિદેશ નહીં દેશમાં જ રહીને વિશ્વમાં ડંકો વગાડતા આ ગુજરાતીનો આજે જન્મદિવસ
દરેક વિદેશી એમ્બેસીની બહાર આજે તમને લાઈન લાગેલી જોવા મળશે. જેમના માતા-પિતા સમૃદ્ધ અને સદ્ધર છે તેમના સંતાનોને પણ વિદેશ જઈ રહેવું છે, કારકિર્દી વિકસાવી છે અને ત્યાં ગમે તેટલી મહેનત કરી, તકલીફો ભોગવી ઠરીઠામ થવું છે, પરંતુ આજથી લગભગ 40-45 વર્ષ પહેલા એક ઉદ્યોગપતિ પિતાનો દીકરો સ્ટૈનફોર્ડ યુનિવર્સિટી ઉચ્ચ અભ્યાસ માટે ગયો, પણ અભ્યાસ અધૂરો મૂકી પાછો આવ્યો અને પિતા સાથે બિઝનેસમાં જોડાઈ ગયો. આ સમયે હજુ વિકાસના ડગ માંડતું ભારત હતું અને બીજી બાજુ ઝાકમઝોળ લાગતું અમેરિકા. પણ આપણા ગુજરાતી યુવાને ભારતમાં જ રહી એવી તો હરણફાળ ભરી કે આજે તેમની કંપનીનો ડંકો વિશ્વભરમાં વાગે છે. આ સાહસિક, મહેનતી, દુરંદેશી ગુજરાતી એટલે આપણા ચોરવાડના કુકસવાડાના ધીરુભાઈનો છોકરો મુકેશ. હા, આજે રિલાયન્સ ગ્રુપના ચેરમેન, એશિયાના સૌથી ધનાઢ્ય અને વિશ્વના 11માં નંબરના ધનાઢ્ય એવા મુકેશ અંબાણીનો 67મો જન્મદિવસ છે.
મુકેશ અંબાણીનો જન્મ 19 એપ્રિલ, 1957ના રોજ યમનમાં થયો હતો. ત્યારબાદ પિતા ધીરુભાઈ અને માતા કોકીલાબેન ફરી ભારત આવ્યા અને મુંબઈમાં બિઝનેસ સ્થાપ્યો. મુકેશ અંબાણીએ કેમિકલ એન્જિનિયરિંગ કર્યું અને આગળ ભણવા અમેરિકા ગયા, પરંતુ પિતાને બિઝનેસમાં જરૂર છે તેની જાણ થતાં તેઓ પાછા આવ્યા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રી જોઈન કરી.
પિતાની હયાતીમાં અને તેમના નિધન બાદ મુકેશ અંબાણીએ આ કંપનીને એટલી ઊંચાઈ પર પહોંચાડી કે વિશ્વમાં તેનું નામ થયું. રિલાયન્સનો કારોબાર ઘણા સેક્ટરમાં ફેલાયો છે, જેમાં ઓઈલ રિફાઈનરીથી માંડી રિટેલ માંડી ફાયનાન્સ, ટેલિકોમ જેવા ઘણા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. Reliance Market Cap 20 લાખ કરોડને પાર કર્યાના અહેવાલો છે.
જોકે લોકો તેમની બિઝનેસની જેમ તેમની વ્યક્તિગત જિંદગીમાં પણ ઘણો રસ લેતા હોય છે. તાજેતરમાં જ જામનગર ખાતે તેમના નાના દીકરા અનંત અંબાણીની પ્રિ વેડિંગ સેરેમની સૌ કોઈ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હતું. આનું કારણ તેમના ખૂબ એક્ટિવ જીવનસાથી નીતા અંબાણી છે. કારણ કે અહેવાલો અનુસાર મુકેશ અંબાણી ઘણા ઓછા બોલા, લોકો વચ્ચે કે મીડિયામાં ઓછું આવવાનું પસંદ કરતા વ્યક્તિ છે. તેમણે એકવાર સ્વીકાર્યું હતું કે આજે પણ તેમને જાહેર કાર્યક્રમોમાં કે કોઈ સભાઓમાં સ્પીચ આપતા ડર લાગે છે. શરાબથી માંડી સોશિયલ મીડિયાથી દૂર રહેતા મુકેશ ઉદ્યોગધંધા સહિત તમામ ક્ષેત્રોમાં ઊંચી ઉડાન ભરતા યુવાનો માટે પ્રેરણા સમાન છે.
ધીરુભાઈના નિધન બાદ તેમના બે પુત્ર મુકેશ અને અનિલ વચ્ચે સંપત્તિની વહેંચણીને લઈ થોડી મુશ્કેલીઓ ઊભી થઈ હતી, પરંતુ મુકેશ અને નીતા અંબાણીએ તમામ માતા-પિતાએ કરવા જેવું કામ કરી લીધું છે. મુકેશ અંબાણીએ પોતાના બિઝનેસના ત્રણ ભાગ કરી ત્રણેય સંતાનોમાં વહેંચી દીધા છે. માત્ર બે દીકરા નહીં દીકરીને પણ પોતાના બિઝનેસની વારસદાર બનાવી છે. મોટા દીકરા આકાશને રિલાયન્સ જીયોની કમાન સોંપી છે, ઈશા રિલાયન્સ રિટેલ સંભાળે છે જ્યારે અનંત ન્યૂ એનર્જી બિઝનેસ સંભાળે છે.
આ પરિવારની સૌથી મોટી વાત એ છે કે તેમને જોઈને તમને કોઈ હાઈફાઈ, એલાઈટ નહીં પણ સાદોસીધો ગુજરાતી પરિવાર જ લાગે. 2024માં યોજાયેલા વાયબ્રન્ટ ગુજરાતમાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે રિલાયન્સ ગુજરાતી કંપની હતી, છે અને રહેશે.
તો આ વિશ્વવિખ્યાત ગુજરાતીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા.