હા યહી પ્યાર હૈઃ આ અનોખા સાત ફેરા જોઈને તમારી આંખમાંથી હરખના આસું ન નીકળે તો કહેજો

પ્રેમમાં ફના થઈ જવાની વાતો કરવી આસાન છે, પણ ખરેખર ફના થવુ અઘરું છું. પોતાના પ્રિયપાત્રની મર્યાદાઓને નજરઅંદાજ કરી જીવનભર સાથ નિભાવવો એ જ સાચો પ્રેમ અને સાચા લગ્ન છે. આવા જ એક લગ્નનો વીડિયો વાયરલ થયો છે જે જોઈ પ્રેમ પર ભરોસો થઈ જાય અને આ કપલને ન જાણવા છતાં તેમની માટે અંતરથી આર્શીવાર નીકળે.
આ વીડિયોમાં લગ્ન માટે કન્યાએ જીવનસાથીનો રંગ રૂપ કે દેખાવ તો શું પણ તેની શારીરિક ખોડખાપણ પણ જતી કરી છે.
X નામના એકાઉન્ટથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં વર-કન્યા તેમના લગ્નના ફેરા ફરી રહ્યા છે. ફેરા દરમિયાન, છોકરી આગળ ચાલી રહી છે અને વરરાજા વ્હીલ ચેર પર પાછળ આવી રહ્યો છે. વર, વ્હીલ ચેર પર બેઠેલો, કન્યાની પાછળ ચાલે છે નજીકમાં ઉભેલા પરિવારના સભ્યો બંને પર ફૂલ વરસાવતા જોવા મળે છે.
આ વીડિયો 12 ડિસેમ્બરે શેર કરવામાં આવ્યો હતો, ત્યારથી અત્યાર સુધી 60 હજારથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે અને લોકો કોમેન્ટ કરીને આ નવવિવાહિત જોડાને આશીર્વાદ આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું, અભિનંદન, ભગવાન તમને બંનેને ખુશ રાખે. બીજાએ લખ્યું, દુલ્હનને સલામ, જેણે વરનું હૃદય જોયું. ત્રીજા યુઝરે લખ્યું, આ પ્રેમની સુંદરતા છે. દુનિયા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો પણ પ્રેમ બદલાવો ન જોઈએ.
આપણે ત્યાં લગ્નના ફેરાને મંગળફેરા કહે છે ત્યારે નિસ્વાર્થ પ્રેમથી વધારે મંગળકારી તો બીજું શું હોઈ શકે